ચબૂતરાના ઓટલા પર લોકો ચણ કે પાણી મૂકવાની ક્યારેક-ક્યારેક તસ્દી લે છે પણ ઉપરના મુખ્ય ભાગ સુધી પહોંચવા સીડી અહીં નથી

“ધરતીકંપે આ ચબૂતરાને ખૂબ જોખમી બનાવી નાખ્યો છે.”
“હા, એની હાલકડોલક સ્થિતિ જોખમી છે. આપણે એને ભોંયભેગો કરી દેવા સિવાય હવે કોઈ વિકલ્પ બચ્યો નથી.”
૨૦૦૧ના ધરતીકંપ પછી સારંગપુરમાં આવેલા આ ચબૂતરાને ઉ૫૨ જણાવેલા સંવાદાનુસાર ખરેખર દોરડાથી બાંધીને ધ્વસ્ત કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. છતાં એ ટસનો મસ નહીં થયો. છેવટે બીજા વિકલ્પ તરીકે તેને મજબૂતાઈ આપવા માટે ચબૂતરાને નીચે વિશાળ ઓટલો બાંધીને અડીખમ કરવામાં આવ્યો. અત્યંત આકર્ષક કોતરકામ ધરાવતો પથ્થરનો આ ચબૂતરો એ દિવસથી આજ સુધી એના મૂળ સ્થાને રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શક્યો છે.
આ ચબૂતરા આસપાસ પ્રમાણમાં સારી ખુલ્લાશ છે. એનું બાંધકામ અને મુખ્ય ભાગને ઢાંકતા લાકડાના છાપરાને જોઈને ઘડીકવાર તેના પરથી નજર હટતી નથી. સ્થાનિકો પાસેથી જાણવા મળ્યા મુજબ ચબૂતરા પર પહેલાં ખૂબ જ સુંદર મૂર્તિઓ પણ મઢેલી હતી. કોઈક લેભાગુઓ એ મૂર્તિઓ તફડાવી ગયા એટલે એની હવે કલ્પના કરવી રહી. ચબૂતરાના ઓટલા પર લોકો ચણ કે પાણી મૂકવાની ક્યારેક-ક્યારેક તસ્દી લે છે પણ ઉપરના મુખ્ય ભાગ સુધી પહોંચવા સીડી અહીં નથી. ઓટલાની નીચે ચણના સંગ્રહ માટે ઓરડી છે એ પણ કશા ઉપયોગની રહી નથી. બેહદ આકર્ષક અને ઐતિહાસિક એવા આ ચૂબતરાની ઉપેક્ષા પર ક્યારે પૂર્ણવિરામ મુકાય છે એ હવે જોવું રહ્યું.
એક જમાનામાં મોર ભારત સિવાય દુનિયામાં ક્યાંય નહોતા. એલેક્ઝાંડરે ઈરાન માર્ગે ભારતથી મોરની નિકાસ કરવા માંડી હતી. આજે વિશ્વના આશરે ૧૬ ટકા મોર ભારતમાં છે.
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.


