ચબૂતરાની નીચે પાણી માટેનું કૂંડું પણ છે. પાંચેક ફૂટ જેટલી ઊંચાઈના પથ્થરના ઓટલા પછી આ ચબૂતરાને લોખંડની જાળીની આડશ સુરક્ષિત બનાવે છે
ઢાળની પોળના વિવિઘ ભાગમાં ચબૂતરા આવેલા છે. એમાંનો એક ચબૂતરો અહીંના રસિક ચોકમાં છે. બાલાજી મંદિર અને મસ્જિદ જ્યાં એક જ દીવાલથી એકમેક સાથે બંધાયેલાં છે તેવા આ ચોકનો ચબૂતરો કેવોક છે?

પથ્થરમાંથી બનાવવામાં આવેલા સોએક વરસ જૂના આ ચબૂતરાની નીચે ઇલેક્ટ્રિક જંક્શન અને બાજુમાં સ્ટ્રીટલાઇટનો થાંભલો છે. ચબૂતરાની નીચે પાણી માટેનું કૂંડું પણ છે. પાંચેક ફૂટ જેટલી ઊંચાઈના પથ્થરના ઓટલા પછી આ ચબૂતરાને લોખંડની જાળીની આડશ સુરક્ષિત બનાવે છે. તેનો મુખ્ય ભાગ અષ્ટકોણનો બનેલો છે. તેનું બાંધકામ તો સારી ગુણવત્તાનું છે જ, સાથે ચબૂતરામાં જડવામાં આવેલાં શિલ્પો પણ ધ્યાનાકર્ષક છે.
ક્યારેક ઢાળની પોળમાં વૈષ્ણવોની બહોળી વસતિ હતી. પોળમાં આવેલા રસિક ચોકને એનું નામ ૧૯૪૨ના અંગ્રેજો વિરુદ્ધના ભારત છોડો આંદોલન વખતે શહીદ થયેલા સ્થાનિક રાષ્ટ્રભક્ત રસિક જાનીના નામ પરથી મળ્યું છે અને ચબૂતરાનું નિર્માણ વૈષ્ણવ વણિક ગોવિંદ ભગતે કરાવ્યું હતું.
ચબૂતરાની આસપાસ ઘણીવાર ખાસ્સાં વાહનો પાર્ક થાય છે અને એક તરફ લારી છે. સ્થાનિક રહેવાસીઓએ જ ચબૂતરાને જિર્ણશીર્ણ થતો રોકવા માટે તેનું સમયાંતરે રંગરોગાન કરાવ્યું છે. તેઓ ચબૂતરાથી છૂટી પડી ગયેલી સીડીને પાછી લગાડવાની વિચારણા પણ ધરાવે છે.
આ વિચારો પ્રશંસનીય હોવા છતાં એ વાતની રંજ પણ જરૂર કરવો પડે કે ચબૂતરામાં દાણા-પાણીની વ્યવસ્થા કરવાનું મૂળ કાર્ય જ અત્યારે અટકી ગયું છે. જોકે કાર્ય શરૂ કરવામાં આવે તો માની શકાશે કે રસિક ચોકના રહેવાસીઓએ અને સમાજે રંગ રાખ્યો!
દર વરસે ૨૦ માર્ચનો દિવસ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવાય છે.
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.


