આ ચબૂતરાના સ્થાપત્યમાં ધ્યાન આપવા જેવું ભલે કશું નથી પણ આ ચબૂતરામાં નિયમિત ચણ મૂકવામાં આવે છે એ બહુ જ સરાહનીય વાત ગણાય!

શાહપુરમાં શાહજહાં મહોલ્લો છે. ત્યાં જ સહજાનંદ સ્ટ્રીટમાં આવેલા આ મહોલ્લામાં વૃક્ષની નજીક ધાતુમાંથી બનેલો એક સાદો લાગતો ચબૂતરો છે. સિદ્ધિવિનાયકના મંદિરની સામે જ મહોલ્લાના ચોકમાં આવેલા આ ચબૂતરાના સ્થાપત્યમાં ધ્યાન આપવા જેવું ભલે કશું નથી પણ આ ચબૂતરામાં નિયમિત ચણ મૂકવામાં આવે છે એ બહુ જ સરાહનીય વાત ગણાય!
વણકર પરિવારનાં બહુમતી ઘરો આ મહોલ્લામાં છે. સાથે અન્ય સમાજના લોકો અને મુસ્લિમો પરિવારો પણ અહીં વસે છે. આ વિસ્તાર સતત ધમધમતો રહે છે. ચબૂતરાની સામે ઊંચી ઇમારતો છે. જોકે વિસ્તારમાં વર્તાતી મોકળાશને કારણે પક્ષીઓને આવવાનું મન થાય તેવું અહીંનું વાતાવરણ છે. જોકે આસપાસ ફેંકાતા કચરાને લીધે આ ચબૂતરો ક્યારેક ઉપેક્ષિત થતો હોવાનો ભાવ પણ વ્યક્ત કરતો લાગે છે.
આ બધા વચ્ચે પણ સ્થાનિક રહેવાસીઓ જે ચણસેવા કરે છે તે સાચે અનુમોદનીય છે. ચબૂતરામાં નિયમિતપણે ચણ તો નીરવામાં આવે છે, સાથે તેને લાગીને મૂકવામાં આવેલા કૂંડામાં પાણી ભરવાની કાળજી પણ એક અથવા બીજી વ્યક્તિ ઉઠાવી લે છે. સેવાના આ કાર્યમાં સાથ આપવા જ પ્રકૃતિને નજીકમાં વડ અને બીજાં વૃક્ષ ઉગાડ્યાં હશે. વૃક્ષોને લીધે પક્ષીઓની સંખ્યા વધે છે અને તેઓ ચબૂતરામાં આવીને ચણ ચણી જાય છે. એક સરસ વાત એ પણ જાણી લોઃ પક્ષીઓ આનંદ માણી શકે તે માટે લોકોએ ચબૂતરામાં હિંચકા પણ બનાવ્યો છે!
મોડર્ન છતાં ઉપયોગી એવો આ ચબૂતરો સહૃદયીઓના યોગદાનથી નવનિર્માણ પામી શકે છે, વધુ દેખાવડો થઈ શકે છે. કદાય તેની નીચેના ભાગનો પણ વઘુ કલ્પનાશીલ ઉપયોગ થઈ શકે છે. જો સેવા માટે પ્રયત્નો કરવામાં આવે તો…
ग्रंथ पंथ सब जगत के बात बतायें तीन।
नाम हृदय, मन में दया, तन सेवा में लीन।।
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.


