મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી મંગલપ્રભાત લોઢાએ સી વોર્ડમાં યોજાયેલા જનતા દરબાર દરમિયાન ગણેશ મંડળોની ફી ઘટાડાની માંગ ઉપર સુલભ કાર્યવાહી કરતા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને રજૂઆત કરી હતી. પરિણામે હવે મહાપાલિકાએ ખાડા ખોદવાની ફી અગાઉની જેમ ફક્ત ₹2000 રાખવાનો નિર્ણય કર્યો છે.
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા અગાઉ જાહેર ગણેશ મંડળોને મંડપ સ્થાપન માટે ખાડા ખોદવા ₹15000 જેટલી ફી વસૂલવામાં આવતી હતી. આ વધારેલી ફી પર અનેક મંડળોએ વિરોધ નોંધાવ્યો હતો. 30 જુલાઈએ C ડિવિઝનના કાર્યાલયમાં આયોજિત ‘રાજા છત્રપતિ સમસ્યા નિવારણ શિબિર’માં પણ આ મુદ્દે રજૂઆતો થઈ હતી.
લોઢાએ શિબિરમાં સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, “ગણેશોત્સવ મહારાષ્ટ્રની સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે. આ પ્રકારની વધુ ફી સામાન્ય મંડળો પર ભારી પડે છે, અને અમે આ મુદ્દે ઝડપથી ઉકેલ લાવશું.” આ વચનમાં હવે ગણેશ મંડળોને રાહત મળી છે. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મુંબઈ મહાનગરપાલિકા કમિશનર ભૂષણ ગગરાણીને આ અંગે તાત્કાલિક સૂચના આપી છે.
હવે મુંબઈના હજારો જાહેર ગણેશ મંડળોને ₹2000માં મંડપ માટે ખાડા ખોદવાની મંજૂરી મળશે, જેના કારણે ખર્ચમાં મોટી રાહત મળશે.


