
મુંબઈના કબૂતરોને દાણા ખવડાવવાના પ્રતિબંધે લોકોમાં તીવ્ર લાગણીઓ જગાડી છે, જેના કારણે કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને હસ્તક્ષેપ કર્યો છે. તેમણે વિનંતી કરી છે કે કોર્ટના નિર્ણયની સાથે-સાથે પક્ષીપ્રેમીઓ, સંતો અને સંવેદનશીલ નાગરિકોની લાગણીઓને પણ ધ્યાનમાં લેવામાં આવે. આરોગ્ય જોખમો ઘટાડવા માટે લાગુ કરાયેલા આ પ્રતિબંધને કારણે રસ્તાઓ પર કબૂતરો મરી રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે.
લોઢાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે ચણના અભાવે કબૂતરો રસ્તાઓ પર મરી રહ્યા છે, જે જાહેર આરોગ્ય માટે નવી સમસ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે મહાનગરપાલિકા આ સંદર્ભમાં વ્યાપક અને સંતુલિત અભિગમ અપનાવે. આ પત્રમાં, તેઓએ નીચેના સૂચનો કર્યા છે:
- કબૂતરોને ચણ નાખવા માટે વૈકલ્પિક પગલાં અમલમાં મૂકવા જોઈએ.
- બીકેસી, રેસકોર્સ, આરે કોલોની, સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન જેવી ખુલ્લી જગ્યાઓને સલામત અને નિયંત્રિત ખોરાક ક્ષેત્રો તરીકે માન્યતા આપવી જોઈએ.
- લાંબા સમયથી ચાલતી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનો આદર કરીને નિર્ણયો લેવા જોઈએ.
- જાહેર લાગણીઓ, જાહેર આરોગ્ય અને જીવ દયા એમ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સંતુલિત વિકલ્પ અમલમાં લાવવો જોઈએ.
લોઢાએ આશા વ્યક્ત કરી હતી કે મહાનગરપાલિકા એક જવાબદાર સંસ્થા છે અને અબોલ જીવોની રક્ષા માટે અહીં માનવીય અને જીવદયાનો અભિગમ અપનાવવામાં આવે તેવી જનતા મહાપાલિકા પાસે આશા રાખે છે.


