ટ્રસ્ટીઓ આ સંસ્થાને પંડના ખર્ચે પણ ધબકતી રાખે છે. સંસ્થાની વિવિધ જરૂરિયાતો માટે દાતાઓ આગળ આવે તો ખાસ્સો ફરક પડી શકે તેમ છે
નોંધઃ અહીં જણાવેલી માહિતી, પશુઓની સંખ્યા, વાર્ષિક ખર્ચ તથા સંસ્થાની આર્થિક જરૂરિયાતો વગેરે બધું ઓગસ્ટ 2017 મુજબ છે. સંસ્થાની હાલની સ્થિતિ વિશે વાચકે સ્વયં જાણકારી મેળવી લેવી. આ લેખ પ્રસિદ્ધ કરવાનો એકમાત્ર ઉદ્દેશ સંસ્થાનાં તથા સમસ્ત મહાજનનાં સુકૃતથી વાચકોને પરિચિત કરાવવાનો છે.
ત્રણસો જેટલાં પશુ અને એમાં એક પણ દુઝણું નથી. ગાય, પાડા અને બકરાને આપ્તજનની જેમ સાચવતી સુઇગામની આ પાંજરાપોળ એના અસ્તિત્વના બે દાયકા પૂરા કરવાના આરે છે. ભાભરથી એ લગભગ ૨૭ કિલોમીટરના અંતરે છે. બનાસકાંઠાની આ સંસ્થાને ચલાવવા અને વિકસાવવા માટે એના ટ્રસ્ટીઓ જાતે નાણાં ખર્ચે છે અને દાતાઓની મદદ મળે ત્યારે સન્માનપૂર્વક સ્વીકારીને એનો સદુપયોગ કરે છે. જોકે સાવ નાની જગ્યામાં ચાલતી આ સંસ્થાને મોટી જગ્યા મળે અને વિકસવા માટે બધી રીતે સાથે મળે એ અપેક્ષિત બાબત છે.
આઠ-દસ દિવસ લગાતાર ખાબકતા રહેલા વરસાદે આ સંસ્થાનાં પંદરેક પશુઓનો ભોગ લઈ લીધો. જમીનને કાદવે એવી આંટીમાં લીધી કે અરાજકતાનું સામ્રાજ્ય ફેલાઈ ગયું. વળી વૃક્ષો પણ ધરાશાયી થયાં અને સૂકો ચારો સંપૂર્ણપણે ભીંજાવાથી નષ્ટ થઈ ગયો.
મગનભાઈ મહેતા સંસ્થાએ અતિવૃષ્ટિ દરમિયાન જોયેલી હાલાકીની બીના જણાવતાં કહે છે, “ચારાને ભીંજાતો અટકાવવા સુરક્ષિત સ્થાને ખસેડવા અમને મજૂરો મળ્યા નહીં. છેવટે અમારી આંખ સામે, લાચાર થઈને અમે ચારાને ભીંજાઈને નકામો થતા જોઈ રહ્યા.” ઉપરાંત સંસ્થાના પરિસરમાં આવેલા પશુઓના શેડને પણ અતિવૃષ્ટિએ હડફેટમાં લઈ લીધો. એક કરતાં વધારે આફતોના એ તબક્કા પછી ભલભલા માણસ હતોત્સાહ થઈ જાવ. જોકે આ સંસ્થાના સંચાલકો હતોત્સાહ થયા નથી એ અનુમોદનનીય વાત છે.
આ સંસ્થાને સ્થિરતા અને સુનિયોજિત કાર્ય કરવાની ક્ષમતા પૂરી પાડવા માટે ઘાસચારાના નિરંતર પુરવઠા, નવા શેડના નિર્માણ, ફેન્સિંગ, ગોડાઉનના બાંધકામ જેવા અનેકવિધ મોરચે મદદરૂપ થવાની આવશ્યકતા છે. હાલના પૂરને કોઈ કાળે સારી બાબત ગણી શકાય નહીં પણ કહે છે કે દરેક સિક્કાને બે બાજુ હોય છે. આભમાંથી ઊતરી આવેલી એ આફતે સમાજને આ બધી સંસ્થાઓ તરફ જોતો કર્યો છે, ઢંઢોળ્યો છે અને કહ્યું છે કે માણસાઈને જો મૂલ્યવાન ગણતા હોવ તો જીવદયા માટે જાગૃત થાવ, એ આ આખી દુઃખદ વાતની સારી બાજુ છે.
સુઇગામની આ પાંજરાપોળ આઠેક જણના કર્મચારીગણ થકી ચાલે છે. જોકે સ્ટાફ માટે સંસ્થા પાસે પૂરતાં ક્વાર્ટર્સ નથી. પશુઓ માટે ઉપચારની પણ અપેક્ષિત વ્યવસ્થા અહીં નથી. વળી ટ્રેક્ટર જો હોય તો ઘણાં કામ સવળાં થાય પણ સંસ્થા પાસે એ પણ નથી.
રોજબરોજના ખર્ચને અને પૂર જેવી આપત્તિ પછી આવી પડતી વધારાની જવાબદારીઓને પહોંચી વળવા આ સંસ્થાનો પૂરો મદાર ટ્રસ્ટીઓ અને દાતાઓ પર છે. મુદ્દે, દાતાઓ જેટલા વધુ આગળ આવશે એટલો સુગ્રથિત વિકાસ આ પાંજરાપોળનો થઈ શકશે. પરમાત્માને પ્રાર્થના કે એના દાતાઓમાં એક આપણે સૌ હોઈએ.
ઊણપો/જરૂરિયાતો
1. ચારાના મામલે આત્મનિર્ભરતા.
2. વધુ જમીન અને સગવડો.
3. ટ્રેક્ટર, ગોડાઉન, શેડ.
4. ફેન્સિંગ, એમ્બ્યુલન્સ, પશુ સ્વાસ્થ્ય કેન્દ્ર અને સ્ટાફ ક્વાર્ટર્સ.
સંસ્થાસંપર્ક
સરનામું: શ્રી સુઇગામ ખોડાઢોર પાંજરાપોળ, પોસ્ટ અને તાલુકો સુઇગામ, જિલ્લો બનાસકાંઠા – ૩૮૫૫૭૦, ગુજરાત
સંપર્ક: મંગલદાસ મનસુખલાલ મહેતા
ટેલિફોન: ૦૨૭૪૦-૨૨૩૮૯૨
મોબાઇલ: ૯૮૯૮૮ ૧૬૦૨૭
ચેક/ડ્રાફ્ટ મોકલવાનું નામ: શ્રી સુઇગામ ખોડાઢોર પાંજરાપોળ
આવકવેરામાં રાહતની પાત્રતા: હા
કુલ અબોલ જીવો: ૩૦૦
વાર્ષિક ખર્ચ: ૩૦ લાખ રૂપિયા
બાંધકામનો ખર્ચ: ૨૦થી ૨૫ લાખ રૂપિયા
સંસ્થાને દાન આપવા કે કોઈ પણ રીતે મદદરૂપ થવા ઇચ્છનાર સમસ્ત મહાજનનો સંપર્ક પણ સાધી શકે છે
ઓગસ્ટ 2017માં ગુજરાત-રાજસ્થાનમાં અતિવૃષ્ટિ થઈ. તત્કાળ ધોરણે જીવદયાપ્રેમી સંસ્થા સમસ્ત મહાજન અને એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશભાઈ શાહના પ્રોત્સાહને બેઉ રાજ્યની ગૌશાળાઓ તથા પાંજરાપોળોની સ્થિતિ જાણવા સર્વેક્ષણ થયું. એ કાર્ય માંગરોળ મલ્ટીમીડિયાની ટીમે સંપન્ન કર્યું હતું. લેખક-પત્રકાર સંજય વિ. શાહે સર્વેક્ષણના આધારે, ગૌશાળા-પાંજરાપોળ પુનરુસ્થાન અભિયાન, પુસ્તક લખ્યું હતું. આ લેખ 2017માં પ્રસિદ્ધ એ પુસ્તકનો ભાગ છે.


