By: Hiren Gandhi
અમેરિકાએ H-1B વિઝા માટેની લોટરી પદ્ધતિને બંધ કરીને પગાર આધારિત પસંદગી સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. નવી વ્યવસ્થા ફેબ્રુઆરી 2026થી અમલમાં આવશે. આ નિર્ણયને અમેરિકાની ઇમિગ્રેશન નીતિમાં મહત્વપૂર્ણ ફેરફાર તરીકે જોવામાં આવી રહ્યો છે. આ બદલાવનો સૌથી મોટો અને સીધો પ્રભાવ ભારતીય પ્રોફેશનલ્સ પર પડશે, કારણ કે દર વર્ષે H-1B વીઝા મેળવનારામાં 70 ટકા કરતાં વધુ અરજદારો ભારતમાંથી હોય છે.
હાલ સુધી H-1B વિઝા લોટરી આધારિત હતી, જેમાં પાત્ર અરજદારોમાંથી રેન્ડમ રીતે પસંદગી કરવામાં આવતી હતી. આ પદ્ધતિમાં ઓછા પગાર અને ઊંચા પગારવાળા ઉમેદવારોને સમાન તક મળતી હતી. પરિણામે, મોટી સંખ્યામાં અરજીઓ દાખલ થતી હતી અને પસંદગી નસીબ પર આધારિત હોવાની ફરિયાદો લાંબા સમયથી સામે આવતી રહી હતી.
નવી સિસ્ટમ હેઠળ હવે લોટરી દ્વારા પસંદગી નહીં થાય. તેના બદલે, વધુ પગાર આપતી નોકરીઓને પ્રાથમિકતા આપવામાં આવશે. અમેરિકન પ્રશાસનનું કહેવું છે કે આ ફેરફારનો હેતુ ઉચ્ચ કુશળતા ધરાવતા પ્રોફેશનલ્સને પ્રોત્સાહન આપવાનો, શ્રમબજારમાં પગાર દબાવવાની પ્રવૃત્તિ અટકાવવાનો અને વીઝા સિસ્ટમના દુરુપયોગ પર રોક લગાવવાનો છે.
અત્યાર સુધી કેટલીક કન્સલ્ટન્સી અને બોડી-શોપિંગ કંપનીઓ દ્વારા મોટી સંખ્યામાં H-1B અરજીઓ દાખલ કરવામાં આવતી હતી. આ કારણે એક જ ઉમેદવાર માટે અનેક અરજીઓ થતી હતી, જેને લઈને સિસ્ટમમાં અસમાનતા અને દુરુપયોગના આક્ષેપો થતા રહ્યા હતા. નવી પગાર આધારિત વ્યવસ્થા આ પ્રકારની પ્રવૃત્તિઓને નિયંત્રિત કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નવી વ્યવસ્થાથી ઉચ્ચ સ્કિલ ધરાવતા અને સીધી અમેરિકન કંપનીઓમાં નોકરી મેળવનારા ભારતીય પ્રોફેશનલ્સને લાભ થવાની શક્યતા છે. ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, સાયબરસિક્યુરિટી, સેમિકન્ડક્ટર ટેકનોલોજી અને સિનિયર સોફ્ટવેર તથા ટેકનિકલ રોલ્સમાં કામ કરનારા ઉમેદવારોને વધુ તક મળશે. આવા ક્ષેત્રોમાં પહેલેથી જ ઊંચા પગાર આપવામાં આવતા હોવાથી નવી પસંદગી પ્રક્રિયામાં તેઓને પ્રાથમિકતા મળી શકે છે.
બીજી તરફ, ફ્રેશ ગ્રેજ્યુએટ્સ અને ઓછા પગાર આધારિત નોકરીઓ માટે H-1B વીઝા મેળવવી વધુ મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને બોડી-શોપિંગ અથવા ટૂંકા ગાળાના કોન્ટ્રાક્ટ આધારિત મોડલ પર કામ કરતી કંપનીઓ માટે આ બદલાવ પડકારરૂપ સાબિત થઈ શકે છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, નવી વ્યવસ્થાના અમલ બાદ ટૂંકા ગાળામાં ભારતીય અરજદારોની સંખ્યા થોડીઘણી ઘટી શકે છે. જોકે, લાંબા ગાળામાં આ બદલાવથી ભારતીય પ્રોફેશનલ્સના સરેરાશ પગારમાં વધારો, કામની ગુણવત્તામાં સુધારો અને વૈશ્વિક બજારમાં તેમની પ્રતિષ્ઠા મજબૂત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નવી H-1B વિઝાસિસ્ટમને અમેરિકા તરફથી ઇમિગ્રેશન નીતિમાં વ્યાપક સુધારાના ભાગરૂપે જોવામાં આવી રહી છે. આ ફેરફાર માત્ર ભારત નહીં, પરંતુ વૈશ્વિક ટેક ટેલેન્ટ પર પણ અસર કરશે.

Secretary — InGlobal Business Foundation (IBF)
Director — ReNis Agro International LLP, Ahmedabad, India
Subscribe Deshwale on YouTube


