વિચાર કરવો એટલે ખરેખર શું કરવું? કોઈપણ માણસને જો એમ કહીએ કે જે કરજો એ વિચારીને કરજો, તો સવાલ એ આવે છે કે માણસ વિચાર્યા વિના રહી જ શકતો નથી તો વિચાર્યા વિના એ કંઈ પણ કરી કેવી રીતે શકે? વિચારવું અત્યંત સાહજિક પ્રક્રિયા છે. શ્વાસની જેમ એ સતત ચાલ્યા જ કરે છે. છતાં વાતે વાતે એવી સ્થિતી સર્જાતી હોય છે જેમાં માણસે ખરેખર જ વિચારીને પગલું ભરવાનું હોય છે. વિચારમાં ચાર પણ છે. આ ચાર એટલે શું? કદાચ એમ કહી શકો કે જીવન પર દૂરગામી અસર કરનારો કોઈ પણ નિર્ણય લેતા પહેલાં એના પર પૂરી ચાર વખત વિચાર કરવો જોઈએ. એક, બે નહીં પણ પૂરી ચાર વખત. કારણ કે ભૂખ લાગે ત્યારે જમવું એ એક એવી પ્રક્રિયા છે જેમાં લાંબો વિચાર ન કરીએ તો ચાલે. પણ ભવિષ્યનો આધાર બને કે એને તારતાર કરી નાંખે એવી બાબત હોય તો થોડા ગંભીર થવું જ પડે, વારંવાર વિચારને વાગોળીને એનાં સારા-નરસાં પાસાં બરાબર સમજવાં જ પડે. જ્યારે એ વાતની ખાતરી થઈ જાય કે હવે આ નિર્ણય જે પરિણામ સર્જશે એ અત્યારના સંજોગોમાં સ્વીકાર્ય કરી જ શકાય એવું છે ત્યારે આગળ વધવાનું. પછી પણ ઉપાડેલું પગલં ધાર્ય઼ું પરિણામ ન આપે તો ખેલદિલી રાખવાની. આજના દિવસથી વિચાર શબ્દનો મર્મ સમજવાની શરૂઆત કરજો. એવી શરૂઆત કે તમે જ્યારે પણ જે નિર્ણય લો એ સચોટ જ સાબિત થશે એવા આત્મવિશ્વાસ સાથે પ્રત્યેક દિવસ જીવી શકાય. આટલું અમથું કરવાથી વધુ સુખી થવાતું હોય તો કેમ ન થઈએ?