ચબૂતરો એક જમાનામાં ખુલ્લા વિસ્તાર વચ્ચે સર્જાયો હશે. આજે તેની લગોલગ મકાન છે જે ચબૂતરાના સ્થાપત્યને જાણે આલિંગન કરતાં એને ઝાંખું પાડી રહ્યું છે

પુસ્તક બજર સહિત વિવિધ બજાર ધરાવતા ગાંધી રોડ પર લાલાનો ખાંચો છે. ત્યાં આવી છે પતાશાની પોળ. આશરે સાંઈઠેક વરસ જૂનો અહીંનો ચબૂતરો એક જમાનામાં ખુલ્લા વિસ્તાર વચ્ચે સર્જાયો હશે. આજે તેની લગોલગ મકાન છે જે ચબૂતરાના સ્થાપત્યને જાણે આલિંગન કરતાં એને ઝાંખું પાડી રહ્યું છે.
કોંક્રીટના ઊંચા ઓટલા પર ઊભો આ ચબૂતરો લાકડાનો બનેલો છે. નિરીક્ષણ કરતાં એવું લાગે છે કે કોંક્રીટનો ઓટલો પહેલાં અહીં નહોતો. પતાશા પોળ ખાસ્સી મોટી છે. તેમાં જૈનોનાં પણ ઘણાં ઘર છે. પોળમાં ક્યારેક જૈનો જ બહુમતીમાં હશે તેનો અંદાજો અહીં આવેલાં ચાર દેરાસર પરથી મળે છે. આ ઉપરાંત પોળમાં પાતાળેશ્વર મહાદેવનું, રણછોડરાયજીનું અને પુરુષોત્તમરાયજીનું મંદિર પણ આવેલું છે.
ઉદ્યોગપતિ તરીકે વૈશ્વિક નામના મેળવનાર અરવિંદ મિલવાળા લાલભાઈ ગ્રુપનું ઘર પણ એક જમાનામાં આ પોળમાં હતું. એ જૂનું ઘર આજે પણ પરિવારે જાળવી રાખ્યું છે, જેમાં ૪૦૦ વરસ જૂનું દેરાસર પણ છે. ચબૂતરાની વાત કરીએ તો સ્થાનિકો તેમાં આજે પણ ચણાની વ્યવસ્થા કરે છે. જોકે ઉપરના ભાગમાં જવા માટેની સીડી અહીં નથી. ચબૂતરા પર થયેલું કોતરકામ ખૂબ આકર્ષક છે. તેના પર થયેલું રંગકામ પણ તેને વધુ આકર્ષક બનાવે છે. પાણી માટે અહીં કૂંડું રહ્યું નથી. આ ચબૂતરાને થોડાક સમારકામ સાથે યોગ્ય જાળવણી મળે તો એની ઉપયોગિતા ખાસ્સી વધી શકે તેમ છે.
જીવન અંજલિ થાજો!
મારું જીવન અંજલિ થાજો!
ભૂખ્યા કાજે ભોજન બનજો,
તરસ્યાનું જળ થાજો.
દીનદુ:ખિયાંનાં આંસું લો’તા
અંતર કદી ન ધરાજો!
મારું જીવન અંજલિ થાજો
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.