જિર્ણોદ્ધાર સમયે તેની મજબૂતી વધારવા માટે નીચેના ભાગને પથ્થરથી ચણેલા ઓટલામાં ફેરવી નાખવામાં આવ્યો છે. એની ઉપરના ભાગમાં લોખંડની જાળી પણ બેસાડવામાં આવી છે
ઢાળની પોળની અંદર જ ખાડિયા વિસ્તારમાં ખીજડા શેરી છે. આ શેરીમાં પોળનું એકમાત્ર દેરાસર આવેલું છે જે અત્યંત વિખ્યાત છે. કોઈપણ પોળમાં લગોલગ આવેલાં મકાનોની જેમ અહીંનાં મકાનોની પાસે જ ગોળ સ્તંભ પર ઊભો છે લાકડાનો એક ચબૂતરો.

ચારેક ફૂટ ઊંચા ઓટલા પર ઊભેલા આ ચબૂતરાને બીજાથી નોખો પાડતું તેનું લક્ષણ એટલે પાતળા લાકડાનાં બનેલી થાંભલીઓ અને ઓટલા સહિત કુલ ત્રણ ભાગમાં વહેંચાયેલું માળખું. સોએક વરસ જૂના આ ચબૂતરા પાસે શેરીમાં રોમન સ્થાપત્યકળાવાળું એક મકાન છે જે શહેરની હેરિટેજ યાદીમાં સ્થાન ધરાવે છે. પહેલાં આ ચબૂતરો આખેઆખો લાકડાંનો બનેલો હતો. એના જિર્ણોદ્ધાર સમયે તેની મજબૂતી વધારવા માટે નીચેના ભાગને પથ્થરથી ચણેલા ઓટલામાં ફેરવી નાખવામાં આવ્યો છે. એની ઉપરના ભાગમાં લોખંડની જાળી પણ બેસાડવામાં આવી છે જેથી ઓટલો બિનજરૂરી વસ્તુઓ મૂકવાનું કે શ્વાન-બિલાડીથી પક્ષીને નુકસાન પહોંચવાનું સ્થાન બને નહીં.
બ્રાહ્મણ, મારવાડી, પટેલ સમાજના પરિવારો સહિત અહીં જૈનોનાં ઘર છે. આ રહેવાસીઓ સ્વેચ્છાએ ચબૂતરામાં ચણ મૂકવાની સેવા કરે છે. એક સદ્ગૃહસ્થ ચબૂતરો વ્યવસ્થિતપણે કાર્યરત રહે તેના માટે શ્રમદાન પણ કરે છે. ચબૂતરા નજીક જ પાણી માટેનું કૂંડું પણ છે. કશું ખૂટતું હોય તો એ છે ઉપલા ભાગમાં ચણ મૂકવા પહોંચી શકાય તે માટેની સીડી.
રહેવાસીઓની એવી ભાવના છે કે ચબૂતરાને તેના મૂળ સ્થાનેથી ફેરવીને શેરીના પ્રવેશદ્વાર પાસે બેસાડવામાં આવે. આવું વિચારવાનું મુખ્ય કારણ છે વહેલી સવારથી આવતાં પક્ષીઓને ચણ માટે વધારે સાનુકૂળતા થાય એ જોવાની. આ અને આવી સગવડો સર્જવા માટે સમાજનું યોગદાન મળે તો બધું શક્ય છે.
नये कमरों में अब चीजें पुरानी, कौन रखता है?
परिन्दों के लिये शहरों में पानी, कौन रखता है?
– मुनव्वर राना
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.