• મનોરંજનના ડબલ ડોઝ સાથે આવી રહી છે ફિલ્મ ‘ગડબડ થઈ ગઈ યાર’

• બોલીવુડના જાણીતા અભિનેતા આદિ ઇરાની સહિત ભરત ચાવડા, ધર્મેશ વ્યાસ, દાનિશ ગાંધી, વ્યોમા નાંદી, આંચલ શાહ અને હીના વર્ડે જયકિશન મહત્ત્વની ભૂમિકામાં 

સાઉથ એશિયા ફિલ્મ પ્રોડક્શનની આગામી અને મહત્વાકાંક્ષી ગુજરાતી ફિલ્મ ‘ગડબડ થઈ ગઈ યાર’ની ઘોષણા થઈ છે. નિર્માતા ધર્મસિંહ રાજપૂત અને નિર્દેશક રફિક તાલુકદારના નેતૃત્વમાં તૈયાર થઈ રહેલી ફિલ્મ ઊંચી કક્ષાની કોમેડી થ્રિલર છે. દર્શકોને મનોરંજનની સાથે જબરદસ્ત સસ્પેન્સનો અનુભવ એ કરાવશે. સાઉથ એશિયા ફિલ્મ પ્રોડક્શન પ્રીમિયમ ફિલ્મ નિર્માણ કંપની છે. ભારતીય અને વૈશ્વિક પ્રેક્ષકોને એ સાંસ્કૃતિક રીતે જોડાયેલી અને મજબૂત વાર્તાઓ રજૂ કરવા માટે પ્રતિબદ્ધ છે.

ફિલ્મની સ્ટારકાસ્ટ દમદાર છે. મુખ્ય ભૂમિકામાં લોકપ્રિય અભિનેતા ભરત ચાવડા ‘દીપુ’ તરીકે નજર આવશે. સાથે ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર ધર્મેશ વ્યાસ ‘ઓમ’ના પાત્રમાં અને બોલિવૂડના જાણીતા અભિનેતા આદિ ઇરાની ‘ડીએસપી’ની ભૂમિકામાં છે. ઉપરાંત, દાનિશ ગાંધી, જાસ્મિન પટેલ, વ્યોમા નાંદી, આંચલ શાહ અને હીના વર્ડે, જયકિશન જેવાં પ્રતિભાશાળી કલાકારો પણ છે.

ફિલ્મની વાર્તા ત્રણ યુવાનો, દીપુ, અક્કી અને રોની આસપાસ ફરે છે. એણને એક શ્રીમંત ઉદ્યોગપતિ પોતાની યોગ્યતા સાબિત કરવા માટે છ મહિનાની મહેતલ આપવામાં આવે છે. રોમાંચક વળાંક ત્યારે આવે છે જ્યારે તેઓને અચાનક પાંચ કરોડ રૂપિયા ભરેલી એક બિનવારસી કારમાં મળે છે. પોતાની પ્રામાણિકતા બતાવવા જતાં તેઓ પોલીસને આ રકમ સોંપે છે. પરંતુ ટૂંક સમયમાં તેઓને ખ્યાલ આવે છે કે અસલ રકમ તો પંદર કરોડ હતી. આ અજાણતા થયેલી ભૂલ તેમને ખતરનાક ડોન, અસમર્થ પોલીસ અધિકારીઓ અને ગુમ થયેલા પંદર કરોડના રહસ્ય વચ્ચે લાવીને ઊભા કરી દે છે.

ફિલ્મની જાહેરાત અંગે ઉત્સાહ વ્યક્ત કરતાં સાઉથ એશિયા ફિલ્મ પ્રોડક્શનના નિર્માતા ધર્મસિંહ રાજપૂતે જણાવ્યું, “અમારો મુખ્ય ઉદ્દેશ્ય હંમેશાં એવી વાર્તાઓ રજૂ કરવાનો છે જે પ્રેક્ષકોને મનોરંજન સાથે કંઈક નવું પ્રદાન કરે. ‘ગડબડ થઈ ગઈ યાર’ એવી ફિલ્મ છે જેમાં હાસ્ય સાથે સસ્પેન્સનો તડકો છે. ગુજરાતી સિનેમામાં આ પ્રકારની કોમેડી થ્રિલર નવો અનુભવ સાબિત થશે.”

મુખ્યત્ત્વે શહેરી અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાર લેતી ફિલ્મ દરેક ઉંમરના લોકોને ગમશે. ફિલ્મમાં સિચ્યુએશનલ કોમેડી અને ગતિશીલ થ્રિલરનું મિશ્રણ જોવા મળશે. ફિલ્મ ટૂંક સમયમાં મોટા પડદે રિલીઝ થયા બાદ ઓટીટી અને સેટેલાઇટ પ્લેટફોર્મ પર ધૂમ મચાવવા તૈયાર છે.

Subscribe Deshwale on YouTube

Join Our Whatsapp Group

Share.
Leave A Reply

Exit mobile version