પ્રકાશન તથા એક્ઝિબિશનના ઉદ્યોગમાં ભાવનગર રહીને આ પિતા-પુત્રે કમાલ સિદ્ધિઓ મેળવી છે. કપોળોના તથા સમાજના ઉત્કર્ષ માટેની બેઉની સમર્પિતતા પણ સરાહનીય છે

દાઢી અને લાંબા વાળ આ યુવાનના વ્યક્તિત્વની આગવી ઓળખ સમાન છે. એ છે હિમાચલ મહેતા. ભાવનગર સ્થિત તેની કંપની ખિમશિયા એસોસિયેટ્સની વિશાળ ઓફિસ મોટાં શહેરોની ઓફિસીસને ઝાંખી પાડે તેવી છે. એક જમાનામાં તેમના પરિવારની ઓળખ હતી આખું ભાવનગર જેને આજે પણ યાદ કરે છે એવી ખારગેટ સ્થિત પી. એમ. પેંડાવાળા દુકાન. ત્યાંથી શરૂ થયેલી પરિવારની વેપારી સફર આજે ખાદ્ય-ખોરાક નામે દેશ-વિદેશમાં આદરપાત્ર ગણાતા પ્રકાશન તથા એક્ઝિબિશનના ઉદ્યોગથી અતિ જાજ્વલ્યમાન થઈ છે. એનું શ્રેય સૌપ્રથમ જાય હિમાચલના પિતા પ્રકાશ મણિલાલ મહેતા તથા તેમના બંધુઓ ચંદ્રકાંતભાઈ તથા સ્વ. રમેશભાઈને.

પ્રકાશભાઈ પરિવારની તવારીખની વાત કરતાં સંસ્મરણો વાગોળતાં જણાવે છે, “અમે મૂળ શિહોરના. પરિવાર કંદોઈ. હું ચાર વરસનો હતો ત્યારે પિતાનું અવસાન થયું. અમે કુલ છ બહેનો અને ત્રણ ભાઈઓ. મારા ભાઈઓએ પરિવાર સંભાળી લેવા સાથે મારો ઉછેર કર્યો. ઘરની પરિસ્થિતિ તથા વેપારી સંસ્કારને લીધે ભણતાં ભણતાં હું દુકાને જઈ ભઠ્ઠીએ બેસું.”

પ્રકાશભાઈ નોન ગ્રેજ્યુએટ સુધી ભણવા સુધીમાં વેપારમાં ખાસ્સા પળોટાઈ ચૂક્યા હતા. આ મુદ્દે, પિતાને સાંગોપાંગ મિત્રસમ ઓળખનારા અને ભાવનગરમાં જન્મનારા હિમાચલ કહે છે, “પપ્પા પહેલેથી સાહસવૃત્તિ ધરાવે અને કંઈક નવા વેપારનું પણ નાનપણથી વિચારે. એટલે એમણે મીઠાઈ ઉપરાંત આઇસક્રીમ અને દૂધના વેપારમાં ઝંપલાવવાના વિચાર સાથે પ્રાઇવેટ અને પબ્લિક લિમિટેડ કંપનીઓ સ્થાપી.” તેમણે સ્થાપેલી બ્રાન્ડ આદિત્ય આઇસક્રીમ આજે ભલે રહી નથી પણ પરિવારના મીઠાઈના બિઝનેસની જેમ આખું ભાવનગર એનો સ્વાદ આજે પણ યાદ કરે છે.

દૂધ અને આઇસક્રીમ સિવાય તેમણે લોખંડ, એન્જિનિયરિંગના ક્ષેત્રે પણ ભાવનગરમાં આગવું સ્થાન જમાવ્યું હતું. જીવન જોકે આસાન નહોતું પણ, પ્રકાશભાઈનો જુસ્સો કાયમ અડગ, “કશુંક સાધ્ય કરવા સંઘર્ષનો માર્ગ મળે તો ડરવાનું શું? મને તો સંઘર્ષ કાયમ ગમ્યો છે. સંઘર્ષે મને લોકોથી મળાવ્યો છે, સંબંધો આપ્યા છે, મહેનતનું મૂલ્ય શીખવ્યું છે અને સુખ અપાવ્યું છે.” સંઘર્ષકાળમાં કોઈકને મળવા કલાકો બેઠા રહ્યા પછી, તડકામાં માથે ભીનાં પોતાં મૂકી રઝળપાટ કર્યા પછી અને, ભાવનગર રહીને અમદાવાદમાં અવ્વલ એવી એક્ઝિબિશનની બ્રાન્ડ સર્જનારા વડીલની આ વાતમાં સફળતાની ચાવી છે.

હિમાચલ કહે છે, “પપ્પા અંગ્રેજી શીખી શક્યા નહીં, તેથી તેમણે બાળપણથી કાળજી રાખી કે મારા શિક્ષણમાં, અંગ્રેજીના જ્ઞાનમાં મીનમેખ રહે નહીં.” કાળિયાબીડની કેપીએસ ઇંગ્લિશ સ્કૂલમાં ભણ્યા પછી ફાતિમા કોન્વેટ હાઈસ્કૂલમાં હિમાચલના એડમિશન વખતની એક ઘટના જુઓ. પ્રકાશભાઈ અને પત્ની ચારુલતાબહેનને સ્કૂલના સંચાલકોએ રોકડું પરખાવી દીધું હતું, “તમને બેઉને અંગ્રેજી આવડતું નથી તેથી તમારા દીકરાને એડમિશન આપી શકાશે નહીં. સોરી.’’ પછી? પિતાની ઇચ્છા કાજે હિમાચલે મેરિટ ક્વોટાની વીસ સીટ માટે ટેસ્ટ આપી એડમિશન મેળવી બતાવ્યું!

પ્રકાશભાઈ ક્રિકેટમાં રણજી સુધી રમ્યા છે. ફિલ્મો, નાટકો અને ઇવેન્ટ્સમાં તેમને પહેલેથી રુચિ. એમાંથી પ્રકાશન ઉદ્યોગમાં ઝંપલાવી એક્ઝિબિશનના ઉદ્યોગ સુધી પહોંચ્યા છે. ૨૦૦૦માં તેમણે ખાદ્ય-ખોરાક માસિક શરૂ કર્યું. ઇન્ટરનેટની પા પા પગલીના એ દિવસોમાં માસિક ચલાવવું એ ખાવાનાં કામ નહીં. છતાં, પ્રકાશભાઈએ ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગની તલસ્પર્શી માહિતીનો રસથાળ પીરસતા ખાદ્ય-ખોરાકને નોંધનીય સફળતા અપાવી. આજે એ ત્રણ ભાષામાં પ્રકાશિત થતા છેક વિદેશ સુધી પહોંચે છે.

ખાદ્ય-ખોરાક એક્ઝિબિશનનો વિચાર ૨૦૦૦થી તેમના મનમાં રમે. સાકાર થયો ૨૦૦૩માં, એ પણ ગજબના સિદ્ધાંતો પાયામાં રાખીને, “માત્ર સ્વદેશી અને શાકાહારી ખાદ્યપરંપરાના પ્રણેતા થવાનું અમે ઠરાવ્યું હતું. અમદાવાદમાં બ્રાન્ડ પ્રસ્થાપિત કરવાનું કામ એના લીધે વધુ કપરું થયું હતું.” કહે છે કે મન હોય તો માળવે જવાય. મન સાથે મહેનત ભળી તેથી પંચાવન સ્ટોલ્સ સાથે ખાદ્ય-ખોરાકે શુભારંભ કર્યો. હવે તો વાઇબ્રન્ટ ગુજરાતના સ્થળ એવા ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં ૧,૧૦૦ સ્ટોલ્સ સુધી પહોંચીને એ વૈશ્વિક એક્ઝિબિશન બની ચૂક્યું છે.

ખાદ્ય-ખોરાક ૨૦૧૮માં સોળમી આવૃત્તિએ પહોંચી ચૂક્યું છે. પ્રકાશભાઈએ સ્થાપેલા એક્ઝિબિશનની ધૂરા હવે હિમાચલે સંભાળી લીધી છે. મેકેનિકલ એન્જિનિયર અને સાથે એમ. બી. એ. એવો હિમાચલ કહે છે, “મને ભણાવતી વખતે પિતાએ કહ્યું હતું કે ઇચ્છે તેટલું ભણજે પણ નોકરી કરવા નહીં, વેપારી થવા.” પ્રકાશભાઈની એ ઇચ્છા દીકરાએ સાકાર કરી છે. આજે પણ પ્રકાશભાઈ સંપૂર્ણપણે સક્રિય છે અને વેપાર માટે દિવસના અમુક કલાક ફાળવવા સાથે સમાજસેવામાં ગળાડૂબ રહે છે. ફૂડ ઇન્ડસ્ટ્રી અને તેના એક્ઝિબિશન વિશે હિમાચલ કહે છે.” અન્‍નપૂર્ણામાતા અને ઠાકોરજીના છપ્પનભોગના કાળથી આપણા જીવનમાં ભોજનનો વિશેષ મહિમા છે. આ ઉદ્યોગ કાયમ વિકાસશીલ રહેવાનો છે. વચમાં જોકે અંગ્રેજો સહિત વિદેશીઓના આધિપત્યે આપણી ભોજનશૈલીને ગ્રહણ લગાડ્યું. એટલે આપણે બાજરાનો રોટલો ભૂલ્યા અને પિત્ઝાના રોટલા તરફ વળ્યા. અમારો સંનિષ્ઠ પ્રયત્ન છે કે સ્વદેશી, શાકાહારી ભોજનને પ્રોત્સાહન આપીએ. લોકોને સમજાવીએ કે સ્વસ્થ રહેવા માટે એ ખાવ જે તમારાં દાદી-દાદા ખાતાં હતાં.”

સૌથી નાની વયે ભાવનગર સ્વીટ મર્ચન્ટ્સ એસોસિયેશનના પ્રમુખ બનવાનું બહુમાન પ્રકાશભાઈના નામે છે. ૨૦૦૦ની સાલથી તેઓ ગુજરાતના મીઠાઈ-ફરસાણ ઉત્પાદક મહામંડળના પ્રમુખ છે. ભાવનગરની લાયન્સ ક્લબ, સૌરાષ્ટ્ર આઇસક્રીમ એસોસિયેશનના ભૂતપૂર્વ પ્રમુખ છે. વીસેક વરસથી સૌરાષ્ટ્ર કપોળ સામયિકના પ્રકાશક પણ ખરા. ખાદ્ય-ખોરાકને ત્રણેક વરસથી ફૂડ એન્ડ બેવરેજિસ ક્ષેત્રનો એક્ઝિબિશન એકસેલન્સનો એવોર્ડ પણ મળી રહ્યો છે. કપોળોને મદદ કરવાના મામલે પ્રકાશભાઈ બેહદ રાજી થાય, કાયમ.

હિમાચલ ઉપરાંત તેમને બે દીકરીઓ, ચાંદની વોરા તથા ધરતી કાણકિયા. હિમાચલનાં લગ્ન અસ્મિતા સાથે થયાં છે. તેમને સૃષ્ટિ અને નિસર્ગ એમ બે સંતાનો છે. પાંચમા ધોરણમાં ભણતી સૃષ્ટિ પત્રકારત્વની સ્પર્ધામાં બે વખત રાષ્ટ્રીય પુરસ્કાર જીતી ચૂકી છે! પિતાની જેમ કપોળ ઉત્તર્પ માટે જાગૃત હિમાચલ કહે છે, “આપણે પ્રગતિશાળી છીએ, સાક્ષર છીએ. ઉચ્ચશિક્ષણના મોરચે આપણે વધુ સજાગતા કેળવીને નવી પેઢીને નોકરીવૃત્તિ કેળવતા રોકવી જોઈએ. વેપાર આપણા લોહીમાં છે અને નવી પેઢીને એ માટે પ્રોત્સાહિત કરવી સંગઠિત પ્રયત્નોથી વધુ સુલભતાપૂર્વક શક્ય બનશે.” ફૂડ અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને નડતા પડકારો વિશેનો તેમનો મત વિચારપ્રેરક છે, “આ ક્ષેત્ર અસંગઠિત હોવાથી ભવિષ્યમાં એના સંગઠિત થવા સાથે અકલ્પનીય તકો સર્જાશે. જેઓ હમણાં આ ક્ષેત્રમાં ઝંપલાવશે તેમનું ભવિષ્ય ઉજ્જ્વળ છે.” લેખનકળા, રસોઈકળા, સંગીતમાં પણ હિમાચલને ઊંડી રૂચિ છે. તેમની ઓફિસમાં દર મહિને સૂર-તાલ-લય નામે અનૌપચારિક સંગીત મહેફિલ યોજાય છે. સંચાલક તરીકે પણ તેઓ સરસ પ્રતિષ્ઠા ધરાવે છે. છેલ્લે તેઓ કહે છે, “બિઝનેસ સાથે આર્ટ એટલે પોઝિટિવિટી અને રિલેક્સ માઇન્ડ. સરવાળે, જીવન સફળ અને વેપાર પણ.”

અંગ્રેજો સહિત વિદેશીઓના આધિપત્યે આપણી ભોજનશૈલીને ગ્રહણ લગાડ્યું. એટલે આપણે બાજરાનો
રોટલો ભૂલ્યા અને પિત્ઝાના રોટલા તરફ વળ્યા.

સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.

Share.

Editor in Chief. CMD, Mangrol Multimedia Ltd.

Leave A Reply

Exit mobile version