મહારાષ્ટ્રમાં સ્ટાર્ટઅપ્સ, ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે કામ કરતી કંપનીઓને હવે ગૂગલનો સહયોગ મળશે, જેથી તેમને વૈશ્વિક સ્તરે વધુ તકો મળી શકે. આ જાણ કરતા કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગસાહસિકતા અને નવીનતા મંત્રી મંગલપ્રભાત લોઢાએ જણાવ્યું કે ગૂગલ સાથેનો આ સહયોગ મહારાષ્ટ્રના સ્ટાર્ટઅપ્સને આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચવામાં મદદરૂપ થશે.
ગૂગલના વેન્ચર કેપિટલ અને સેટઅપ પાર્ટનરશિપ વિભાગના વડા ડૉ. અપૂર્વ ચમરિયાએ મંત્રી લોઢા સાથે મંત્રાલય ખાતે મુલાકાત કરી આ બાબતે ચર્ચા કરી હતી. આ મીટિંગ દરમિયાન કૌશલ્ય વિભાગના કમિશનર લહુરાજ માલી અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના સ્પેશિયલ ડ્યુટી ઓફિસર કૌસ્તુભ ધવસે પણ હાજર રહ્યા હતા.
ગૂગલ દ્વારા હાલમાં વિશ્વના નવ દેશોમાં એઆઈ તાલીમ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. ડૉ. ચમરિયાએ જણાવ્યું કે ભારતમાં પણ સ્ટાર્ટઅપ્સ માટે સમાન કેન્દ્રો શરૂ કરવાની યોજના છે, જ્યાં પસંદગી પામેલી કંપનીઓને આવી સુવિધાઓનો લાભ મળશે. આ ભારતમાં પહેલીવાર થઈ રહ્યી પહેલ છે અને મહારાષ્ટ્રમાં આવા કેન્દ્રની સ્થાપનાથી રાજ્યના યુવા ઉદ્યોગસાહસિકોને વિશ્વભરમાં તકો મળશે. મંત્રી લોઢાએ જણાવ્યું કે આ પહેલ હાલમાં પ્રારંભિક ચર્ચાના તબક્કામાં છે અને ટૂંક સમયમાં ગૂગલ સાથે એમઓયુ પર હસ્તાક્ષર થશે.
ઉપરાંત, ગૂગલે મહારાષ્ટ્રમાં આઈટીઆઈ વિદ્યાર્થીઓ માટે સ્ટાર્ટઅપ્સ અને અદ્યતન ટેકનોલોજી પર ફોકસ કરતા અભ્યાસક્રમો શરૂ કરવાની તૈયારી વ્યક્ત કરી છે. આ પહેલથી યુવાનોને નવીનતમ તકનીકી જ્ઞાન અને કૌશલ્ય સાથે સજ્જ કરવામાં મદદ મળશે.


