સ્ટ્રોબેરીથી લઈને વિવિધ ફળોમાંથી બનતાં ઉત્પાદનોની કંપની એટલે મેપ્રો. વોરા પરિવારના આ સાહસને તેમણે આગવી પ્રતિષ્ઠા અપાવી છે. વળી શહેરી-ગ્રામ્ય સમજણનો પણ અનોખો સમન્વય સર્જ્યો છે

“સિદ્ધાંત બહુ સરળ છે. જે લોકો આપણી કંપની સંભાળતા હોય એમને સંભાળવાની જવાબદારી આપણી છે. કંપની જ્યારે પરિવારની જેમ ચાલે ત્યારે વેપારથી માંડીને સૌનાં જીવન, બધું બરાબર ચાલ્યા કરે.” મયૂર વોરા જ્યારે આ વિચાર વ્યક્ત કરે ત્યારે તરત સ્પષ્ટ થઈ જાયઃ શ્રેષ્ઠ બિઝનેસમેન બનવા માટે માણસે સૌપ્રથમ આ વાતને આત્મસાત્ કરવી પડે. મહાબળેશ્વર, અર્થાત્ મૂળે તો પંચગનીથી દેશભરમાં જાણીતી થનારી બ્રાન્ડ મેપ્રો એટલે મયૂરભાઈની કૌટુંબિક કંપની. મહાબળેશ્વર જનારા મોટાભાગના પર્યટકો મેપ્રો ગાર્ડનની મુલાકાત પણ લે છે. આમ તો એ જાતજાતનાં ફ્રૂટ પ્રોડક્ટસની ફેક્ટરી પણ મયૂરભાઈએ તેને એવી આગવી શૈલીમાં વિકસાવી છે કે જોનારને એ ગાર્ડન લાગે.

મયૂરભાઈના બાળપણ તરફ વળીએ ત્યારે વોરા પરિવારની વાતને પણ તેમાં રોચક રીતે વણી લેવાની રહે. મૂયરભાઈના દાદા વરસો પહેલાંથી પંચગની સ્થાયી થયા હતા. સ્વાસ્થ્યને અનુલક્ષીને ડૉક્ટરે તેમને ત્યાં રહેવાની સલાહ આપી હતી. તેઓ આચાર્ય વિનોબા ભાવે પ્રેરિત સર્વોદય ચળવળના સભ્ય પણ હતા. તુલસીદાસને પાંચ સંતાનો અને એમાંના કિશોરભાઈ પણ પિતા સાથે પંચગની રહે. મયૂરભાઈના પિતા જયકુમાર ગાંધીજી સાથે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા હતા.

તેમણે દેશ માટે જીવન સમર્પિત કર્યું હોવાથી લગ્ન કર્યાં નહોતાં. આઝાદી પછી, છેક ૧૯૫૭માં તેમણે લીલાવતીબહેન સાથે લગ્ન કર્યાં, જેઓ નાની ઉંમરે વિધવા થયાં હતાં. આ યુગલને બે બાળકો થયાં, ૧૯૫૮માં મયૂરભાઈનો અને પછી દીકરી ક્ષમાનો.

પંચગનીમાં રહેતા કિશોરભાઈએ પોતાના ફાર્મસીના જ્ઞાનનો ઉપયોગ કરતાં એક ફાર્મસી શરૂ કરી હતી. સાથે તેઓ જનરલ સ્ટોર પણ ચલાવતા. આગળ જતાં તેમણે કિસાન ફૂડ પ્રોડક્ટસની એજન્સી લીધી. એ ઉત્પાદનોથી તેઓને પ્રેરણા મળી એવું જ કંઈક સ્વબળે કરવાની. એમાંથી સૌપ્રથમ સર્જાઈ કંપની વોરા પ્રોડક્ટસ. સ્ટ્રોબેરીના ખેડૂતો પાસેથી ફળ મેળવી તેનો જામ બનાવીને કંપની વેચે. એનો વિકાસ થતાં મહાબળેશ્વર ફૂડ પ્રોડક્ટસ નામે કંપની ઊભી કરી. આજે એના ટૂંકા સ્વરૂપ જેવું બ્રાન્ડ નેમ મેપ્રો સૌના હૈયે વસ્યું છે.

કિશોરભાઈ આ ઉદ્યોગના મૂળ પ્રણેતા. તેમના બંધુ જયકુમારના દીકરા મયૂરનો જન્મ વિલેપાર્લેમાં થયો. ત્યાંની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં અને જુહુ હાઈસ્કૂલમાં ભણ્યા બાદ મયૂરે આઈઆઈએમ બેંગલોરમાં એમબીએનો અભ્યાસ કર્યો. એ પછી મુંબઈ આવીને ત્રણેક વરસ વોલ્ટાસ જેવી પ્રતિષ્ઠિત કંપનીમાં નોકરી કરી. મયૂરભાઈ એ દિવસોની વાત કરે છે, “વોલ્ટાસમાં મને ખૂબ શીખવા મળ્યું એમાં બેમત નહીં છતાં, આર્થિક ઉન્‍નતિ સાથે પોતાની પ્રતિભાને કસોટીની એરણ પર ચડાવવાની મારી ઇચ્છા હતી. મને બાળપણમાં પંચગનીમાં વિતાવેલા દિવસો પણ વારંવાર યાદ આવ્યા કરે.” આ બધાં વચ્ચે કહેણ આવ્યું કાકા કિશોરભાઈનું, જેમને પોતાને કોઈ સંતાન નહીં અને દૃઢ મનોબળથી પ્રેરાઈને તેમણે વનપ્રવેશ પછી વેપારની સક્રિય ઝંઝટમાંથી મુક્ત થવાનું ઠરાવ્યું. એટલે કિશોરભાઈએ ભત્રીજા મયૂરને કહ્યું, “મેપ્રોની જવાબદારી સંભાળી લે.”

૧૯૮૩-૮૪ આસપાસની એ ઘટના. યુવાનવયે મયૂરભાઈએ મેપ્રોનો કારભાર સંભાળવા માંડ્યો. પરિવારના સંસ્કાર તથા ઉચ્ચ શિક્ષણ બેઉનો સમન્વય કરીને તેમણે વેપારને ખૂબ પ્રભાવશાળી રીતે પ્રગતિના પંથે મૂકી દીધો. આજે મેપ્રોનાં ઉત્પાદનોની શ્રેણી સ્ટ્રોબેરીથી બનતી વિવિધ ચીજોથી ક્યાંય આગળ વધીને અનેક પ્રકારનાં ફળોને આવરી લેનારી થઈ ચૂકી છે. પંચગની-મહાબળેશ્વરની સરહદો વળોટીને આ પ્રોડક્ટસ મહારાષ્ટ્ર અને ગુજરાતના ૮૦,૦૦૦થી વધુ સ્ટોર્સમાં મળે છે. દેશનાં અન્ય અગ્રણી શહેરોમાં પણ મેપ્રો ઉપલબ્ધ છે. સિરપ, સ્ક્વોશ, ક્રશ, જેલી, ફ્રૂટ ચોકલેટ્સ વગેરેની રેન્જ મેપ્રો ધરાવે છે. મયૂરભાઈએ જાતે ઘણી નવી પ્રોડક્ટસ વિકસાવી છે. તેમાંની ફલેરો બહુ લોકપ્રિય છે.

મયૂરભાઈનાં લગ્ન ૧૯૮૧માં રાજવીબહેન સાથે થયાં. આ યુગલને નિકુંજ, યુતિકા અને કુશલા એમ ત્રણ સંતાનો છે. નિકુંજ અને કુશલાએ અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. રાધિકાએ યુકે અને ફ્રાન્સમાં શિક્ષણ લીધું છે. મયૂરભાઈ કહે છે, “અમારા પરિવારજનોની જેમ નિકુંજને પણ મહાબળેશ્વર સાથે ખાસ્સો લગાવ છે. તેની ઇચ્છા પણ કાયમ માટે અહીં રહેવાની છે.” નિકુંજનાં લગ્ન રાધિકા સાથે થયાં છે. પતિ-પત્ની બેઉ મેપ્રોના સંચાલનમાં ઊંડો રસ લે છે.

કિશોરભાઈ ઘણાં વરસોથી નિવૃત્ત જીવન માણી રહ્યા છે અને પુણેમાં વસે છે. પોતાનો મોટાભાગનો સમય તેઓ એચ. વી દેસાઈ આય હોસ્પિટલ અને પુણે બ્લાઇન્ડ એસોસિયેશનના ટ્રસ્ટી તરીકે સેવામાં આપે છે. કર્મચારીઓ સાથે આત્મીયતાના મામલે મેપ્રો આગવાં માપદંડ ધરાવે છે. કંપનીમાં કામે લાગનારા દરેક જણ અને તેના પરિવારની પણ રજેરજની વિગતો કંપની રાખે છે. મયૂરભાઈ કહે છે, “પરસ્પર સાચવી લેવાની ભાવના આપણા પક્ષે બળુકી હોય તો સામા પક્ષે તેનો પડઘો પડે જ. મેપ્રોના વિકાસમાં સ્થાનિકોનો સબળ સાથ રહ્યો છે. એ વિના અમે આ મુકામે પહોંચી શક્યા ના હોત.” પગાર આપીને છૂટી જવાને બદલે કંપની તરીકે મેપ્રો કર્મચારીઓના બાળકના શિક્ષણની જવાબદારી પણ નિભાવવાને સતર્ક રહે છે. કંપનીના વાર્ષિક કાર્યક્રમમાં શ્રેષ્ઠ કર્મચારીઓનું બહુમાન પણ કરવામાં આવે છે.

“હું જે જ્ઞાન આઈઆઈએમમાં પામ્યો નહોતો તે મને પંચગનીના સ્થાનિકો પાસેથી મળ્યું. ગામના ભોળા લોકો, ખાસ કરીને ખેડૂતો, જે પ્રકારની મીઠાશ ધરાવે છે અને બીજાને મદદરૂપ થાય છે તે નોંધનીય હોય છે.” પોતાના અનુભવના આધારે તેઓ યુવાનોને સરસ સૂચન કરે છે, “જોખમ ઉઠાવવાથી ક્યારેય ડરવું નહીં. વળી આજના જમાનામાં તો એટલી બધી સગવડો અને તકો છે કે કદાચ એકાદ-બે વખત નિષ્ફળ જઈએ તો પણ ફરી બેઠા થવાને તક મળી રહે. જુવાનીનો મહત્તમ ફાયદો લઈને જેઓ સાહસ ખેડે છે તેઓ મોટી સફળતાના હકદાર બને છે.”

મયૂરભાઈનાં માતાપિતા પુણેમાં વસ્યાં છે. એકંદરે, મહેતા પરિવારની દરેક વ્યક્તિએ પોતપોતાની જવાબદારીઓ ખુશીભેર નિભાવવા સાથે વેપારી સામાજિક મોરચે નોંધનીય યોગદાન આપ્યાં છે. છેલ્લી એક રસપ્રદ વાત. કરોડોનું ટર્નઓવર ધરાવતી કંપનીને સંભાળનારા મયૂરભાઈની ઓફિસમાં ટ્યુબલાઇટ નથી. ક્યારેય હતી પણ નહીં. તેઓ કહે છે, “ઈશ્વરે અજવાળું અને અંધારું સમજીને સર્જ્યાં છે. કામકાજની જવાબદારીઓ અજવાળામાં આટોપી લેવાની. અંધારું થાય પછી કામ કરવાની શી જરૂર છે? સાંજ પાછીનો પૂરેપૂરો સમય ઘરને, જાતને આપવાનો હોય.”

પરસ્પર સાચવી લેવાની ભાવના આપણા પક્ષે બળુકી હોય તો સામા પક્ષે તેનો પડઘો પડે જ. મેપ્રોના વિકાસમાં
સ્થાનિકોનો સબળ સાથ રહ્યો છે.

સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.

Share.

Editor in Chief. CMD, Mangrol Multimedia Ltd.

Leave A Reply

Exit mobile version