રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં માનનીય. શ્રીમાન. સુરેશ (ભૈયાજી) જોશી અને મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ મુંબઈનાં સૌ પ્રથમ ભારતીય પરંપરાગત રમતો માટેનાં એક અલગ મેદાનનો ગઈકાલે એટલે કે 5 માર્ચના રોજ શિલાન્યાસ કર્યો હતો. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના માર્ગદર્શન હેઠળ આ પહેલનો અમલ કરવામાં આવ્યો હતો.. કુર્લા આઈટીઆઈ ખાતે તૈયાર થનારા આ મેદાનને ‘પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોળકર ક્રીડાંગણ’ નામ આપવામાં આવ્યું. આ સાથે, સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ગોવંડીનું નામ બદલીને ‘જામાસાહેબ મુકાદમ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે બોલતા, સુરેશ (ભૈયાજી) જોશીએ કહ્યું હતું કે “આ સ્થળે ઘણી ઉર્જા છે કારણ કે આ પ્રાંગણ ચાર મહાન હસ્તીઓ – સ્વામી વિવેકાનંદ, પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોળકર, મહારાણા પ્રતાપ અને જામસાહેબના નામોથી શોભે છે. નવી પેઢીને અહીંથી ચોક્કસપણે અનંત પ્રેરણા મળશે. હું કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાને આપણા વારસાને જાળવવા માટે કરવામાં આવેલી આ પહેલ બદલ અભિનંદન આપું છું.” “સમાજ માટે નિઃસ્વાર્થપણે કામ કરનારા જામસાહેબ મુકાદમ આપણા બધા માટે પ્રેરણાસ્ત્રોત છે.” કાયદાકીય વ્યવસાયમાં ટોચ પર હોવા છતાં, તેમણે ૫૦ વર્ષની ઉંમરે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું અને સામાજિક કાર્ય શરૂ કર્યું હતું. તેઓ નિવૃત્તિ લઈને ભૌતિક સુખોનો આનંદ માણી શક્યા હોત. પરંતુ તેમણે સમાજમાં યોગદાન આપવા માટે તે બધું જતું કર્યુ હતું.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ જણાવ્યું હતું કે “ભૈયાજી જોશીની હાજરીમાં આજે ગોવંડી આઈટીઆઈનું નામ જામસાહેબ મુકાદમના નામ પર રાખવામાં આવ્યું છે તે ખૂબ જ નોંધપાત્ર બાબત છે. આ મેદાન પર, કબડ્ડી, ખો-ખો, લંગડી, મલખંભ, કુસ્તી, લગોરી, લેઝીમ, દંડ બેઠક, દોરડા કૂદવા, પવનખીંડ દોડ, ટગ ઓફ વોર, ફુગ્ગા, હાઈ જમ્પ, પકડા-પકડી, જેવી પરંપરાગત ભારતીય રમતોને પ્રાથમિકતા આપવામાં આવશે. સ્થાનિક રમતવીરો તેમ જ યુવા પેઢીને આ રમતો માટે ગુણવત્તાયુક્ત સુવિધાઓ અને નિયમિત પ્રેક્ટિસની તકો મળશે. આ પહેલ ભારતીય પરંપરાગત રમતોને પ્રોત્સાહન આપવા અને નવી પેઢીમાં આ રમતોનું મહત્વ સમજાવવામાં મહત્વપૂર્ણ રહેશે.


