ઘરબેઠા-બેઠા મિનિટોમાં ઘરે કરિયાણાથી લઈને રોજબરોજની જરૂરિયાતોની વસ્તુ મંગાવવા એક કિ્લક કરો એટલે સામાન ઘર પહોંચ મળે. આખી દુનિયામાં સમયમાં ઓનલાઇન ખરીદીનું ચલણ વધ્યું છે. પસંદગી માટે અનેક વિકલ્પો, ડિસ્કાઉન્ટ અને પ્રમાણમાં સસ્તા દરે ઘેરબેઠા વસ્તુ મળી જાય છે એટલે ઘણા લોકો કપડાં, ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, રમકડાં, ઘરગથ્થું ચીજવસ્તુઓ અને અન્ય મોજશોખની ચીજો ઓનલાઇન મંગાવે છે. પરંતુ ઘણીવાર લોકોને છેતરાવાના અનુભવ થઈ રહ્યા છે. જે વસ્તુ મંગાવી હોય તેના બદલે બીજી વસ્તુ મળે, હલકી ગુણવત્તાની મળે, વસ્તુ માટે ફરિયાદ કોઈ જલદી સાંભળે નહિ, સર્વિસ ન મળે એવી અનેક ફરિયાદો વધી છે. ઇ કોમર્સ કંપનીઓના સેલ ભરપૂર વેચાય છે અને તેથી હવે સામાનની ગુણવત્તા અને સર્વિસ અંગે ફરિયાદો વધી છે. આ ફરિયાદોના પગલે સત્તાધિકારીઓ સફાળા જાગ્યા હોય એવું જણાય છે.
બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)એ ગુરુવારે લખનઊ, ગુરુગ્રામ અને દિલ્હી જેવા શહેરોમાં એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિતની મોટી ઇ-કોમર્સ કંપનીઓના અનેક વેરહાઉસમાં બિન-પ્રમાણિત ઉત્પાદનોના વેચાણને રોકવા તેમ જ હલકી ગુણવત્તાવાળા ઉત્પાદનો વેચવા બદલ તપાસ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરી હતી. ગ્રાહક મંત્રાલયે કહ્યું કે, મંત્રાલયના જણાવ્યા અનુસાર, એમેઝોન અને ફ્લિપકાર્ટ દ્વારા બિન-પ્રમાણિત ઉત્પાદનો વેચવા માટે ઘણા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
બીઆઈએસ તપાસમાં જાણવા મળ્યું કે બંને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર વેચાતી બિન-પ્રમાણિત પ્રોડક્ટ્સ ટેકવિઝન ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી રહી હતી. આ પછી, બીઆઈએસએ દિલ્હીમાં ટેકવિઝન ઇન્ટરનેશનલના બે અલગ અલગ વેરહાઉસ પર દરોડા પાડ્યા અને જપ્તીની કાર્યવાહી હાથ ધરી. જપ્ત કરાયેલા બિન-પ્રમાણિત ઉત્પાદનોમાં ડિજીસ્માર્ટ, એક્ટિવા, ઇનાલ્સા, સેલો સ્વિફ્ટ, બટરફ્લાય સહિતની બ્રાન્ડનો સમાવેશ થાય છે.
ઉત્પાદનો જપ્ત કર્યા પછી, બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સે આ કંપનીઓને જવાબદાર ઠેરવવા માટે બીઆઈએસ એક્ટ-2016 હેઠળ કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. મેસર્સ ટેકવિઝન ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ બીઆઈએસ એક્ટ, 2016ની કલમ 17(1) અને 17(3) ના ઉલ્લંઘન બદલ તેની સામે બે કોર્ટ કેસ પહેલાથી જ દાખલ કરવામાં આવ્યા છે. અન્ય જપ્તીની કાર્યવાહી માટે વધારાના કેસ દાખલ કરવાની પ્રક્રિયામાં છે.
બીઆઈએસ એક્ટ-2016ની કલમ 17 હેઠળ, નિયમોનું ઉલ્લંઘન કરતી ઈ-કોમર્સ કંપનીઓને ઓછામાં ઓછા બે લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. આ દંડની રકમ વેચાયેલા અથવા વેચાણ માટે ઓફર કરાયેલા ઉત્પાદનોના મૂલ્યના દસ ગણા સુધી હોઈ શકે છે. આ ઉપરાંત, ગંભીરતાના આધારે બે વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે.


