કર્મ એ જ પૂજા છે એમ માની કાર્ય કરવામાં ફાયદા તો છે જ, પણ ક્યારેક પૂજાને પાત્ર એક કાર્ય માની તે કરવાથી પણ વિવિધ લાભ મેળવી શકાય છે. મુંબઈ જેવા શહેરમાં ઘડિયાળના કાંટે દોડતાં પુરુષો કે સ્ત્રીઓને પૂજા કરવાનો પણ સમય મળતો નથી. કામના બોજાથી અને માનસિક તાણના કારણે જીવનશક્તિનો હ્રાસ થતો રહેતો હોય તેમાંથી બચવા માટે ભગવાનની પૂજા ટોનિક જેવું કામ કરે છે. દરરોજ નહીં તો અઠવાડિયે એકવાર પણ વિધિસર પૂજા કરવાથી ઘણા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ફાયદા મેળવી શકાય છે. આમ, કેવી રીતે થાય તે હવે આપણે વિગતવાર જોઈએ.
સ્નાન:
સવારનો નિત્યક્રમ પતાવી શુદ્ધિ માટે સ્નાન કરવાની ક્રિયાથી જ પૂજા કરવાની શરૂઆત થાય છે. પવિત્ર અને શુદ્ધ થવાની ભાવના સાથે ગંગા નર્મદા જેવી પવિત્ર નદીઓનું આવાહન સ્નાનના પાણીમાં કરીએ છીએ. તેની હકારાત્મક અસર તે પાણી પર પડ્યા વગર રહેતી નથી. સાદી રીતે કે બેધ્યાનપણે કરેલા સ્નાનની ક્રિયા કરતાં ઈશ્વર સ્મરણ અને મંત્રોચ્ચાર સાથે કરેલું સ્નાન શરીરને અને મનને સ્વસ્થ બનાવવામાં વધુ ઉપયોગી નીવડે છે.
સુખાસન:
સ્નાનાદિ ક્રિયા પતાવી લીધા બાદ આસન પર પલાંઠી વાળીને પૂજા કરવા બેસવું, પણ ઘણા ઓછા લોકોના ભાગ્યમાં લખાયેલું હોય છે. પલાંઠી વાળી બેસી શકવા માત્રથી પણ શરીરનાં ઘણાં અંગોને ફાયદા થાય છે. આજના આધુનિક યુગમાં ઘર કે ઑફિસ માટેની મુસાફરીમાં કે ઑફિસના ટેબલવર્કમાં પલાંઠી વાળવાથી વંચિત રહેવાય છે. વળી, હોટેલની જેમ ઘરે આવી ગયેલા ડાઇનિંગ ટેબલ અને ઊભાં રસોડાંએ પલાંઠી વાળી બેસવાની ક્રિયા જ મોટા ભાગે છોડાવી દીધી છે. સમજો કે, પલાંઠી વાળવાનું જ આપણે ભૂલતા જઈ રહ્યા છીએ. આ સંજોગોમાં પૂજા કરતી વખતે પલાંઠી વાળીને બેસી ઘૂંટણથી નીચેના ભાગને સુદૃઢ બનાવી શકાય છે. પલાંઠી વાળી બેસવું એ પણ યોગાસનનો જ એક પ્રકાર છે, જેને સુખાસન કહેવાય છે. જેમાં પગનાં ઘૂંટણ, પીંડીઓ, પેટના સ્નાયુઓ તેમ જ આંતરડાંને પૂર્ણ આરામ મળે છે. એટલું જ નહીં, પણ જેમ હાથ જોડવાથી શરીરની શક્તિ પાછી શરીરને જ મળે છે, જે આપણે અગાઉના નમસ્તેના પ્રકરણમાં જોયું એ જ રીતે પલાંઠી વાળવાથી પગના તળિયામાંથી પણ નીકળતી ઊર્જા પાછી શરીરને મળી રહે છે. આ સ્થિતિમાં માત્ર પૂજા જ નહીં, ભોજન કરવાથી પણ સંતોષ અને આરોગ્ય પ્રાપ્ત થાય છે. પલાંઠીને સુખાસન કહેવું પણ યથાર્થ છે. જે વ્યક્તિ મોટી ઉંમરે પણ જમીન પર પલાંઠી વાળી બેસી શકે છે એ સાચી ‘સુખી’ વ્યક્તિ છે.
દીવો એટલે દિવ્યતા:
આસન પર પલાંઠી વાળીને બેઠા પછી તાંબાંના વાસણમાંથી આચમની વડે ત્રણવાર પાણી પીને શરીરને તેમ જ પ્રાણાયમ કરી મનની શુદ્ધિ કરી તન અને મનમાં નવા પ્રાણ ફૂંકી શકાય છે. શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાથી તમારી આસપાસનું વાતાવરણ શુદ્ધ બને છે. એમાં પણ ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી નીકળતા વાયુ ત્યાંની અશુદ્ધિનો નાશ કરવાની અધિક ક્ષમતા ધરાવતા હોય છે. આમ, દીવો પ્રગટાવવાથી અંધકાર અને અશુદ્ધિ દૂર થઈ દિવ્ય વાતાવરણ સર્જાય છે. શુભ પ્રસંગોએ મીણબત્તીઓ બુઝાવીને અંધકાર ફેલાવવા કરતાં દીપ પ્રકટાવી ઉજાસ ફેલાવવો એ રચનાત્મક કાર્ય છે.
મૂર્તિપૂજા: ધ્યાનનું આરંભ કેન્દ્ર:
દીવો કર્યા બાદ પોતાના મસ્તક પર તિલક કરી માનસિક સ્થિરતા અને સ્વસ્થતા મેળવી ગણપતિ, કૃષ્ણ, શિવ અથવા જે દેવ દેવીમાં તમારી શ્રદ્ધા દૃઢ થઈ ગઈ હોય તેના ધ્યાન સાથે સ્નાનાદિ ક્રિયા શરૂ કરવાની હોય છે. જેમ તમે તમારા નાનકડા સંતાન કે પૌત્રને નવડાવતા હો તો કેટલી ચીવટ અને ધ્યાન રાખો છો. એ નાનકડા બાળને જરા પણ અસુખ ન થાય એ રીતે સમગ્ર ધ્યાન એના તરફ રોકાયેલું રહે છે. આ જ રીતે ભગવાનને સ્નાન કરાવવાથી માંડી વસ્ત્ર શણગાર, પત્ર પુષ્પ ફળ ચડાવવા, આરતી ઉતારવી, ભોજનનો થાળ ધરાવવો વગેરે ષોડષોપચાર દ્વારા પ્રભુનું લાલનપાલન એક બાળકની જેમ કરતાં તમારું સઘળું ધ્યાન તેમના તરફ જ રહે છે. ઘણા લોકો ‘મૂર્તિપૂજા’નો વિરોધ કરે છે, તેમના હિસાબે માણસ માત્ર ‘મેડિટેશન’થી પણ પરમ શક્તિ પામી શકે છે, પરંતુ ધ્યાનથી સમાધિનો ઊંચો કૂદકો હજારે કે લાખે એકાદ વ્યક્તિ મારી શકે છે. બાકીના સામાન્ય લોકોને તો ધ્યાન કરવા માટે કોઈ આધારની પ્રથમ જરૂર પડે છે. કારણ કે ચંચળ મન જે વારંવાર અહીંથી ત્યાં ભટક્યા કરતું હોય છે. એક પળે ઘરમાં, તો બીજી પળે દુકાનમાં, તો વળી ત્રીજી પળે કોઈ ત્રીજા વિચારમાં અટવાઈ જતું હોય છે. આવા મનને પહેલાં તો કોઈ પણ એક વસ્તુ પર કેન્દ્રિત કરવાની જરૂર હોય છે. માટે જ મૂર્તિપૂજાનો રિવાજ કે મંદિરની શોધ થઈ હશે. મનની ચંચળતા ઓછી કરવા માટે એકવાર બાહ્ય વિચારો જેવા કે ધન, કીર્તિ, સંતાન, પતિ કે પત્નીમાંથી હટીને અવિનાશી અને પરમ સત્ય એવી ભગવાનની મૂર્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો અભ્યાસ કરવો જરૂરી છે. આમ, મૂર્તિપૂજા એ ધ્યાનમાં વધુ ઊંડા ઊતરવાનું પ્રથમ પગથિયું ગણી શકાય અને એટલે જ મૂર્તિપૂજા એ ધ્યાનનું વિરોધી બળ નહીં, પણ પૂરક બળ બની રહે છે.
અભિષેક:
ભગવાનનો અભિષેક કરવા માટે ઉપયોગમાં લેવાતું અને ત્યાર બાદ તેને પ્રસાદી તરીકે ગ્રહણ કરાતું પંચામૃત તેના નામ પ્રમાણે ખરેખર અમૃત સમાન છે. તેમાં વપરાતાં દ્રવ્ય દૂધ, દહીં, ઘી, મધ અને સાકરનું સંયોજન તમારા માટે એક દિવ્ય ઔષધ બનીને શરીરમાં પ્રવેશે છે.
દૂધ પ્રોટીન આપે એ વાત સાચી, પણ પચવામાં ભારે હોય છે. દહીંમાંનો ઍસિડ અપચો થતાં અટકાવે છે. દહીં પચવામાં હલકું પણ કફકારક હોઈ મધ કફનો નાશ કરે છે. મધ પ્રકૃતિમાં ગરમ હોઈ ઘી તેની પિત્તકારક વૃત્તિને શમાવે છે અને શરીરને જોઈતી ચરબી પૂરી પાડે છે, જ્યારે સાકર આ ચારે ચીજોનું યોગ્ય દહન કરી સાથે સાથે શરીરને જોઈતો કાર્બોહાઇડ્રેટ્સ પૂરો પાડે છે. આવા પાંચેય પ્રકારના સંયોજનથી ઉત્પન્ન પદાર્થમાં તેના ઘટક દ્રવ્યોના સારા ગુણો ઊપસી આવે છે, જ્યારે હાનિકારક ગુણધર્મોનો નાશ થાય છે. માટે જ તેને અમૃત સમાન ગણાય છે. તમને પૂજા કરવાનો સમય ન મળે તો પણ આરોગ્યતા જાળવવા માટે પણ ક્યારેક ક્યારેક પંચામૃત બનાવી તમારે કે તમારા કુટુંબના સભ્યોએ ઉપયોગમાં લેવા જેવું ખરું.
લીલાં પાન-પત્ર ચઢાવવા:
અભિષેક પછી આવે દુર્વા, તુલસીપત્ર કે બીલીપત્ર ચઢાવવાનો વારો. આ દરેક વસ્તુ સડેલી ન હોય, અખંડ હોય એ બધું જોવા માટે ‘ધ્યાન’ની જરૂર પડે છે. આ લીલી દુર્વા, તુલસી કે બીલીપત્રને ધ્યાનથી જોવા માત્રથી આંખો અને શરીરને અનેક ફાયદા થાય છે.
સૂર્યનો ગરમ પીળો રંગ અને પાણીનો ઠંડો આકાશી વાદળી રંગ પીને ઉત્પન્ન થયેલો વનસ્પતિનો લીલો રંગ ન બહુ ગરમ છે ન બહુ ઠંડો છે. તમારા શરીરને ખાસ કરીને આંખ જેવા નાજૂક અવયવને ન બહુ ગરમ કે ઠંડો એવો આ મધ્યમ લીલો રંગ વધુ માફક આવે છે, કારણ કે વધુ ગરમીથી કે વધુ ઠંડીથી આંખોને નુકસાન થાય છે. આજના ડૉક્ટરો પણ કહે છે કે આંખો સારી રાખવી હોય તો લીલોતરી પર ચાલવું કે લીલોતરી જોવી જોઈએ. ૧૦૮ કે વધુ દુર્વા કે તલસીપત્રથી કરેલી ભગવાનની પૂજા શરીરને પણ એટલી જ ફાયદાકારક બની રહે છે, કારણ કે આ વનસ્પતિઓમાં લીલા રંગ ઉપરાંત દિવ્ય તરંગને આકર્ષવાની શક્તિ, જંતુનાશક દ્રવ્યો અને વાતાવરણ શુદ્ધિના ગુણો રહેલા છે.
આરતીઃ
દીપ સમૂહ દ્વારા અને કપૂર પ્રગટાવી કરાતી આરતીમાંથી નીકળતા વાયુ કેટલા ઉપયોગી છે તે અગાઉના યજ્ઞના પ્રકરણમાં જોયું. આ સાથે આરતી વખતે કરાતો ઘંટડીનો નાદ પણ આંદોલન પેદા કરી વાતાવરણમાં હાનિકારક તત્ત્વોનો નાશ કરવામાં મદદરૂપ થાય છે. આરતી કરતી વખતે તાળી પાડવામાં આવે છે. તાળી પાડવાથી થતાં ફાયદા આપણે નવરાત્રિના પ્રકરણમાં જોઈ ગયા.
પ્રસાદ:
આટલી સુંદર રીતે અને શ્રદ્ધાપૂર્વક પૂજા કરી હોય તો ખરેખર પરમાત્માની પરમશક્તિ પૂજાસ્થળે આકર્ષાય છે, જે તમારા ધરાવેલા ભોજનમાં ભળી પ્રસાદ બની જાય છે, જેને ગ્રહણ કરવાથી તે પ્રાણવાન ઊર્જા તમારા શરીરમાં ફેલાવે છે.
આમ, આજના આધુનિક યુગમાં રોજ નહીં તો ક્યારેક વાર-તહેવારે પણ પૂજા-પાઠનો ‘લહાવો’ નવજુવાનોએ પણ લેવો જોઈએ. આપણી ‘બેલેન્સ’માંથી મનની ચંચળતા સિવાય કશું જ ઓછું થવાનું નથી.
જાણીતા ગુજરાતી લેખક અને પત્રકાર મુકેશ પંડ્યાના પુસ્તક ‘ધર્મ ભી કભી વિજ્ઞાન થા, હૈ ઓર રહેગા’માંથી સાભાર. દરેક ગુજરાતીએ વસાવવા જેવું આ પુસ્તક છે. ધર્મ અને વિજ્ઞાનના પ્રગાઢ સંબંધોને સચોટ રીતે ઉજાગર કરતી બાબતોનો એ રસથાળ છે.


