મૌની અમાસના પાવન દિવસે પ્રયાગરાજમાં મહા કુંભમેળામાં થયેલી નાસભાગમાં અનેક  ભાવિકો ઘાયલ થયાના અને અમુકના અવસાન થયાના સમાચાર છે. અહેવાલો મુજબ નાસભાગમાં પંદર લોકોએ જીવ ખોયા છે. ઘાયલોને તત્કાળ સારવાર મળે એ માટે તજવીજ કરવામાં આવી છે. ઘાયલોને સારવાર માટે મહાકુંભ નગરમાં ઊભી કરવામાં આવેલી કેન્દ્રીય હોસ્પિટલમાં દાકલ કરવામાં આવ્યા છે. 

પ્રાપ્ત પ્રાથમિક માહિતી અને વિડિયોમાં દેખાતી વિગતો મુજબ આ દુર્ઘટના બુધવારે સવારે એક વાગ્યા આસપાસ બની હતી. સંગમતટે અમૃતસ્નાન પહેલાં ભાવિકોમાં નાસભાગ મચી હતી. એની શરૂઆત સંગમતટના થાંભલા ક્રમાંક અગિયાર અને સત્તર આસપાસ થઈ હોવાનું માનવામાં આવે છે. કહે છે કે અમૃતસ્નાન માટે ઘાટ પર ઊભા કરવામાં આવેલા ડાઇવર્ઝન્સ પર ભાવિકો જવા ઇચ્છતા નહોતા. સૌને મૂળ સંગમ પર સ્નાન કરવું હતું. એના લીધે એક જગ્યાએ બેહિસાબ ગિરદી થઈ. એમાંથી નાસભાગ સર્જાઈ હતી. 

નાસભાગમાં મહિલાઓ અને બાળકોની સ્થિતિ વિશેષરૂપે ચિંતાજનક થઈ હતી. ઉપલબ્ધ જાણકારી અનુસાર પંદરથી સત્તર લોકોનાં મૃત્યુ નાસભાગમાં થયાં હતાં. જોકે આંકડો સત્તાવાર રીતે સ્પષ્ટ નથી. બીજી તરફ પચાસથી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલો છે. ઘાયલોને મહાકુંભ નગરની કેન્દ્રીય હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. અનેક એમ્બ્યુલન્સ સહિત બાઇકથી ઘાયલોને સારવાર માટે લઈ જવાયા હતા. 

PM Narendra Modi and UP CM Yogi Adityanath performed pooja at the Sangam Nose on 13 December 2024

એક અંદાજ પ્રમાણે મૌની અમાસના એક દિવસમાં મહા કુંભમેળામાં દસથી પંદર કરોડ ભાવિકો ઉમટવાની શક્યતા છે. આવી પ્રચંડ ભીડને કાબૂમાં રાખીને, વ્યવસ્થા જાળવીને બધું સમુંસુતરું પાર પાડવું કોઈ પણ આયોજકો માટે, સરકાર માટે હિમાલય ચડવાથી નાનું કામ નથી. ઉત્તર પ્રદેશ સરકારે મહા કુંભમેળા માટે ઠેકઠેકાણે વાહનો પર પર્તિબંધ લાદ્યો છે. સાથે, અનેક સેક્ટર્સમાં વિવિધ પ્રતિબંધો મૂકવામાં આવ્યાં છે. છતાં, અપાર ગિરદીને કારણે થયેલી આ નાસભાગ દુર્ભાગ્યપૂર્ણ છે.

નાસભાગ પછી સંગમસ્થાને અમૃતસ્નાન હંગામી ધોરણે સ્થગિત કરવામાં આવ્યું છે. એ માટે સત્તાધીશોએ અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત રવીન્દ્ર પુરીને અરજ કરી હતી. તેઓએ સંમતિ આપ્યા બાદ તમામ સાધુઓ કેમ્પમાં પાછા વળ્યા હતા. જોકે બીજી તરફ સાધુઓએ મૌની અમાસનું સ્નાન થશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ઘટનાસ્થળે હાજર ભાવિકોના વિરોધાભાસી નિવેદનો ટેલિવિઝન અને ઇન્ટરનેટ પર આવી રહ્યા છે. એના અનુસાર મૃતકોની સંખ્યા વધુ હોઈ શકે છે. જોકે ચોક્કસ વિગતો સત્તાવાર રીતે જાહેરાત થયા પછી જ જાણી શકાશે.

વધુ વિગતો અપેક્ષિત છે. મુશ્કેલીના આ સમયે સત્તાધીશોએ ભાવિકોને શાંતિ જાળવવા અને અફવાઓથી બચવાની અપીલ કરી છે.

Leave A Reply

Exit mobile version