પારિવારિક ફિલ્મો માટે દેશમાં એક સૌથી મોટું નામ રાજશ્રી પ્રોડકશન્સ અને સૂરજ બડજાત્યા છે. એમના ઓટીટી પર આવી રહેલા સર્વપ્રથમ શો નિમિત્તે એમની વિશેષ મુલાકાત…
બીજું કોઈ નહીં પણ સૂરજ બડજાત્યા પોતે ઓટીટી પ્લેટફોર્મ પર આવી રહ્યા છે. નિર્માતા તરીકે. એમના પ્રતિષ્ઠિત બેનર રાજશ્રી પ્રોડક્શનના તળે બનેલી વેબ સિરીઝ છે બડા નામ કરેંગે. બડા નામ કરેંગેની પશ્ચાદભૂ ઉજ્જૈન અને રતલામ જેવાં નાનાં નગરો છે. વાર્તા બે યુવાનોના પ્રવાસની છે. તેઓ મોટા શહેરમાં પહોંચીને સામનો કરે છે જીવનની અણદીઠી બાજુનો. આ મુલાકાતમાં તેઓ જણાવે છે સિરીઝ વિશે અને અન્ય રસપ્રદ બાબતો પણ. ઓવર ટુ બડજાત્યા…
દેશવાલેઃ તો, સર, આ શો, બડા નામ કરેંગે, બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો?
સૂરજ બડજાત્યાઃ ‘બડા નામ કરેંગે’ની પ્રેરણાનાં મૂળ સોનીલિવનાં દાનિશજી અને સુગાતાજીના રાજશ્રી પરના વિશ્વાસમાં છે. અમે તેમને પહેલીવાર મળ્યા ત્યારે ખૂબ સ્પષ્ટ હતું કે તેઓ રાજશ્રીને ઓટીટી પ્લેટફોર્મ પર લાવવા માગતા હતા. બેઉએ કહ્યું કે, “ચાલો, તે દર્શકોને લાવીએ જે દર અઠવાડિયે ‘વિવાહ’, ‘હમ સાથ સાથ હૈ’, ‘હમ આપકે હૈ કૌન’ જોવા આવે છે.” આ દર્શકોને ઓટીટી પર લાવવું સોનીલિવના વિઝનનો ભાગ હતો. સાથે, એનો શ્રેય (એસ.) મન્સવી (શોના એક લેખક)ને પણ જાય છે, જેણે રતલામ અને ઉજ્જૈનના બે યુવાનોની આ કથા લખી છે. એમણેપોતે પણ જીવનમાં મોટું કરવાનું સપનું જોયું છે.
દેશવાલેઃ ઉજ્જૈન અને રતલામને કથાની પશ્ચાદભૂ તરીકે પસંદ કરવાનું કારણ?
સૂરજ બડજાત્યાઃ ઉજ્જૈન અને રતલામની પસંદગી વ્યૂહાત્મક નિર્ણય હતો. મધ્ય પ્રદેશ પરિવારલક્ષી ફિલ્મો માટે મજબૂત બજાર ધરાવે છે. ત્યાંની સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ વાર્તા સાથે બરાબર બંધબેસે છે. અમારા લેખક મનસ્વીએ મધ્ય પ્રદેશમાં જીવનનો ઘણો સમય પસાર કર્યો છે. તેમણે વાર્તાને સ્થાનિક સ્પર્શ સાથે જીવંત બનાવવામાં મદદ કરી છે.
દેશવાલેઃ સાંભળ્યું છે કે આ શો 1990ના દાયકાના પ્રેમ અને પરિવારનાં મૂલ્યોને જીવે છે. એ કામ શો કેવી રીતે કરી શક્યું છે?
સૂરજ બડજાત્યાઃ યસ, બડા નામ કરેંગેમાં આ બેઉ બાબતો સંમિલિત છે. વાર્તાનાં બે મુખ્ય પાત્રો યુવાન છે. તેઓ પરિવારનું ગૌરવ વધારવા માટે શહેરમાં જાય છે. જો કે ત્યાંની ઝડપી જિંદગીમાં પોતાને સ્થિર કરવા તેઓ અનેક પડકારોનો સામનો કરે છે.
દેશવાલેઃ ઓટીટી પરિવારલક્ષી કન્ટેન્ટ માટે યોગ્ય સ્થાન છે?
સૂરજ બડજાત્યાઃ બિલકુલ છે. મને વિશ્વાસ છે કે આજે પણ પરિવારલક્ષી કથાઓ માટે ત્યાં સારો માહોલ છે. ઓટીટી પર થ્રિલર અને ડાર્ક શો જોવા મળતા હોવા છતાં, પરિવારલક્ષી શો માટે પણ માગ જરાય ઘટી નથી.
દેશવાલેઃ ‘બડા નામ કરેંગે’ દર્શકોને શો સંદેશ આપશે?
સૂરજ બડજાત્યાઃ આ શો યુવાપેઢીને એવું શીખવે છે કે જીવનમાં મહત્વાકાંક્ષા માટે પ્રયાસ જરૂર કરો, પરંતુ મૂળભૂત મૂલ્યો અને પરંપરાઓને વફાદાર રહો.
દેશવાલેઃ ઓટીટીના આ યુગમાં પરિવારોની ભૂમિકા કઈ રીતે બદલાઈ છે?
સૂરજ બડજાત્યાઃ પરિવારલક્ષી મૂલ્યો આજે પણ મહત્વનાં છે. ‘બડા નામ કરેંગે’ દર્શાવે છે કે કેવી રીતે જુદી જુદી પેઢીઓ એકમેકથી કશુંક શીખી અને સંબંધો મજબૂત બનાવી શકે છે.
દેશવાલેઃ આ શ્રેણી દર્શકોને કયો સંદેશો આપશે? એનાં પાત્રો અને પાત્રોની મુસાફરીકોઈ ખાસ મૂલ્ય અથવા નૈતિકતા પ્રગટ કરે છે?
સૂરજ બડજાત્યાઃ યુવા દર્શકો માટે શોનો સંદેશ છે કે તેઓ મહત્વાકાંક્ષાઓ માટે પ્રયત્નશીલ ભલે રહે, પરંતુ પારિવારિક મૂલ્યોને પણ સન્માને. આ મૂલ્યો તેમના માટે મજબૂત આધાર બને છે. આ મૂલ્યો જીવનમાં નિષ્ઠાવાન માર્ગદર્શક તરીકે કામ કરે છે. આ મૂલ્યોને જીવિત રાખીને યુવા પેઢી પ્રિયજનો પાસેથી અમૂલ્ય શક્તિ અને પ્રોત્સાહન પામી શકે છે.
દેશવાલેઃ છેલ્લે, તમારાં સર્જનોમાં પારિવારિક મૂલ્યો પર કાયમ ભાર અપાતો રહ્યો છે…
સૂરજ બડજાત્યાઃ હું મજબૂત માનું છું કે બદલાતા સંબંધોમાં પણ પરંપરાગત ભારતીય મૂલ્યો મહત્ત્વનાં છે. ભારત પરંપરા અને આધુનિકતાનું અનોખું મિશ્રણ છે. આપણાં મૂલ્યોને નકારવાં આપણી ઓળખ માટે હાનિકારક બનશે. ‘બડા નામ કરેંગે’ આ વિષયે નાજુક એ સંતુલન શોધે છે, જ્યાં જુદીજુદી પેઢીઓ એકબીજાથી કશુંક શીખે છે, પરસ્પર માન અને સમજણ વિકસાવે છે અને મૂળ આસ્થાઓને વફાદાર રહે છે. આ અભિગમ આજના આધુનિક સંબંધોની જટિલતાઓને સફળતાથી સંચાલિત કરવા માટે જરૂરી છે.
બડા નામ કરંગે… સોનિ લિવ પર જોઈ શકાશે સુક્રવાર, સાતમી ફેબ્રુઆરી 2025થી.
(નોંધઃ અખબારી યાદી પરથી સુધારિત આવૃત્તિ)