શું સત્તાનો તાજ પહેરીને કોઈ નફાની દોડ લગાવી કે જીતી શકે છે? શું એક નામ બજારને હલાવી શકે છે? ન્યુ યોર્કના ગગનચુંબી આકાશ નીચે જ્યાં હિંમત સતત ઝળકે છે ત્યાં ટ્રમ્પ મોબાઇલે 16 જૂન, 2025ના રોજ જન્મ લીધો. ટ્રમ્પ ટાવરમાં ઉદ્ઘાટિત આ $499નો સોનેરી સ્માર્ટફોન અને $47.45નો માસિક પ્લાન લઈને આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પની રાજકીય યાત્રાની દસમી વર્ષગાંઠે શરૂ થયેલો આ વ્યવસાય પ્રશ્ન કરે છે—નૈતિકતા ક્યાં છે? આ ફોન એક નવો માર્ગ પણ દર્શાવે છે, પણ તેનાં મૂળ કારખાનામાં નહીં, એક લાઇસન્સના સોદામાં છે. અમેરિકાના ટેલિકોમ દિગ્ગજો સામે આ એક પડકાર છે. આ ફોન, T1 ફોન, જાણે બળવાનો ઝંડો છે. “ટ્રમ્પનું નામ જ એમના વેપારની સૌથી મોટી તાકાત છે,” 2016માં ઉદ્યોગપતિ માર્ક ક્યુબને વખાણ્યું હતું.
ટ્રમ્પ મોબાઇલ સામાન્ય વ્યવસાય નથી. એ વર્ચ્યુઅલ નેટવર્ક ઓપરેટર છે, જે એટીએન્ડટી (AT&T), વેરીઝોન (Verizon) અને ટી-મોબાઇલ (T-Mobile)ના ફાઇવ-જી (5G) નેટવર્ક પર સવારી કરે છે. તેનો 47 ડોલરનો ($47.45નો) ટ્રમ્પના પિસ્તાલીસમા અને સુડતાલીસમા રાષ્ટ્રપતિ કાર્યકાળની નિશાની છે. આ મોબાઇલમાં અમર્યાદિત કોલ્સ, મેસેજ અને ડેટાનો પ્લાન સામેલ છે જે 20GB પછી ધીમો પડશે. સાથે ટેલિમેડિસિન, રોડસાઇડ સહાય અને 100 દેશોમાં મફત કોલનું પણ એમાં વચન છે. ઑગસ્ટ 2025માં લૉન્તચ થનારો ટી-વન ફોન 6.8 ઇંચની એમોલેડ સ્ક્રીન, 50MP કેમેરા અને એન્ડ્રોઇડ 15 સાથેનું સાધન હશે. તેનો સોનેરી રંગ, અમેરિકન ધ્વજની કોતરણી સાથે, જાણે દેશભક્તિનું ગીત ગાય છે. ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે એને “સાચા અમેરિકનોની પસંદગી” કહ્યો છે. પરંતુ ટ્રમ્પ ઑર્ગનાઇઝેશન ના તો આ મોબાઇલનું નિર્માણ કરે છે કે ન તો એણે એની ડિઝાઇન બનાવી છે. ફ્લોરિડાની ટી-વન મોબાઇલ એલએલસીએ ટ્રમ્પનું નામ ભાડે લઈને આ સાહસ ખેડ્યું છે. સવાલ એ પણ છે કે આ કંપની આખરે શું છે અને કોની છે?
મોબાઇલનો “મેઇડ ઇન અમેરિકા” દાવો શંકાની નજરે જોવા જેવો છે. એરિક ટ્રમ્પે બેની શો પર કહ્યું, “છેવટે આ મોબાઇલ અમેરિકામાં બનશે.” નિષ્ણાતોએ એને હસી કાઢ્યો છે. “ઑગસ્ટ સુધીમાં અમેરિકામાં સ્માર્ટફોન બનાવવો અશક્ય છે,” જોન્સ હૉપકિન્સના પ્રોફેસર ટિંગલોંગ ડાઈએ કહ્યું છે, અમેરિકામાં હાઇટેક સપ્લાય ચેઇન નથી. વિશ્લેષક લિયો ગેબી માને છે કે વિદેશી ભાગોથી એસેમ્બલી થઈ શકે છે, બસ. ટ્રમ્પનો ઘરેલુ ઉત્પાદનના નિર્માણનો ઘોષ, જેમાં બિન-અમેરિકન આઇફોન્સ પર 25% ટેરિફની ધમકી છે, ટ્રમપ્ના દાવા પર પ્રશ્ન ઊભો કરે છે. ટ્રમ્પ મોબાઇલના ફોન પણ કદાચ વિદેશી ભાગો આધારિત હોઈ શકે છે. વચન અને વાસ્તવિકતા વચ્ચેનું આ અંતર શંકાને જન્મ આપે છે, ભલે ટ્રમ્પના ફેન્સ તેને ગળે ઉતારે તો શું?
ટ્રમ્પનો વ્યવસાયિક ઇતિહાસ જીત અને ગરબડની મહાકથા છે. હોટેલ્સથી લઈને સ્ટેક સુધી, તેમનું નામ ચમકનો પર્યાય ગણાતું રહ્યું છે. “ટ્રમ્પ સપનાં વેચે છે, સામાન નહીં,” બ્રાન્ડ ગુરુ લોરા રીઝે છેક 2017માં કહ્યું હતું. રાજકારણમાં પગ મૂક્યા પછી તેમનું નામ આકાશને આંબી ગયું. ફોર્બ્સે 2025માં ટ્રમ્પની સંપત્તિ $5.3 બિલિયન આંકી હતી, જેમાંથી અડધી તો એમની સોશિયલ મીડિયા કંપની ટ્રુથ સોશિયલના પ્રતાપે હતી. ગયા વર્ષે ટ્રમ્પ બાઇબલ, સ્નીકર્સ અને ઘડિયાળોથી $600 મિલિયન કમાયા હતા. ટ્રમ્પ મોબાઇલ આ શ્રેણીની નવી કડી છે, જે કન્ઝર્વેટિવ ગ્રાહકોને આકર્ષે છે. સેન્ટ લુઇસનું કોલ સેન્ટર અને સૈનિકો માટે વિશેષ છૂટ એ ટ્રમપનો જાણે “અમેરિકા ફર્સ્ટ”નો નારો છે. પરંતુ, સિટિઝન્સ ફોર એથિક્સની મેગન ફૉલ્કનર એને ખોટો ઠરાવે છે.
હવે એક આડવાત. 40 લાખથી વધુ ભારતીય-અમેરિકનો ટેક અને ટેલિકોમ ક્ષેત્રે ચમકી રહ્યા છે. મોટોરોલાના ભૂતપૂર્વ સીઈઓ સંજય ઝાએ મોબાઇલ બજારને નવી દિશા બતાવી હતી. શું ટ્રમ્પ મોબાઇલ ગ્રાહકોનાં હૃદય જીતી શકશે? મોબાઇલનો $47.45નો પ્લાન, મિન્ટ મોબાઇલના $30ના પ્લાનની સરખામણીમાં, ગ્રાહકોના ખિસ્સા પર બોજ જેવો છે. છતાં, તેનો દેશભક્તિનો જુસ્સો કેટલાક ભારતીય-અમેરિકનોને પણ આકર્ષિત કરી શકે છે. એ ભારતીયોને ખાસ જેઓ ટ્રમ્પની રાજકીય વિચારધારા સાથે જોડાયેલા છે. ભારતમાં રિલાયન્સ જિયોએ સસ્તા પ્લાનથી ક્રાંતિ લાવી હતી. ટ્રમ્પ મોબાઇલનો પ્રીમિયમ અભિગમ એનાથી ઊલટો છે. ભારતીય ગ્રાહકોને આકર્ષવા માટે સપનાં અને કિફાયતપણાનું મિશ્રણ જોઈએ. ટ્રમ્પ માટે એવું કરવું આસાન નથી.
એટીએન્ડટી, વેરીઝોન, અને ટી-મોબાઇલ કરોડો ગ્રાહકો ધરાવે છે. નાના એમવીએનઓઝ (MVNOs) જેમ કે મિન્ટ મોબાઇલ (જે 2023માં $1.35 બિલિયનમાં વેચાઈ હતી) પણ પોતાની આગવી જગ્યા ધરાવે છે. ટ્રમ્પ મોબાઇલનો $47.45નો પ્લાન, પ્રતિસ્પર્ધીઓના $25ના પ્લાન કરતાં મોંઘો છે, પરંતુ ટ્રમ્પના નામના જોર પર એ જીતવા થનગને છે. ટ્વિટર એટલ એક્સ પર લોકોમાં આના વિશે ચર્ચા શરૂ થઈ ચૂકી છે. કોઈ ટી-વન મોબાઇલની ડિઝાઇનની પ્રશંસા કરે છે, કોઈ કિંમત અને નૈતિકતા પર ટીકા કરે છે. “આ બ્રાન્ડનો જાદુ છે, કંઈ નવું નથી,” એક જણે લખ્યું. સફળતા ટ્રમ્પના 2024ના 74 મિલિયન મતદારો પર નિર્ભર છે. પરંતુ, એફસીસીના મુજબ, એ ભાગ્યે જ એક કરોડ ગ્રાહકો આંબી શકવાની છે.


