પોળમાં આવેલો ચબૂતરો આશરે ૨૫૦ વર્ષ જૂનો હોવાનું મનાય છે. જોકે અત્યારે ચબૂતરાનો કોઈ ઉપયોગ નથી થતો

૫તાશા પોળથી આગળ લાખા પટેલની પોળ આવેલી છે. આ પોળમાં આવેલો ચબૂતરો આશરે ૨૫૦ વર્ષ જૂનો હોવાનું મનાય છે. જોકે અત્યારે ચબૂતરાનો કોઈ ઉપયોગ નથી થતો.
સિમેન્ટના થાંભલા પર ઊભેલા કલરકામ અને કોતરણીવાળા ચબૂતરા પર શંકુ આકારનું છાપરું પણ છે. વર્ષોથી ચબૂતરો આવે જ છે. ચબૂતરા પર માટીની એક નાની કૂંડી લટકે છે. મિશ્ર જાતિના ઘરો ધરાવતી આ પોળમાં જૈનોની વસતિ ઓછી છે. પોળની અંદર જ પરસોત્તમ રાયજીનું મંદિર, ધોળેશ્વર મહારાજનું મંદિર અને કપિલેશ્વર મહાદેવનું મંદિર એવાં ત્રણ મંદિરો છે. આ મંદિરો આશરે બસો વર્ષ જૂનાં હોવાની માન્યતા છે.
મંદિરોમાં કોઈ પૂજારી નથી. સવાર-સાંજ આરતી પણ નથી થતી. ફક્ત મૂર્તિઓ છે, દર્શનાર્થીઓ આવે છે.
રે પંખીડાં! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો,
શાને આવાં મુજથી ડરીને, ખેલ છોડી ઊડો છો?
પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું,
ના ના કો દી’ તન શરીરને કાંઈ હાનિ કરું હું
ના પાડી છે તમ તરફ કૈં ફેંકવા માળીને મેં,
ખુલ્લું મારું ઉપવન સદા પંખીડાં સર્વને છે
રે! રે! તોયે કુદરતથી મળી ટેવ બીવા જનોથી,
છો બીતાં તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની
જો ઊડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો, હા,
પાણો ફેંકે તમ તરફ, રે! ખેલ એ તો જનોના
દુ:ખી છું કે કુદરત તણા સામ્યનું ઐક્ય ત્યાગી,
રે! રે! સતા તમ પર જનો ભોગવે ક્રૂર આવી
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.