ભારે ભીડમાં એકાદ કાંકરીચાળો, અફવા કે માહોલ બદલતી કોઈ બાબત બને ત્યારે તે હોનારત સર્જાય છે. એમાં મોટા પ્રમાણમાં જાનહાનિ થાય છે. લોકો નાસભાગ કરે છે ત્યારે માનવતા મરી પરવારે છે. મહિલાઓ, બાળકો, વૃ્દ્ધો આવી દુર્ઘટનાઓનો મોટાપાયે ભોગ બને છે. લોકો જરાય પરવા કર્યા વિના નીચે પડેલા માણસો પર પગ મૂકીને દોટ મૂકે છે. પડેલાને ઊભા થવાની તક મળતી નથી. આવી અનિચ્છનીય પરિસ્થિતિમાં લોકોમાં બીક, ગુ્સ્સો અને ગભરામણ બધું એકસાથે હાવી થઈ જાય છે. ટોળાની માનસિકતા જંગલીની હોય છે. તેથી તેનાં ભયાનક પરિણામો આવે છે. મહાકુંભ નિમિત્તે બેકાબૂ ટોળાની નાસભાગ અને ભીડમાં ચગદાઈને લોકોનાં મોત થવાની આ વખતે ત્રણ ઘટનાઓ બની ચૂકી છે.

શનિવારે રાતે નવી દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ભીડમાં નાસભાગ થઈ તેમાં 18 લોકોનાં મોત થયાં હતાં. મૃતકોમાં 14 મહિલાઓ અને ત્રણ બાળકો સામેલ છે. સ્ટેશનનાં પ્લેટફોર્મ્સ પર મહાકુંભ જવા માટે અસંખ્ય યાત્રીઓ ટ્રેનની રાહ જોઈને બેઠા હતા. સાંજે ચાર વાગ્યાથી હકડેઠઠ ભીડ એકઠી થવા લાગી હતી. રાત્રે લગભગ સાડાઆઠ વાગ્યે પ્રયાગરાજ જતી ત્રણ ટ્રેનો મોડી પડી (એવી એક વાત છે), જેના લીધે પ્લેટફોર્મ્સ પર ભીડ અપરંપાર વધી ગઈ.

જાણવા મળ્યા મુજબ ત્રણેય ટ્રેનો પ્લેટફોર્મ નંબર 14 પર આવવાની હતી. એટલે ત્રણેય ટ્રેનોના પ્રવાસીઓની ભીડ એકસાથે પ્લેટફોર્મ પર જામી હતી. એવામાં, પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેન પહોંચી ત્યારે રેલવેએ જાહેરાત કરી કે ભુવનેશ્વર રાજધાની ટ્રેન પ્લેટફોર્મ ક્રમાંક 16 પર આવી રહી છે. જાહેરાત સાંભળતાં પ્લેટફોર્મ ક્રમાંક 14 પર હાજર પ્રવાસીઓની ભીડ પ્લેટફોર્મ ક્રમાંક 16 જવા ધસી. એમાં પૂલ પર કોઈક પડ્યું અને એના પ્રત્યાઘાતરૂપે બીજા ઘણા પટકાયા. એમાં એવી અવસ્થિતિ થઈ કે ના પૂછો વાત. 

નાસભાગમાં એ ભીડમાં મહિલાઓ અને બાળકો સહિતનાં લોકો ભોગ બન્યાં. પચીસથી વધુ પ્રવાસીઓ ઘાયલ પણ થયા. એમને સારવારાર્થે હાલમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમનાં મોત થયાં છે એમનાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યા પ્રમાણએ મૃત્યુ  ટ્રોમેટિક એસ્ફિક્સિયા (શ્વાસ રુંધાઈ જવા)થી થયાં હતાં. ટ્રોમેટિક એસ્ફિક્સિયા એવી સ્થિતિ છે જેમાં છાતી અથવા પેટના ઉપરના ભાગ પર અતિશય દબાણ આવતા શ્વાસ લેવામાં, અને શરીરમાં રક્ત પરિભ્રમણમાં મુશ્કેલી ઊભી થાય છે. એમાં વ્યક્તિનો શ્વાસ રુંધાવા લાગે છે જે, આ દુર્ઘટનામાં થયું એમ, મૃત્યુ તરફ દોરી જઈ શકે છે. 

આ પહેલાં 29 જાન્યુઆરીએ પ્રયાગરાજ મહાકુંભમાં અમાસના  અમૃતસ્નાન વખતે પણ નાસભાગ થઈ હતી. એમાં 30 લોકોનાં મોત થયાં હતાં. પછી 10 ફેબ્રુઆરીએ પ્રયાગરાજ સ્ટેશને પણ ભાગદોડ મચી ગઈ હતી. એમાં પણ 36 લોકોનાં મોત થયાં હતાં.

ભીડના નિયંત્રણ અને સચોટ સંચાલનમાં વહીવટી તંત્રએ ચુસ્ત સલામતી વ્યવસ્થા કરવી રહી. આ વાત કોઈ બાળકને પણ સમજાય એવી સહજ છે. છતાં, વસ્તીના દરિયા જેવા ભારતમાં એ કાર્યમાં તંત્ર વારંવાર કાચું પડી રહ્યું છે. લોકો પણ શ્રદ્ધા અને આસ્થા કાજે જીવ જોખમમાં મૂકીને પણ યાત્રા કરવાને પ્રાધન્ય આપે છે.  ખરેખર તો, પ્રચંડ ભીડ જમા થવાની હોય તેવાં સ્થળોએ મહિલાઓ, બાળકો અને વૃ્દ્ધોને શક્ય ત્યાં સુધી સાથે લઈ નહીં જવા જોઈએ. ભીડમાં ગમે તેવી વ્યવસ્થા પણ અવ્યવસ્થા સર્જાતા રોકી શકતી નથી. કમ સે કમ આપણે ત્યાં આ વાત અફર સત્ય છે પણ…

Share.
Leave A Reply

Exit mobile version