મહારાષ્ટ્રમાં માનવશક્તિને ખીલવવા, કૌશલ્ય વિકાસ માટે વિશેષ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારના કૌશલ્ય વિકાસ પ્રધાન મંગલપ્રભાત લોઢા અને મુખ્ય સચિવ સુજાતા સૌનિકે હાલમાં કરેલી જાહેરાત મુજબ રાજ્યમાં કૌશલ્ય વિભાગને મજબૂત કરવા વિશેષ પ્રોજેક્ટ બનશે. ડેવલપમેન્ટ અંડર એપ્લાઇડ નોલેજ એન્ડ સ્કિલ ફોર હ્યુમન ડેવલપમેન્ટ ઇન મહારાષ્ટ્ર એટલે દક્ષ એ પ્રોજેટક્ટ હશે. વિશ્લ બેન્ક એમાં સહયોગ આપશે.
દક્ષ પ્રોજેક્ટની ચર્ચા માટે મંત્રાલયમાં મુખ્ય સચિવને ત્યાં એક બેઠક યોજવામાં આવી હતી. એમાં મંગલપ્રભાત લોઢા, સૌનિક સહિત સચિવ ગણેશ પાટિલ, વિશ્વ બેન્કની ભારતની ટીમના વડા પ્રદ્યુમન ભટ્ટાચાર્ય, વરિષ્ઠ શિક્ષણ નિષ્ણાત ડેનિસ નિકોલેવ હાજર રહ્યાં હતાં. લોઢાએ આ નિમિત્તે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સ્ટેટ ઇનોવેશન સોસાયટી, સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટ સોસાયટી, સ્ટેટ સ્કિલ કમિશનરેટ, ડિરેક્ટોરેટ ઓફ વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ, મહારાષ્ટ્ર સ્ટેટ સ્કિલ યુનિવર્સિટીના કૌશલ્ય વિકાસકાર્યનું સંકલન કરવામાં આવશે. એના થકી કૌશલ્ય અભ્યાસક્રમો વિકસાવવામાં આવશે, જે સમયોચિત છે.
દક્ષનો હેતુ ગુણવત્તાયુક્ત કુશળ માનવશક્તિ તૈયાર કરવાનો રહેવા સાથે, એના અંતર્ગત મહિલાઓ સહિત દરેક વ્યક્તિની કુશળતા વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. બેઠકમાં વૈશ્વિક કૌશલ્ય કેન્દ્ર વિકસાવવા અને ઇનોવેશન સિટી બનાવવા વિશે પણ ચર્ચા થઈ હતી. પ્રોજેક્ટની જરૂરી બાબતો માટે કૌશલ્ય વિભાગની વેબસાઇટ પર અપડેટ કરવા ૪૫ કર્મચારીઓની ભરતી કરવાનું પણ નક્કી કરાયું હતું.
સૌનિકે જણાવ્યું હતું કે કૌશલ્ય વિકાસ વિભાગને વેગ આપતા દક્ષ માટે સરકાર તમામ વિભાગો સાથે સંકલન કરીને ઉદ્યોગોની માગ મુજબ કૌશલ્ય વિકસાવવા પ્રયાસ કરશે.
વર્લ્ડ બેન્ક ઇન્ડિયાના ટીમ હેડ ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે વિશ્વ બેન્કની મદદથી શરૂ થનારો પ્રોજેક્ટ દક્ષ કૌશલ્ય વિકાસ વિભાગને મજબૂત કરવા દેશનો શ્રેષ્ઠ પ્રોજેક્ટ હશે. ઉદ્યોગોની માગ મુજબ એના હેઠળ શિક્ષણ આપવામાં આવશે.


