વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં સંગમસ્થળે પવિત્ર સ્નાન કર્યું હતું. તેઓએ ગંગા આરતીમાં હાજરી આપી હતી. આ અવસરે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ , રાજ્યના બે ઉપમુખ્ય પ્રધાન કેશવ મૌર્ય અને બ્રજેશ પાઠક પણ મોદી સાથે ઉપસ્થિત હતા. એ ઉપરાંત અનેક સંતો-મહંતો પણ ઉપસ્થિત હતા.

મહાકુંભ વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો છે. લાખો શ્રદ્ધાળુઓ એમાં પવિત્ર નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીના સંગમસ્થળે સ્નાન કરવા આવે છે. વડા પ્રધાન મોદીએ સંગમતટે પૂજા-અર્ચના કરી હતી. સંન્યાસીઓ સાથે તેઓએ વાતચીત પણ કરી હતી.
સુરક્ષા દળોની કડક વ્યવસ્થા વચ્ચે મોદીએ આરતીમાં ભાગ લીધો હતો. વડા પ્રધાનની હાજરીને ધ્યાનમાં રાખી મહાકુંભમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. છતાં, એના લીધે સામાન્ય માણસોને કોઈ તકલીફ નહોતી પડી કે એમના સ્નાન પર કોઈ મર્યાદાઓ મૂકવામાં આવી નહોતી. વડા પ્રધાન કુંભમેળામાં હોવા છતાં તમામ પ્રવૃત્તિઓ રોજિંદા ક્રમ પ્રમાણે જારી રહી હતી. વીવીઆઈપી પ્રોટોકોલને એમાં બાધાઓ નહોતી આવી. કાયમ સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના અધિકારીઓથી ઘેરાયેલા રહેતા વડા પ્રધાન માટે કુંભમેળામાં લોકોનો પ્રવેશ પણ બંધ કરવામાં આવ્યો નહોતો. એ માટે અધિકારીઓએ તૈયાર કરેલા વિચારભર્યા આયોજનને શ્રેય આપવો રહ્યો. એ શું હતું એ જાણીએ.
મોદી દિલ્હીથી પ્રયાગરાજ આવવા નીકળ્યા ત્યારે તેઓ બમરોલી એરપોર્ટ સુધી ફ્લાઇટમાં પહોંચ્યા હતા. ત્યાંથી તેઓએ ડીપીએસ સ્કૂલમાં ઊભા કરવામાં આવેલા હેલિપેડ સુધીનો પ્રવાસ હેલિકોપ્ટરમાં કર્યો હતો. ત્યાંથી તેઓ કારમાં ઘાટ પહોંચ્યા હતા. ઘાટથી સ્ટીમરમાં ત્રિવેણીસંગમ સુધી પહોંચ્યા હતા. ત્યાં પવિત્ર સ્નાન કરીને તેઓએ વળતો પ્રવાસ એ રૂટ પર જ કર્યો હતો.
મોદીના પ્રવાસનો પૂરો માર્ગ યમુના પાર વિસ્તારમાં હતો. એને કારણે નદીના બીજા કિનારે ભાવિકો માટે કોઈ મુશ્કેલી ઊભી થવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો નહોતો. આ વ્યવસ્થાને કારણે જ્યાં અપાર ગિરદી છે ત્યાં વડા પ્રધાનની સુરક્ષા માટે પ્રોટોકેલને અનુલક્ષીને કોઈ ગોઠવણ કરવાની જરૂર ઊભી થઈ નહોતી. અન્ય શ્રદ્ધાળુઓ રોજની જેમ સંગમસ્થળે સ્નાન કરી રહ્યા હતા.
મહાકુંભમાં કરોડો ભક્તોની ભીડ ઉમટી રહી છે. સરકારે એ માટે ચોકસાઈભરી ટ્રાફિક વ્યવસ્થા, આરોગ્ય સુવિધાઓ અને સ્વચ્છતાને પ્રાથમિકતા આપી છે.
વડા પ્રધાને ત્રિવેણીસંગમે સ્નાન કર્યું ત્યારે તેઓ ભગવા વસ્ત્રોમાં સજ્જ હતા. તેમના ગળામાં રુદ્રાક્ષની માળા હતી. મોદીએ પછી ગંગામાતાને સાડી અને દૂધ અર્પણ કર્યાં હતાં. સ્નાન વખતે તેઓ સતત સૂર્યપૂજા કરતા દેખાયા હતા. પૂજા વખતે મોદીએ કાળાં વસ્ત્રો અને હિમાચલી ટોપી પહેર્યાં હતાં. તેઓએ એ ઉપરાંત કેસરી સાફો પણ ધારણ કર્યો હતો. એ સમયે તેઓ એકલા હતા. એમની સાથે યોગી કે અન્ય મહાનુભાવ નહોતા.

મોદી સવારે સાડાદસે બમરોલી એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યાં યોગીએ એમનું સ્વાગત કર્યું હતું. ત્યાંથી કાફલો હેલિકોપ્ટર અને પછી કારમાં ઘાટ સુધી પહોંચ્યો હતો.
કુંભમેળા નિમિત્તે મોદીની આ બીજી મુલાકાત હતી. આ પહેલાં તેઓ 13 ડિસેમ્બરે પ્રયાગરાજ ગયા હતા. એ વખતે તેઓએ પ્રયાગરાજના વિકાસ માટે રૂ. 5,500 કરોડના 167 પ્રોજેક્ટ્સનું અનાવરણ કર્યું હતું.
મોદીએ સ્નાન પછી સોશિયલ પ્લેટફોર્મ એક્સ પર વિડિયો, ફોટોગ્રાફ્સ અને સંદેશ મૂક્યા કર્યા હતા. તેઓએ પવિત્ર સ્નાન, પૂજા-અર્ચના કરવા મળ્યાને પરમ સૌભાગ્ય લેખાવ્યું હતું. હિન્દીમાં તેઓએ લખ્યું હતું, “પ્રયાગરાજ મહાકુંભ મેં આજ પવિત્ર સ્નાન કે બાદ પૂજા-અર્ચના કા પરમ સૌભાગ્ય મિલા. મા ગંગા કા આશીર્વાદ પાકર મન કો અસીમ શાંતિ ઔર સંતોષ મિલા હૈ. ઉનસે સમસ્ત દેશવાસિયોં કી સુખ-સમૃદ્ધિ, આરોગ્ય ઔર કલ્યાણ કી કામના કી. હર હર ગંગે.” મોદીએ આવો જ સંદેશ અંગ્રેજીમાં પણ પ્રસિદ્ધ કર્યો હતો.
સ્થાનિક સંતોના જણાવ્યા અનુસાર મોદીએ જે સમયે પવિત્ર સ્નાન કર્યું એ મહા માસની આઠમે, ભીષ્મ અષ્ટમીની શુભ ઘડીઓ હતી. હાલમાં ચાલી રેહલી ગુપ્ત નવરાત્રિ વખતનો આ સમય પાવન ગણાય છે. એમાં દુર્ગામાતાને પૂજવાનું વિશેષ મહાત્મ્ય છે.