
માણસનું નસીબ ચાલે કે ન ચાલે પણ જિંદગીમાં કંઈક સિદ્ધ કરવા માટે એનું મગજ સતત ચાલવું જ જોઈએ
સફળતા, સુખ, શાંતિ, સિદ્ધ અને જે ગણો એ બધા જ મનગમતાં સોપાન સર કરવા માટે પણ મગજનું ચાલવું એ પહેલી શરત છે. બીજી રીતે જુઓ તો નીંદરમાં પણ માણસની વિચારપ્રક્રિયા સતત ચાલ્યા કરે છે. શમણાનું સર્જન એને કારણે જ થાય છે. ચગદી નાખે એવી ભીડમા પ્રવાસ કરો તો ય ટ્રેનની સાથે એવી જ ગતિથી મગજ ચકરાવે ચડેલું રહે છે. અમસ્તા બેઠા હોવ કે કામમાં વ્યસ્ત હોય, ઈચ્છો નહીં તો પણ વિચારવાનું બંધ થઈ શકતું નથી. આ વાત સમજાય તો પછી એ સમજવું રહ્યું કે જો વિચાર ચાલ્યા જ કરતા હોય તો પણ એની સાથે ચાલતી આપણી જિંદગી શા માટે સાચી દિશામાં ચાલતી નથી. એનું કારણ એ હોઈ શકે કે મગજ ચલાવતી વખતે માણસ એ નથી વિચારતો જે વિચારવાની જરૂર હોય. સાચા વિચાર જ સારી શરૂઆતનું પ્રથમ ચરણ છે જે નિર્ણય લેવો હોય એ લેવા માટે એકધારું મનોમન કર્યા પછી સાચો માર્ગ મેળવવો પડે છે. નસીબને, અપર્યાપ્ત સાધન કે સગવડને અથવા પરિસ્થિતિને દોષ દીધા વિના જો આગળ વધ્યા જ કરવું હોય તો એટલું ધ્યાન રાખો કે તમારું મગજ ક્યારે અને કઈ દિશામાં ચાલી રહ્યું છે. જો એકવાર એને ઈચ્છિત રીતે વાળવાની કળા આત્મસાત્ કરી લીધી તો પપછી તમને કોઈ હંફાવી કે અટકાવી શકશે નહીં. એટલે જ આજથી બધી વાત બાજુએ મૂકી મગજને મુશ્કેટાટપણે પોતાના કાબૂમાં લેવાના કામને પ્રાધાન્ય આપજો.