રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના દિલ્હીના ઝંડેવાલાંમાં તેના નવનિર્મિત હેડક્વાર્ટર્સ કેશવ કુંજનું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે. ₹150 કરોડના ખર્ચે બનેલું એનું વિશાળ કોમ્પ્લેક્સ પાંચ લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. સંસ્થાની વધતી જતી વહીવટી અને સંચાલકીય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે એ તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે.
આરએસએસના નવા, ભવ્ય વડા મથકમાં ત્રણ ટાવર્સ છે. એમનાં નામ સાધના, પ્રેરણા અને અર્ચના છે. દરેક ટાવરની પોતાની ખાસિયત અને કાર્યાવશ્યકતા છે. 12 માળની એની ઇમારતોમાં 300થી વધુ રૂમ, અનેક ઓફિસ, કોન્ફરન્સ હોલ અને ઓડિટોરિયમ્સ પણ છે. આ અત્યાધુનિક કોમ્પ્લેક્સ આરએસએસના પહેલાંના હેડક્વાર્ટર્સની તુલનામાં ક્યાંય અત્યાધુનિક અને કાર્યક્ષમ છે. સંઘની આવશ્યકતાઓને પહોંચી વળવાની ક્ષમતા ઉપરાંત એ એની જાહેર જીવનમાં વિકસતી ભૂમિકાને પણ પ્રતિબિંબિત કરે છે.

કેશવ કુંજ માત્ર કાર્યાલય નથી. એમાં પાંચ પલંગવાળી હોસ્પિટલ, કેશવ પુસ્તકાલય, અને પરિસરમાં જ હનુમાન મંદિર પણ છે. આ ઉમેરા આરએસએસના માળખામાં જ્ઞાન, આરોગ્ય અને આધ્યાત્મિકતા પરના ભારને ઉજાગર કરે છે.
કેશવ કુંજનું નિર્માણ લગભગ 75,000 દાતાઓના યોગદાનથી શક્ય બન્યું છે. આરએસએસ તેની વિશાળ પહોંચ માટે જાણીતું છે. એટલે જ કોઈ અન્યના ભંડોળ વિના કેશવ કુંજનો અપ્રતિમ પ્રોજેક્ટ સાકાર થઈ શક્યો છે.
દિલ્હીના પ્રમુખ વિસ્તાર ઝંડેવાલાંમાં સ્થિત સંઘનું આ વડું મથક એના ભવિષ્ય તરફ પણ નિર્દેશ કરે છે. નવા પરિસરને લીધે સંઘના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ વધુ કાર્યક્ષમ રીતે જવાબદારીઓ નિભાવી શકશે. કોમ્પ્લેક્સ સંસ્થાની મહત્ત્વપૂર્ણ મીટિંગ્સ, તાલીમસત્રો અને વ્યૂહાત્મક ચર્ચાઓ માટે પણ ચાવીરૂપ ભૂમિકા ભજવશે.
કેશવ કુંજ હવે ઓપરેશનલ થયા સાથે, આરએસએસએ તેની યાત્રામાં નવા તબક્કાની શરૂઆત કરી છે, જે ભવિષ્યના પ્રયત્નો માટે તેના સંસ્થાકીય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવે છે.
Image Source: X @ActorSashi