ઐતિહાસિક તવારીખ ધરાવતી આ સંસ્થાની કામગીરીને જરૂર છે સબળ પીઠબળની. હમણાં જે ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે તેને સર્વોત્તમ કરવા માટે થરાદવાસીઓ તરફથી આ પાંજરાપોળ તરફ દાનના ધોધ વહે તે અપેક્ષિત છે
નોંધઃ અહીં જણાવેલી માહિતી, પશુઓની સંખ્યા, વાર્ષિક ખર્ચ તથા સંસ્થાની આર્થિક જરૂરિયાતો વગેરે બધું ઓગસ્ટ 2017 મુજબ છે. સંસ્થાની હાલની સ્થિતિ વિશે વાચકે સ્વયં જાણકારી મેળવી લેવી. આ લેખ પ્રસિદ્ધ કરવાનો એકમાત્ર ઉદ્દેશ સંસ્થાનાં તથા સમસ્ત મહાજનનાં સુકૃતથી વાચકોને પરિચિત કરાવવાનો છે.
અત્યંત દયનીય પરિસ્થિતિ હતી એ. જુલાઈ ૨૦૧૭ના મહિનાના અંત સાથે, ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદે માઝા મૂકી. જોતજોતામાં પૂર પણ આવ્યાં અને કેટલાય ઊંઘતા ઝડપાયા. માણસો તો જાણે બુદ્ધિ અને સગવડ થકી પ્રમાણમાં બચી ગયા પણ પશુઓ એટલાં ભાગ્યશાળી નહોતાં. થરાદ પાંજરાપોળમાં તો કાળોતરી રાતે વરસાદે જે માતમ મચાવવાની શરૂઆત કરી એ પછી લગભગ દોઢસોએક પશુએ જીવ ગુમાવ્યો…
વસંતભાઈ દોશીના વડપણમાં, શ્રી થરાદ જૈન સંઘ સંચાલિત આ ઐતિહાસિક (એની સ્થાપના થરાદના રજવાડાના કામમાં થઈ હતી) પાંજરાપોળનાં પશુઓ બારે મેઘ ખાંગા થયાની રાતે બહુ હેરાન થયાં. એકાએક પાજરાપોળમાં પાણી ભરાવા માંડ્યાં પછી વાડામાં ચોમેર સ્થિતિ વણસતી ગઈ. એમાંય જે વાડામાં મિશ્ર પશુઓ હતાં ત્યાં કીચડ થતાં પશુઓ ઘેરાઈ ગયાં…
…અને નિ:સહાય, લાચાર એમાંનાં અનેક પશુઓ જીવતેજીવત દટાઈ ગયાં!
એ પછી પણ પરિસ્થિતિ હૃદયદ્રાવક રહી, કારણ કે પાણીના પ્રચંડ પ્રવાહે જમીનમાં ખાસ્સો કાદવ કરી નાખ્યો. વરસાદ ખમ્યા પછી જે પશુઓ મૃત્યુ પામ્યાં તેમને દાટવા ક્યાં તેની સમસ્યાનો પણ આ પાંજરાપોળે સામનો કરવો પડ્યો. એક જણ કહે છે, “દાટવા જઈએ ત્યાં પણ પાળી પાણી હોવાથી શું કરવું એની ગતાગમ પડે નહીં, પછી શું કરવાનું? છોગામાં ચરિયાણમાં પણ કાદવ અને પાણી, તેથી જીવતાં પશુઓને ચારો આપવો પડ્યો ખુલ્લામાં.
પાલનપુરથી નેવુંએક કિલોમીટરે સ્થિત આ પાંજરાપોળની જમીન ૧૫૦ એકર. બેએક હજાર પશુઓનું એ આશ્રયસ્થાન છે. મુંબઈ-ગુજરાતના સેવાભાવી સંચાલકોએ સંસ્થાને સક્ષમ બનાવવા જાન રેડી દીધો છે એ એક ખુશીની વાત છતાં, આવી પાંજરાપોળને હજી ઘણી વધારે વિકસાવી શકાય છે એ સત્ય નજરઅંદાજ થઈ શકે તેમ નથી.
ફેન્સિંગ, કમ્પાઉન્ડ વોલ, શેડ, હવાડા, પાણીના કુંડ, ઘાસ કાપવાનાં મશીન, એમ્બ્યુલન્સ જેવી અનેક જરૂરિયાતોનો ઉકેલ આ પાંજરાપોળમાં અપેક્ષિત છે. પૂરમાં પશુઓનાં દર્દનાક મોત ઉપરાંત જમીનને થયેલા ખાસ્સા નુકસાનમાંથી, ચારો ભીંજાયા પછી ચારાના વ્યવસ્થાપનમાં આવેલી અડચણોથી એને વહેલાસર મુક્ત કરવાની પણ આવશ્યકતા છે. પૂરના હાલના અનુભવ પછી એ સત્ય પણ પ્રતીત થાય છે કે આવી વિશાળ સંસ્થાને પ્રાકૃતિક હોનારતો સાથે સુસજ્જ બનાવવા અનેક વિચારશીલ પગલાં ઉઠાવવાં એ સમાજની ફરજ છે.
ગાય, બળદ, આખલા, પાડાથી માંડીને ઘેટાં-બકરાને પણ વહાલથી સાચવતી આ પાંજરાપોળે પેઢીઓની પેઢીઓ સુધી જીવદયાનો પાવન સંદેશ પહોંચાડ્યો છે. એનું સંચાલન મુખ્યત્વે ઉદાર લોકોના અનુદાનથી થાય છે. બીજી સમસ્યાઓ સાથે સંસ્થાને ઘાસચારાના પુરવઠાને અસ્ખલિત કરવા માટે સહાયની જરૂર છે, કારણ કે ખેતીની જમીન પર ઉગાડતાં જુવાર, બાજરી, ઘાસ વગેરેથી એનાં પશુઓની જરૂરિયાતને પહોંચી વળાય તેમ નથી. પર્યાપ્ત ભંડોળ મળતા સંસ્થા વધુ શેડ, ગમાણ બનાવવા ઉપરાંત ઘાસચારો ઉગાડવાની ભાવના ધરાવે છે. આપણે મદદ તો કરવી જ રહી.
ઊણપો/જરૂરિયાતો
1. પૂર પછીની જમીનની અવદશાની ત્વરિત સુધારણા.
2. નવા શેડ, હવાડા, ગમાણથી પશુઓને રાહત.
3. ઘાસચારો ઉગાડવા માટે પીઠબળ.
4. ફેન્સિંગ, કમ્પાઉન્ડ વોલ.
5. પાણીના કુંડનું નિર્માણ, તળાવનું આયોજન.
6. ઘાસ કાપવાનાં મશીન તથા એમ્બ્યુલન્સ.
7. ખરંચોથી વધુ સારું વ્યવસ્થાપન.
સંસ્થાસંપર્ક
સરનામું: શ્રી થરાદ પાંજરાપોળ ટ્રસ્ટ, મુકામ પોસ્ટ મહાજનપુરા, તાલુકા થરાડ, જિલ્લો બનાસકાંઠા – ૩૮૫૫૬૫, ગુજરાત
સંપર્ક: વસંતભાઈ દોશી
મોબાઇલ: ૯૫૧૨૪ ૩૦૬૫૬, ૯૫૧૨૪ ૩૦૬૫૭
ચેક/ડ્રાફ્ટ મોકલવાનું નામ: થરાદ પાંજરાપોળ ટ્રસ્ટ
આવકવેરામાં રાહતની પાત્રતા: હા
કુલ અબોલ જીવો: પર૬
વાર્ષિક ખર્ચ: ૫૦ લાખ રૂપિયા
બાંધકામનો ખર્ચ: બે કરોડ રૂપિયા
સંસ્થાને દાન આપવા કે કોઈ પણ રીતે મદદરૂપ થવા ઇચ્છનાર સમસ્ત મહાજનનો સંપર્ક પણ સાધી શકે છે.
ઓગસ્ટ 2017માં ગુજરાત-રાજસ્થાનમાં અતિવૃષ્ટિ થઈ. તત્કાળ ધોરણે જીવદયાપ્રેમી સંસ્થા સમસ્ત મહાજન અને એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશભાઈ શાહના પ્રોત્સાહને બેઉ રાજ્યની ગૌશાળાઓ તથા પાંજરાપોળોની સ્થિતિ જાણવા સર્વેક્ષણ થયું. એ કાર્ય માંગરોળ મલ્ટીમીડિયાની ટીમે સંપન્ન કર્યું હતું. લેખક-પત્રકાર સંજય વિ. શાહે સર્વેક્ષણના આધારે, ગૌશાળા-પાંજરાપોળ પુનરુસ્થાન અભિયાન, પુસ્તક લખ્યું હતું. આ લેખ 2017માં પ્રસિદ્ધ એ પુસ્તકનો ભાગ છે.


