મહારાષ્ટ્ર પછી દિલ્હી વિધાનસભાની ચૂંટણી ખૂબ રસાકસીભરી અને રસપ્રદ બની રહી. દિલ્હીમાં ત્રણ વખત સરકાર બનાવી ચૂકેલી અને મજબૂત પકડ ધરાવતી આમ આદમી પાર્ટી અને તેના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની કરુણ હાર થઈ. 26 વરસ પછી એ સાથે, ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં બહુમતી સાથે સત્તામાં આવી રહી છે. આમ આદમી પાર્ટી એટલે આપનું ચોથી વખત દિલ્હીમાં સરકાર બનાવવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે. આપના કર્તાહર્તા કેજરીવાલ અને સેકન્ડ-ઇન-કમાન્ડ મનીષ સિસોદિયા સહિત ઘણા મોટા નેતાઓ વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયા છે. મુખ્ય પ્રધાન આતિશી પણ માંડ પોતાની સીટ બચાવી શક્યાં છે. કોંગ્રેસ સતત ત્રીજી ચૂંટણીમાં પોતાનું ખાતું ખોલી શકી નથી.

સાથે, ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ જિલ્લાની મિલ્કીપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનો કરિશ્મા ફરી એકવાર જોવા મળ્યો છે. યોગીએ પોતાના સેનાપતિઓની મદદથી મિલ્કીપુર પેટાચૂંટણીમાં ભાજપને મોટા માર્જિનથી જીત અપાવી છે. તેઓએ પોતાને એક કુશળ સંગઠક સાબિત કર્યા છે.
દિલ્હીની વત પર પાછા આવીએ. ભાજપે ત્યાં 48 બેઠકો જીતી છે, જે ગયા વખતે જીતેલી બેઠકો કરતાં 40 વધુ છે. આમ આદમી પાર્ટીએ આ 40 બેઠકો ગુમાવી છે. એની સીટની સંખ્યા ઘટીને 22 થઈ ગઈ છે. ભાજપે જોશભેર ચૂંટણી લડી. પાર્ટીએ શીશમહલ, યમુના પાણી, દારૂ કૌભાંડ અને આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓને જેલમાં ધકેલી દેવા જેવા મુદ્દાઓ પર પ્રતિસ્પર્ધી પક્ષને મજબૂતીથી ઘેરી લીધો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપને ‘આપદા’ ગણાવી. ભાજપે ચૂંટણી ઢંઢેરામાં મફત યોજનાઓનો પણ સમાવેશ કર્યો હતો. અર્થ એ થયો કે ભાજપે આમ આદમી પાર્ટીને ઘેરવામાં કોઈ કસર છોડી નહીં.
પરિણામો આવ્યાં ત્યારે ભાજપને 45.56% મત મળ્યા, જે 2020ના 38.7% મતો કરતાં વધુ હતા. સૌથી વધુ ચર્ચામાં રહેલી વ્યક્તિ પ્રવેશ સાહિબ સિંહ વર્મા હતા, જેમણે નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી આપના વડા અરવિંદ કેજરીવાલને હરાવ્યા હતા. તેમની સામે કોંગ્રેસ તરફથી સંદીપ દીક્ષિત પણ મેદાનમાં હતા.
શરાબ કૌભાંડ કેસમાં કેજરીવાલની ધરપકડ અને એમના જેલવાસથી આપનું નેતૃત્વ નબળું પડ્યું હતું. ઉપરાંત, પાર્ટી શીશમહલ અને યમુનાના પાણીમાં પર ઘેરાઈ ગઈ. પાર્ટી કેટલાક નેતાઓના બળવાખોર વલણને રોકી પણ શકી નહીં. પરિણામ એ આવ્યું કે કેજરીવાલ પોતાની બેઠક સુધ્ધાં બચાવી શક્યા નહીં.
આ ચૂંટણીમાં એવું લાગતું હતું કે કોંગ્રેસ પોતાની જીત માટે નહીં પણ આમ આદમી પાર્ટીને હરાવવા માટે મેદાનમાં છે. કોંગ્રેસે કાળજીપૂર્વક મુખ્ય બેઠકો પર ઉમેદવારો ઠરાવ્યા હતા. તેમ છતાં, કોંગ્રેસ પોતાનું ખાતું ખોલી શકી નહીં, પરંતુ આમ આદમી પાર્ટીને દસેક બેઠકોમાં પછડાઈ જવામાં એ સહાયરૂપ બિલકુલ થઈ શકી. ટ
હવે દિલ્હીના ભાજપના મુખ્ય પ્રધાનપદના દાવેદાર તરીકે તરીકે પ્રવેશ વર્મા, દુષ્યંત ગૌતમ અને વિજેન્દર ગુપ્તા જેવાં નામોની મીડિયામાં ચર્ચા છે. પરંતુ ભાજપના કિસ્સામાં બનતું આવ્યું છે એમ મોદી તરફથી કોઈ આશ્ચર્યજનક નામ જોવા મળે તો નવાઈ નહીં.