ગૂગલ ઇન્ડિયાએ બાન્દરા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)ની એની ઓફિસના લાંબાગાળાના લીઝ કરારનું નવીકરણ કર્યું છે. મુંબઈના ધમધમતા વેપારી કેન્દ્રમાં એની ઓફિસ છે. કંપની ત્યાં લગભગ 1,11,000 ચોરસ ફૂટની ઓફિસ ધરાવે છે. ભારતના સર્વોચ્ચ ગુણવત્તાના વેપારી વિસ્તારમાં બાન્દરા કુર્લા કોમ્પ્લેક્સની ગણના થાય છે.
ગૂગલે પાંચ વર્ષના લીઝ કરારને અંતિમ રૂપ આપ્યું છે. એમાં દર ત્રણ વરસે ભાડામાં 15% વધારો થશે. જગ્યાનું માસિક ભાડું ₹3.55 કરોડ નક્કી કરવામાં આવ્યું છે. એ સિવાય ₹9.64 કરોડની ડિપોઝિટ પણ ઓફિસ માટે છે. આ પગલું મુંબઈના બિઝનેસ માહોલ અને તેની વ્યૂહાત્મક મહત્તા પ્રત્યે કંપનીના વિશ્વાસને ઉજાગર કરે છે.
ઉપરાંત, ગૂગલ ક્લાઉડ ઇન્ડિયાએ પણ એ ઇમારતમાં જ 38,678 ચોરસ ફૂટ ઓફિસ માટે લીઝનું નવીકરણ કર્યું છે. આ લીઝ પણ પાંચ વરસની છે. એનું માસિક ભાડું ₹1.24 કરોડ છે. બેઉ લીઝ જૂન 2025માં શરૂ થવાની છે.
બીકેસી એક મુખ્ય વ્યાપારિક સ્થળ છે. બહુરાષ્ટ્રીય કોર્પોરેશન્સ, બેન્ક્સ અને ટેક્નોલોજી ફર્મ્સની કચેરીઓ ત્યાં ધમધમે છે. આ વિસ્તાર પ્રીમિયમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એરપોર્ટની નિકટતા અને પશ્ચિમ અને મધ્ય મુંબઈનાં પરાં સાથે સારી કનેક્ટિવિટી ધરાવે છે. એટલે જ દેશી અને વૈશ્વિક કંપનીઓ માટે એ આકર્ષક સ્થાન ગણાય છે.
બીકેસીમાં રહેવાનો ગૂગલનો નિર્ણય ભારતમાં તેના વિસ્તરણની વ્યૂહરચના સાથે સુસંગત છે. કંપની દેશમાં તેના રોકાણમાં પણ સતત વધારો કરી રહી છે. ક્લાઉડ સેવાઓ, એઆઈ-બેઝ્ડ સોલ્યુશન્સ અને સ્થાનિક ડિજિટલ પહેલ પર ગૂગલે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
આ લીઝ નવીકરણ કોર્પોરેટ ક્ષેત્રમાં મુંબઈની સુદ્રઢ સ્થિતિનો આયનો પણ છે. વૈશ્વિક ટેક્નોલોજી ફર્મ્સ એને પ્રાધાન્ય આપે છે એ પણ એનાથી ફલિત થાય છે. બહુરાષ્ટ્રીય કંપનીઓના આવા લાંબાગાળાના લીઝ કરારથી બીકેસીમાં પ્રીમિયમ ઓફિસ સ્પેસ માટેની માગ આગળ પણ ઊંચી રહેવાની અપેક્ષા છે.
મુંબઈમાં ગૂગલની સતત ઉપસ્થિતિ ભારતના ડિજિટલ વિકાસ અને આર્થિક શક્યતાઓ પ્રત્યેના કંપનીના વિશ્વાસને દર્શાવે છે.


