મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ મુંબઈ મેટ્રો લાઇન પાંચ માટે સુધારિત ડેડલાઇન જાહેર કરી છે. આ લાઇન હવે માર્ચ 2025 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. મૂળે 2022માં જેના કાર્યાન્વિત થવાની યોજના હતી એવી આ લાઇન ત્રણ વરસ મોડી છે. એનો 24.9 કિમી લાંબો કોરિડોર થાણે, ભિવંડી અને કલ્યાણને જોડશે. માર્ગમાં 17 સ્ટેશનો હશે.
આ મેટ્રો લાઇનના કામમાં વિલંબની વિગતવાર જાણ હાલમાં માહિતી અધિકાર અંતર્ગત એક્ટિવિસ્ટ અનિલ ગલગાલીએ કરેલી અરજીથી આવ્યો હતો. ગલગાલીએ મેટ્રો પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન બ્રાન્ચ પાસેથી માહિતી માગી હતી. પ્રત્યુત્તરમાં જણાવાયું હતું કે લાઇનનું કામ પહેલી સપ્ટેમ્બર 2019ના એફકોન્સ કંપનીને સોંપવામાં આવ્યું હતું. 15 સ્ટેશન ધરાવતી, 24.90 કિલોમીટર લાંબી મેટ્રો લાઇન માટે ત્યારે ઠરાવાયેલા રૂ. 898.19 કરોડના ખર્ચમાં હજી વૃદ્ધિ થઈ નથી. જોકે ત્રણ વરસના વિલંબ માટે અફકોન્સને માત્ર રૂ. 20.88 લાખનો દંડ કરવામાં આવ્યો છે.
2017માં આ જેની કલ્પના કરવામાં આવી એવી આ મેટ્રો લાઇન પાંચ મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં કનેક્ટિવિટીની અગત્ની કડી છે. આ લાઇન બે ભાગમાં વહેંચાયેલી છે. એક ભાગ થાણેથી ભિવંડી શહેર વચ્ચેનો છે. બીજો ભાગ ભિવંડીથી કલ્યાણ વચ્ચેનો છે. લાઇનના નિર્માણ માટે જમીન સંપાદનમાં આવેલી અડચણો અને કોવિડ–19ને કારણે અનેક વિઘ્નો આવ્યાં હતાં. મૂળ 2022માં લાઇન પૂર્ણ થવાની યોજના હતી. હવે ડેડલાઇન ત્રણ વરસ આગળ ધકેલીને 2025ના માર્ચની કરવામાં આવી છે.

ફેબ્રુઆરી 2025 સુધીમાં પ્રોજેક્ટના કામમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. એ માટે જરૂરી જમીનમાંથી લગભગ 90% જમીન સંપાદિત કરી લેવામાં આવી છે. બાંધકામની વાત કરીએ તો સિવિલ વર્કમાંથી 70%થી વધુ કામ પૂર્ણ થયું છે. એમાં વાયડક્ટ અને સ્ટેશન સ્ટ્રક્ચર્સનું નિર્માણ ચાલુ છે. અત્યારે એમએમઆરડીએ નવી ડેડલાઇન અનુસાર લાઇન પૂરી કરવા માટે રિક્ત કામને ઝડપથી પૂરાં કરવા પ્રયત્નશીલ છે.
જોકે વિલંબથી થાણે-ભિવંડી-કલ્યાણ પટ્ટાના નાગરિકોને અસર પડી છે. મેટ્રોના અભાવમાં તેઓએ કાયમની જેમ ગિરદીભરી લોકલ ટ્રેનો અને રોડ ટ્રાન્સપોર્ટ પર આધાર રાખવો પડી રહ્યો છે. આ મેટ્રો કાર્યરત થયે ઘણા ફાયદા થશે. એનાથી આ શહેરોના બે વિસ્તારો વચ્ચેના પ્રવાસના સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે. સાથે, બે સ્થળ વચ્ચેની કનેક્ટિવિટી વધશે. પ્રસ્તાવિત મેટ્રો લાઇન લોકલ ઉપરાંત અન્ય મેટ્રો લાઇન્સ સાથે પણ પ્રવાસીઓને સહેલાઈથી કનેક્ટ કરવાનું કામ કરશે.


