પાંડુરંગ શાસ્ત્રી અને ઓશો જેવા વિદ્વાનોના વિચાર તેમણે આત્મસાત્ કર્યા છે. કપોળો વિશે ઊંચો મત ધરાવતા આ વડીલના જીવનની અંતરંગ વાતો માણવા જેવી છે
મુંબઈમાં જન્મેલા અને ઉછરેલા બિપિનભાઈ મૂળ મહુવાના. બાબુભાઈ પારેખના તેઓ દીકરા. બાબુભાઈ બારેક વર્ષના હતા ત્યારે મુંબઈ આવેલા. એક દૃઢ માન્યતા મુજબ મુંબઈમાં ૩૦૦ વરસ પહેલાં સૌપ્રથમ પગ મૂકનારા ગુજરાતીઓમાં કપોળો નિશ્ચિતપણે હતા. એમાંના એક હતા રૂપજી ધનજીભાઈ પારેખ. બિપિનભાઈનો પરિવાર એટલે રૂપજીભાઈના વંશજો.
કેમ્પ્સ કોર્નર પાસે ફોરજેટ સ્ટ્રીટ સ્થિત તેમના પોતાના મકાન રૂબી મેન્શનમાં એમને મળવાનું થાય છે. એ સાથે તેઓ ૩૦૦ વરસ પહેલાંના કપોળોના રસપ્રદ ઇતિહાસની વાત વાગોળે છે. ગુજરાતીઓ પહેલીવાર મુંબઈ આવ્યા ત્યારે વસઈના કિલ્લા પર પોર્ટુગીઝોનું રાજ્ય હતું. ત્યારે શહેરમાં મોટેભાગે આગરી, કોળી, માછીમારો જેવી કોમની વસતિ હતી. આ કોમો વેપારી નહીં, એટલે તેમણે જૈનો, વૈષ્ણવો અને કપોળોને વેપાર માટે આમંત્ર્યા હતા. તે જમાનામાં પરાણે અથવા લાલચ આપીને હિંદુઓનું ખ્રિસ્તીમાં ધર્માંતર કરવાની પ્રથા પણ ચાલી રહી હતી. એના ડરથી બિપિનભાઈના પરદાદા અને તેમના સાથીઓ મુંબઈ આવતા અચકાતા હતા. પછી, મુંબઈ આવીને બિઝનેસ કરવા માટે તેમણે પોર્ટુગીઝો સામે ૧૦ શરતો મૂકી. તેમાંની એક શરત ધર્માંતર માટે ફરજ નહીં પાડવાની હતી. બીજી શરતોમાં કરમાફી અને કપોળોને પોતાના સમાજમાં રહેવાની છૂટ અને સગવડ પૂરી પાડવી વગેરે પણ હતી. એ સમયે રેલવે નહોતી, એટલે સફર માટે બોટનો વપરાશ થતો. કપોળો પછી કે તેમની આસપાસ ભાટિયા લોકો પણ મુંબઈ આવ્યા. આ બેઉ સમાજે શહેર પર આગવી છાપ સર્જી અને સદીઓ સુધી વર્ચસ્વ જમાવ્યું. ઇતિહાસ એનો સાક્ષી છે.
૧૨ વરસની ઉંમરે બાબુભાઈ મુંબઈ આવ્યા ત્યારે મુંબાદેવીની આસપાસનો વિસ્તાર તેમની ફોઈ લક્ષ્મીબાઈ તુલસીદાસ મોદીનો હતો. બાબુભાઈને મુંબઈ ફોઈએ બોલાવ્યા હતા. મહુવાના માળિયા ગામે બાબુભાઈની ૪૫૦ વિધા જમીન હતી. ખેતીમાં જોકે ખાસ ઊપજ નહીં. બીજી બે ફોઈઓ પુષ્પાબહેન વોરા અને ચંદ્રભાગા બાન્દરા બંગલામાં રહે. બાબુભાઈને નવા શહેરમાં સંપન્ન ફોઈઓનો સબળ સાથ મળ્યો. મુંબઈમાં તેમણે પોદાર ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં મેટ્રિક કરીને ઇસ્માઇલ યુસુફ કોલેજમાં ઇન્ટર સુધી અભ્યાસ કર્યો. એ પછી ઇલેક્ટ્રોપ્લેટિંગ એન્ડ બકિંગ મટિરિયલનો બિઝનેસ શરૂ કર્યો.
પારેખ પરિવાર મુંબઈમાં સૌપ્રથમ વસ્યો સી. પી. ટેન્કમાં. બિપિનભાઈએ શરૂઆતમાં આઇડિયલ સ્કૂલમાં મેટ્રિક અને પછી સિડનહેમ કોલેજમાંથી ઇકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યું. તેમાં ૧૬મા નંબરે રહ્યા. વળી, નાની વયે બાળકો રમતો રમીને સમય વિતાવે. એનાથી વિપરીત ૧૨ વર્ષની ઉંમરે બાળક બિપિન વેપારમાં લાગી ગયો હતો. એનો મોટો ફાયદો થયો. યુવાનીમાં પહોંચતાં સુધીમાં એ ખાસ્સો પરિપક્વ થઈ ગયો હતો. એ બધાં વચ્ચે ગ્રેજ્યુએશન કરીને ચાહ્યું ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ થવા. એ માટે આર્ટિકલશિપ સાઈન કરી પણ વેપારી પ્રગતિએ તક આપી નહીં. બિપિનભાઈને એનો રંજ નથી, “પરિવારના વેપારને મારી જરૂર હતી. પપ્પા કહે કે ભણવાનું મૂક અને વેપારમાં સાથ આપ. મેં તેમની આજ્ઞા માની.”
વેપારમાં જોડાઈને તેમણે રંગ રાખવા માંડ્યો. પહેલાં પોલિશિંગ વ્હીલ્સ બનાવ્યાં જેમાં ભારતના સૌથી મોટા ઉત્પાદક બન્યા. પોટેશિયમ અને સોડિયમ સાઇનાઇડ જેવાં કેમિકલ્સના કામકાજમાં નિરંતર પ્રગતિ થવા માંડી. સંદેશવ્યવહારનાં ટાંચાં સાધનોનો એ યુગ. છતાં, આંતરસૂઝથી બિપિનભાઈએ માર્ગ શોધ્યા અને વિદેશી ઉત્પાદનોની આયાતમાં પણ ઝંપલાવ્યું. વેપારમાં દૂરંદેશીપણું પારેખ પરિવારને વારસાગત મળ્યું છે. આજે પારેખ પરિવાર જ્વેલરી માટે જરૂરી એવાં કેમિકલ્સ અને મશીનરીનો બહોળો વેપાર ધરાવે છે. થાણે અને બાન્દરા-કુર્લા કોમ્પલેક્સમાં જ્વેલરીના ફિનિશિંગ માટે વપરાતા વ્હીલની ફેક્ટરી પણ છે. અરે હા, બિપિનભાઈના પિતાએ એ જમાનામાં બાન્દરા-કુર્લા કોમ્પ્લેક્સમાં જગ્યા લઈ કારખાનું શરૂ કર્યું હતું. એ નિર્જન વિસ્તારની ત્યારે કોઈ મહત્તા નહોતી. છતાં, કારખાના સંલગ્ન પરિવાર પણ રહે તે માટે પિતાએ ઘરને દક્ષિણ મુંબઈથી ત્યાં સ્થળાંતરિત કર્યું. આજે બીકેસી કઈ ચીજ છે એ વિશે કશું કહેવાની જરૂર નથી. વ્યાપાર અર્થે તેઓ વારંવાર ચીન, ઇરાન, યુરોપ, ફિલિપાઇન્સ વગેરે સ્થળે ગયા છે.
બિપિનભાઈએ જીવનના કેટલાય રંગો જોયા છે. તકલીફને તકમાં ફેરવી છે. જીવનને આર્થિક સંપન્નતાનો કંટાળાજનક પ્રવાસ બનવા દેવાને બદલે આનંદ, પરિવાર ભાવના અને આસ્થાનો ઉત્સવ બનાવ્યું છે. એના ફળરૂપે સૌ સારાવાનાં થયાં છે. આજે નાના બંધુ સુશીલભાઈ, દીકરા મિહિર અને હિમાંશુ સહિત પરિવારની ત્રીજી પેઢી પણ વેપારમાં પ્રવૃત્ત છે.
તેમના અને જીવનસંગિની હર્ષિકાબહેનનાં લગ્નને આ વરસે મેમાં પચાસ વર્ષ થશે. તેની ઉજવણી રંગેચંગે થવાની છે. પુત્ર-પુત્રવધૂ મિહિર-કલ્પા તથા હિમાંશુ-પ્રીતિ આજે પોતપોતાની જવાબદારીઓ વડીલોના માર્ગદર્શનમાં પાર પાડી રહ્યાં છે. નાના દીકરા હિમાંશુએ ફોરજેટ હિલમાં ઘર વસાવ્યું છે. પરિવારનું ઐક્ય અને પરસ્પર પ્રેમ જોકે એકદમ અકબંધ છે. પૌત્ર દર્શન ઇન્ટર સ્કૂલ ફૂટબોલ ખેલાડી છે અને સાથે પૌત્રી સલોની અને ઊર્વિ પણ છે. આ બધાંથી પારેખ પરિવારની દરેક પળ ખીલતા કમળ જેવી ખુશનુમા રહે છે!
વિષય બદલીએ. ધર્મ વિશે તેઓ ઉદારમતવાદી છે, “ધર્મના મામલે માત્ર દિલથી વિચારવા બેસો તો જડતા આવી જાય. દિલ સાથે દીમાગ જોડાય ત્યારે ધર્મ વધુ ગમતીલો અને સ્પષ્ટ વર્તાય.” પાંડુરંગ શાસ્ત્રી ઉર્ફે દાદા તથા ઓશો રજનીશના વિચારોથી બિપિનભાઈ ખાસ્સા પ્રભાવિત છે. ધર્મની વાત આગળ વધારતાં તેઓ ઉમેરે છે, “મારાં મમ્મી કુસુમબહેન ખૂબ આસ્થા ધરાવતાં. બાળપણથી મેં ઘરમાં ધાર્મિક વાતાવરણ માણ્યું છે. મમ્મીને લીધે મને પાંડુરંગ શાસ્ત્રીના સદ્વિચારો પ્રાપ્ત થયા.” એ જમાનામાં દાદા માધવબાગમાં નિયમિત પ્રવચન આપતા. બિપિનભાઈએ બાર વરસ લગાતાર તેમનાં પ્રવચનો સાંભળ્યાં હતાં. પ્રવચન સાથે એવો નાતો કે વેવિશાળના દિવસે પણ તેઓ પ્રવચન સાંભળીને પછી વિધિ માટે ગયાં હતાં!
મુંબઈ શહેરને કપોળોએ ખૂબ બધું આપ્યું છે. વળતામાં આ શહેરે પણ કપોળોને ખૂબ લાડ લડાવ્યા છે. બિપિનભાઈ સરસ નિરીક્ષણ કરતાં કહે છે, “અસલ મુંબઈ એટલે દક્ષિણ મુંબઈ. આ વિસ્તારમાં આજે પણ બત્રીસ કપોળ નિવાસ છે એની કદાચ બહુ ઓછા લોકોને જાણ છે. કપોળોએ શિક્ષણ, સ્વાસ્થ્ય, ગૃહનિર્માણના મોરચે માત્ર સ્વજનોને નહીં, અન્યોને પણ મદદ કરી છે.” નાલાસોપારામાં કપોળોના બાર પરિવાર માટે નિર્મિત કુસુમ વિલા ઇમારતમાં પારેખ પરિવારનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. આ ઇમારત બિપિનભાઈનાં માતાનું નામ ધરાવતા વિશાળ કપોળ કોમ્પ્લેક્સનો હિસ્સો છે. પરગજુપણા વિશે તેઓ કહે છે, “ઘણીવાર એવું થાય કે લોકો મદદ લે, વચન આપે કે સમય બદલાયે અમે ઋણ ફેડીશું પણ પાળે નહીં. ત્યારે અમારે ભૂલી જવું પડે કે હશે, જેવાં જેનાં નસીબ. કોઈકે વચન ના પાળ્યું તેથી બીજાને મદદરૂપ ના થવું એ અયોગ્ય ગણાય.” આ એક વાત છેલ્લે માણવી રહી. “સંઘર્ષ જેને તોડી નાખે એ માણસ સર્જક બની શકે નહીં. આપણે કપોળો કોઈના તોડ્યા ના તૂટે તેવું મનોબળ ધરાવીએ છીએ. એને જાળવી રાખીને આપણી નવી પેઢી પણ નવાં સીમાચિહ્નો જરૂર સ્થાપી શકશે.” જ્યાં વડીલોનું મનોબળ આવું હોય અને જ્યાં કશુંક કરી જવાની ભાવના પ્રબળ હોય, ત્યાં સમાજ સદૈવ અગ્રસર જ હોય.
નાની વયે બાળકો રમતો રમીને સમય વિતાવે. એનાથી વિપરીત ૧૨ વર્ષની
ઉંમરે બાળક બિપિન વેપારમાં લાગી ગયો હતો.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.


