સંઘર્ષભર્યા બાળપણ પછી કીર્તિ, ધન મળે છતાં સાચી શાંતિનું શું? વિશ્વભરમાં કપોળોનું ગૌરવ વધારનારા આ સર્જકે જીવનમાં આ પ્રશ્નનો જવાબ મેળવ્યો છે ગુરુદેવ શ્રી રાકેશભાઈના માર્ગદર્શનમાં
આ કપોળની વિગતવાર ઓળખ આપવાની જરૂર નથી. એમના અસંખ્ય નોંધપાત્ર કામમાંથી માત્ર એકનો ઉલ્લેખ સૌને ખુશ કરી દેવા પૂરતો છે. વિશ્વભરમાં ગાજનારી ટેલિવિઝન સોપ તારક મહેતા કા ઊલ્ટા ચશ્માના પ્રારંભથી લઈ પાંચસો એપિસોડ ડિરેક્ટ કર્યા ધર્મેશ મહેતાએ. યસ, કપોળ વેપારના કસબ સાથે કળા થકી સ્મિતના ખજાનાને ખુલ્લો મૂકતા પણ જાણે છે! માતાપિતા રંજન શાંતિલાલને ઇશ્વરે દીધાં ચાર બાળકો, ધર્મેશ, છાયા, મીના અને રીના. ૧૯૬૯માં મુંબઈના ઓપેરા હાઉસમાં ધર્મેશ જન્મે છે ત્યારે પિતા બાટામાં નોકરી કરે. એક રૂમ રસોડાના નાનકડા ઘરમાં સાત-આઠ જણનો પરિવાર વસે. મહેતા પરિવારનું મૂળ વતન ડેડાણ પણ કેન્દ્રસ્થાને મુંબઈ જ.
બાળ ધર્મેશે ટાઉન સ્થિત સુનિધિ સ્કૂલ, કબીબાઈ અને પછી એલ્ફિન્સ્ટન ટેક્નિકલ હાઈસ્કૂલમાં ભણીને દસમું પાસ કર્યું. પછી બોમ્બે ટેક્નિકલ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાંથી સિવિલ એન્જિનિયરિંગ કર્યું. એ સાથે, ધર્મેશભાઈ કહે છે, “કારકિર્દીના દ્વારે કામકાજે ટકોરા દેવા માંડ્યા. બે અલગ અલગ કંપનીમાં મેં નોકરી કરી. લગભગ સાડાચાર વરસનો અનુભવ મેળવ્યો. એની પહેલાં જોકે દસેક વરસની ઉંમરે કળાજગત સાથે મારો નાતો શરૂ થઈ ચૂક્યો હતો. ૧૯૭૯માં ગૌતમકાકા જોશીએ મને બાળનાટક કરવા પ્રેર્યો. પહેલું નાટક જળપરી. પછી તો ત્યારનાં વનલતાબહેન મહેતા સહિતનાં દિગ્ગજો સાથે વીસેક નાટકો સાથે સંકળાયો.” ધર્મેશ અભિનય કરે, દિગ્દર્શકને સહાય કરે, બીજાં જે કામ સોંપાય તે પણ કરે. જેવી તક, તેવો જોશ. એ તો ઠીક, પણ એ ઉંમરે નિર્માતા પણ બની જોયું, “ચાર ગુંડા ટકામુંડા નામના નાટકના નિર્માણે મને નાટયનિર્માણની અવનવી બાબતોથી વાકેફ કર્યો.”
એન્જિનિયરિંગ અને રંગભૂમિ તથા અભિનયના આ સમન્વયમાં વ્યાવસાયિક વળાંક ૧૯૮૬માં આવ્યો. આ વખતે પણ ગૌતમકાકા પ્રસ્તાવ લાવ્યા, “આઈએનટીનું નવું નાટક આવે છે ચીલઝડપ. બોલ, અભિનય કરીશ?” ધર્મેશે હકાર કરતાં કાકાએ તેને મોકલી દીધો દિગ્દર્શક સુરેશ રાજડાને મળવા. ધર્મેશભાઈને પોતાના પદાર્પણની વિગતો આજે પણ યાદ છે, “મારા ભાગે રોલ નાનકડો આવ્યો સાથે બેકસ્ટેજ આર્ટિસ્ટ પણ બનવા મળ્યું. નાટકની ટીમ બહુ બળુકી હતી એટલે મને તો મજા પડી ગઈ. ખાસ તો અભિનેતા જતીન કાણિકયા પાસેથી હ્યુમરના ટાઇમિંગની બારીકીઓ શીખવા મળી.”
બધું મજાનું લાગે તેવી મુગ્ધાવસ્થાની એ ઉંમર. આર્થિક સ્થિતિ સાધારણ. ગ્લેમરની દુનિયા સાથે ઊઠબેસ. ધર્મેશભાઈ કહે છે, “સર્કલ અને સંગતને લીધે ક્યારે મને સિગારેટ-બિયરની ટેવ પડી ગઈ, ખબર પણ ના પડી.” ખેર, એ કેમ છૂટી અને કિસ્મતે કેમ પલટો લીધો એની વાત આગળ. નવ-દસ વરસ લગાતાર નાટકો કર્યા પછી, ગૌતમકાકાના દીકરા જિતેન્દ્ર સાથે હાથ મિલાવીને, ધર્મેશે નાટ્યનિર્માણ સંસ્થા ક્રિએટિવ આર્ટ્સની સ્થાપના કરી, “અમારું પહેલું નાટક સખણા રે’જો રાજ હતું. જતીન કાણકિયા અમારા સ્ટાર આર્ટિસ્ટ.” બેએક વરસ થયાં. ૧૯૯૭માં ધર્મેશ અને જિગ્ના લગ્નગ્રંથિએ બંધાયાં. અઢારેક નાટકોનું નિર્માણ ત્યા સુધીમાં ધર્મેશ-જિતુની જોડીએ કર્યું હતું અને નવું નાટક આવ્યું અગિયારમી દિશા. ધર્મેશભાઈ માટે એ મોટો વળાંક, “એ નાટકે અમને પાયમાલ કર્યા. અમારી સાથે છેતરપિંડી થઈ. દેવું પણ થયું. મોટી કઠણાઈ એ પણ કે પપ્પા નોકરીમાંથી જસ્ટ નિવૃત્ત થયા હતા. મારી મુશ્કેલીઓનો પાર નહીં અને એવામાં મને એક ટીનાબહેનનો ફોન આવ્યો. તેઓ શ્રીમદ્ રાજચંદ્ર મિશનનાં સભ્ય. મને કહે: મિશન માટે એક નાટક ડિરેક્ટ કરશો?”
ધર્મેશભાઈએ રંગભૂમિ પર પોતાની ઓળખ નિર્માતા તરીકે બનાવી પણ મિશનથી કહેણ આવ્યું દિગ્દર્શન માટે. તેમણે તક ઝડપી લીધી. ૧૯૯૮ની દિવાળીમાં આવેલું એ નાટક કુંકુદાચાર્ય હતું. એમાં એક કસોટી હતી, “અમે નાટકવાળા નવા વરસે પાર્ટી કરીએ. વળી હું એવી આર્થિક ભીડમાં અટવાયો હતો કે શું કહું? નવા વરસે નાટકની રજૂઆત છે જાણી મને ફાળ પડીઃ મારી પાર્ટીનું શું? મેં ગુરુદેવ શ્રી રાકેશભાઈ સમક્ષ બહાનું કાઢ્યું કે નવા વરસે પ્રોબ્લેમ… તેમણે તરત જણાવ્યું મને કે જીવનમાંથી પ્રોબ્લેમ શબ્દ કાઢી નાખો. સાંજે જણાવો કે નવા વરસે નાટકનો શુભારંભ થઈ શકે કે કેમ?”
રાકેશભાઈ સમક્ષ બહાનું કાઢ્યાનું, ખોટું બોલ્યાનું ધર્મેશભાઈને એટલું લાગી આવ્યું કે ના પૂછો વાત. છેવટે પત્નીની સલાહ માનીને ગયા રાકેશભાઈ પાસે ધરમપુર અને કરી બધી કબૂલાત. રાકેશભાઈએ સસ્મિત કહ્યું, “ફાઇન. તમારા બધા પ્રોબ્લેમ હોટલાઇનથી ઉપર જણાવી દીધા છે. બોલો, બીજું શું કરું તમારા માટે?” ભીંજાતી આંખે ધર્મેશે માત્ર એક અરજ કરી, “ગુરુદેવ, મારા ઘરે પગલાં કરશો?” તરત જવાબ મળ્યો, “જરૂર. આવતા વરસે, આજના દિવસે આપણી મુલાકાત પાકી.” મુંબઈ આવ્યા પછી જોકે ધર્મેશથી તત્કાળ વ્યસન છૂટ્યાં નહીં. તકલીફો પણ જારી હતી. પણ ગુરુદેવનાં આશિષ જાણે અદૃશ્ય રીતે મદદ કરતાં હોય તેમ અચાનક અધિકારી બ્રધર્સમાંથી પ્રસ્તાવ આવ્યો સિરિયલમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર બનવાનો. ૧૯૯૯ના માર્ચ-એપ્રિલના બે મહિના માંડ એ કામ ધર્મેશે કર્યું. પણ એ પ૮ દિવસોએ ધર્મેશભાઈને કેમેરા અને ડિરેક્શનના એ આયામ શીખવી દીધા જે જીવનભરની મૂડી બન્યા.
એ પછી ડિરેક્શનનો દોર શરૂ થયો. નવી આવેલી ગુર્જરી ચેનલ માટે ધર્મેશે અગિયાર સિરિયલ્સ ડિરેક્ટ કરી. કામ વધ્યું, આવક વધી. ધર્મેશે ગુરુદેવને પત્ર લખ્યો, “ઘણા વખતે મહિનાના ત્રીસ દિવસ કામ કરું છું.” ગુરુદેવનો મર્મભર્યો પ્રત્યુત્તર આવ્યો, “સરસ, પણ તમે હજુ રાત ક્યાં ગણી છે?” પછીના વરસે, ૨૦૦૦માં વરલી સ્થિત લાલા કોલેજમાં ગુરુદેવનું પ્રવચન યોજાયું. તેમણે તેમાં એક વ્યસનીનો કિસ્સો આલેખ્યો. એની એવી ચોટદાર અસર થઈ કે ધર્મેશભાઈએ ઘેર જઈ પત્નીના હાથમાં હાથ મૂકી વચન આપ્યું, “આજથી દારૂ બંધ, ભલે જે થાય તે થાય.”
ત્યારથી ધર્મેશભાઈનું જીવન જાદુઈ રીતે થાળે પડતું ગયું. સિગારેટ પણ છૂટી ગઈ. એ ક્રમમાં તારક મહેતા… સિરિયલ મળી, જેનાથી તેમની ખ્યાતિ સરહદો વળોટીને વિશ્વભરમાં પહોંચી ગઈ. તેમણે આ દરમિયાન નમનરાજ પ્રોડક્શન નામે પોતાનું નવું બેનર પણ સ્થાપ્યું. તેના હેઠળ તેમણે આર. કે. લક્ષ્મણ કી દુનિયા, ક્રાઇમ પેટ્રોલ, સાવધાન ઇન્ડિયા, ચંદ્રકાંત ચિપલુણકર બંબાવાલા… ઘણા પ્રોજેક્ટસ કર્યા. હજી હાલમાં પપ્પા તમને નહીં સમજાય નામની ગુજરાતી ફિલ્મ પણ કરી. જીવનમાં આવેલી આર્થિક સમૃદ્ધિ તો જાણે સમજ્યા, પણ ધર્મેશભાઈના વ્યક્તિત્વમાં આવેલા આમૂલ પરિવર્તને તેમને વિશિષ્ટ બનાવ્યા છે, “ગુરુદેવ વિના હું ભલે બીજું કાંઈ પણ હોત પણ સુખી ક્યારેય ના હોત. પહેલાં મારી પાસે કાંઈ નહોતું છતાં ફાંકો હતો. આજે બધું છે પણ બધાંથી ચડિયાતી મિલકત મનની શાંતિ છે.”
નમન અને રાજવી એમ બે સંતાનો સાથે ધર્મેશ-જિગ્નાનો સંસાર આજે બધી રીતે સંપૂર્ણ છે. ખોટ સાલે છે તો પિતાની જેઓ ૨૦૦૬માં, ધર્મેશભાઈની સફળતાનો અને સંપૂર્ણતાનો આજનો રંગ જોયા વિના શ્રીજીચરણ પામ્યા. કપોળ તરીકે ધર્મેશભાઈએ આખા સમાજને અભિમાન થાય તેવી સિદ્ધિઓ મેળવી છે. તેઓ કહે છે, “કપોળો ગૌરવશાળી છે. મને એમ થાય કે સમાજની પ્રતિભાઓની કદર સમાજે સૌથી પહેલી અને વહેલી કરવી જોઈએ. મારે મન મારા સમાજમાં થતું સન્માન પદ્મશ્રી કરતાં વિશેષ છે. એકબીજાના આધાર બનીને આપણે ઇતિહાસમાં અનેક સુવર્ણપૃષ્ઠો સર્જ્યાં છે. આજે પણ આવું કરવાને આપણે સક્ષમ છીએ.” પિતાના પગલે ચાલતાં નમન આજે મીઠીબાઈમાં ફર્સ્ટ યરમાં ભણતાં સંગીતની તાલીમ લઈ રહ્યો છે. રાજવી આઠમીમાં ભણે છે. જીવનને મન ભરીને માણતા ધર્મેશભાઈને આજે બસ એક જ વાત અધૂર૫ની અનુભૂતિ કરાવે છે, “હું ઘરે જાઉં ત્યારે મમ્મી ઘણીવાર કહે કે જો પપ્પા હોત તો…”
ભીંજાતી આંખે ધર્મેશે માત્ર એક અરજ કરી, “ગુરુદેવ, મારા ઘરે પગલાં કરશો?” તરત જવાબ મળ્યો,
“જરૂર. આવતા વરસે, આજના દિવસે આપણી મુલાકાત પાકી.”
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.


