મામાનો સાથ, માબાપના સંસ્કાર ઉપરાંત એક સરદારજીએ ખરે ટાણે ઝાલ્યો હાથ. ત્રણેયના સંગમથી આ વડીલે કર્યા છે ચમત્કાર. સાથે સેવા કરવાનાં સપનાં પણ કર્યાં સાકાર
મુંબઈની કાપડ બજાર મંગળદાસ માર્કેટની બહાર વરસો પહેલાં એક યુવાન નોકરી કરે. કહો કે પાંચ જ દિવસ કરી. એનું કામ શું? દુકાન બહાર ઊભા રહી બૂમો પાડવાની, “આઈયે ભાઈસા’બ, આઈયે બહનજી…” એક દિવસ એ યુવાન કાપડ બજારના મોટા વેપારી તરીકે પ્રસ્થાપિત થાય છે. સંઘર્ષે તેને નાસીપાસ કરવાને બદલે નક્કર નિર્ણયો લેતા માણસમાં ફેરવ્યો. સંઘર્ષે તેને પરોપકારી પણ એવો બનાવ્યો કે સાવરકુંડલામાં લાખો દર્દીઓને વિનામૂલ્યે સારવાર પૂરી પાડતી હોસ્પિટલના સર્જનમાં એ નિમિત્ત બન્યો. આ માણસ એટલે કપોળ ઉદ્યોગપતિ હરેશભાઈ મહેતા.
રાજુલાનું ડુંગર ગામ એમનું મોસાળ અને હરેશભાઈનો જન્મ ત્યાં ૧૯૫૩માં થયો. તેમનું પોતાનું ગામ ડેડાણ, જ્યાં માતાપિતા સંઘર્ષ કરતાં સંતાનોને ઉછેરે. હરેશ ઉપરાંત તેમને બે દીકરા અને બે દીકરી. પિતા એક પેઢીમાં મહેતાજી તરીકે કામ કરે. ઘરના બે છેડા ભેગા કરવા માટે મા પાપડ વણવા જેવાં કામ કરે. કશે ફરિયાદનું નામ નહીં. મનમાં બસ એક જ વાત કે સંતાનોના શ્રેષ્ઠ ઉછેર માટે બનતું બધું કરી છૂટવું.
હરેશભાઈએ ચોથા ધોરણ સુધીનો અભ્યાસ ડુંગરની શાળામાં કર્યો. પછી, તેઓ કહે છે, “પિતાની નોકરીનું ગામ બદલાય તે પ્રમાણે પરિવારનું રહેઠાણ પણ બદલાય. એ બદલાય એની સાથે અમારી શાળા પણ બદલાય.” હરેશભાઈએ વૌઠા અને ધોળકા ગામમાં ભણતાં છેવટે સાવરકુંડલામાં ભણતાં મેટ્રિક સુધીનો અભ્યાસ પૂરો કર્યો. છેલ્લી શાળામાં હરેશભાઈને મૂર્ધન્ય સાહિત્યકાર અને હાસ્યલેખક રતિલાલ બોરીસાગરના વિદ્યાર્થી બનવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું. ગુરુ-શિષ્યના એ સંબંધમાં વરસો પછી એક નોંધપાત્ર પૃષ્ઠ ઉમેરાવાનું હતું. એની વાત પણ યથાયોગ્ય જગ્યાએ કરીશું.
૧૬ વર્ષની ઉંમરે, ૧૯૬૯માં મામા રમણિકલાલ સંઘવી અને બીજા બન્ને મામાના કહેણથી યુવાન હરેશે મુંબઈની વાટ પકડી. મામાએ ભાણેજને પોતાના બોરીવલીના ઘરમાં છત પૂરી પાડી. સદનસીબે, હરેશને કાલબાદેવી સ્થિત એક યાર્નની કંપનીમાં નોકરી પણ તરત મળી ગઈ, મહિને પાંસઠ રૂપિયાના પગારવાળી. જોકે એ ખુશી ઝાઝું ટકી નહીં, કારણ, હરેશભાઈ સ્મરે છે, “મારી ઓફિસ પાંચમા માળે. શેઠ તો સારા પણ મુનિમ કનડે. સાંજે સાત વાગ્યે બિલ્ડિંગની લિફ્ટ કામ કરતી બંધ થાય કે આદેશ ફરમાવે: જા, ચા લઈ આવ. હું સીડી ઊતરી-ચડી ચા લાવું પણ એટલીવારમાં એ ટાઢીબોળ થઈ જાય, એટલે મુનિમ પાછો મોકલે ગરમ ચા લેવા. પંદરેક દિવસમાં કંટાળીને મેં નોકરી મૂકી દીધી.” પછી મંગળદાસ માર્કેટમાં તક મળી, શરૂઆતમાં જણાવી તે, પણ ત્યાંનાં અંજળપાણી પાંચ દિવસમાં ખૂટ્યાં. મામાએ ભાણેજને કહ્યું, “તારો ટ્રેનનો પાસે હજી પંદર દિવસ ચાલશે. એટલામાં નોકરી ના મળે તો ગામભેગો થઈ જજે.” ખિસાખર્ચી માટે મામા રોજ આઠ આના આપે. હરેશ બોરીવલી-ચર્ચગેટ વચ્ચે દિવસમાં ત્રણેક વખત ટ્રેનમાં ફરે અને સમય વિતાવે.
પાસ પૂરો થવાને બે દિવસ રહ્યા. હરેશ હતો ચર્ચગેટ સ્ટેશન બહાર ઇરોસ સિનેમા પાસે. ત્યાં ખાસ્સી ગિરદી અને પૂછપરછ કરતાં ખબર પડી કે દેવ આનંદ અને હેલન ઇરોસમાં સમર ઓફ ૪૨ ફિલ્મ જોવા આવવાનાં છે. “ચાલો, ગામ જતા પહેલાં ફિલ્મ સ્ટાર્સને જોઈ લઉં. ગામમાં વટ પડશે,” વિચારીને હરેશ ભીડમાં જોડાયો. એવામાં પોલીસ આવી, “ચલો, નિકલો ઇધર સે.” અને હરેશ સરક્યો. નજીકમાં રામ એમ્પોરિયમ નામે કપડાંની દુકાનના કાચના ડિસ્પ્લેમાં એ ડોકિયું કરવા માંડ્યો ત્યાં મોટા બંધુ ભરતભાઈના એક ઓળખીતાને અંદર જોયા. તેમને મળવા હરેશ દુકાનમાં ગયો. પેલા ભાઈ સાથે વાત કરવા માંડ્યો ત્યાં પંજાબી માલિકે બોલાવીને પૂછ્યું, “ક્યાં કામ કરતા હૈ?”
“કુછ નહીં. કામ ઢુંઢ રહા હૂં.”
“ઇથર કામ કરેગા? ડેઢ સૌ પગાર દુંગા.”
“ડેઢ સૌ?! લેકિન મુઝે કુછ નહીં આતા. કભી કપડે બેચે નહીં હૈ. હિન્દી ઔર અંગ્રેજી ભી નહીં આતી.”
“વો સબ મેરે પે છોડ દે. બસ, ઇમાનદારી સે કામ કર.”’
અને હરેશને મળી ગઈ નોકરી. પાંસઠના પગારથી ક્યાંય સારા પગારવાળી.
એ દિવસથી કાપડ સાથે તેનો અતૂટ નાતો બંધાયો. સાત વરસ નોકરી કર્યા પછી ૧૯૭૯માં હરેશભાઈએ સ્વતંત્ર વેપાર શરૂ કર્યો. શરૂઆતમાં કાપડની દલાલીનું કામ કર્યું સમજણ વધતી ગઈ તેમ આગળ વધતા ગયા.
દરમિયાન, ૧૯૭૬માં તેમનાં લગ્ન યશોધરા સાથે થયાં. સમય સાથે તેમના વેપારે પણ પ્રગતિ સાધી.
હરેશભાઈના હાલના જીવનની વાત કરીએ તો વેપારી, કૌટુંબિક તથા સામાજિક મોરચે પણ ભરપૂર સંતોષ પ્રવર્તે છે.
હરેશભાઈ કહે છે કે, “મારી સફળતાનો શ્રેય યશોધરાને જાય છે. કારણ કે, વેપારમાં અતિ વ્યસ્તતાના કારણે હું ક્યારેક ઘર-પરિવાર કે વ્યવહારિક પ્રસંગોમાં સમય ફાળવી શકતો નથી. પરંતુ, યશોધરાને એ વાતનો યશ આપવો પડે કે મારા ભાગે આવતી આ જવાબદારીઓ તેણે હસતા મોઢે નિભાવી છે.”
સમાજનું ઋણ ઉતારવાના મામલે પણ હરેશભાઈ સજાગ છે. તેમનું સૌથી મહત્ત્વનું સામાજિક યોગદાન એટલે સાવરકુંડલામાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશનના નેજા હેઠળ કાર્યરત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર. સદંતર વિનામૂલ્યે સારવાર પૂરી પાડતી આ હોસ્પિટલ પાંચ લાખ દર્દીઓને સુશ્રુષા પૂરી પાડી ચૂકી છે. અનેક વિભાગો સાથે અદ્યતન ઉપકરણોથી હોસ્પિટલ સજ્જ છે. એના નિર્માણની વિગતો હરેશભાઈ જણાવે છે, “એકવાર કવિમિત્ર અંકિત ત્રિવેદીએ સૂચવ્યું કે આપણે સૌએ રતિલાલભાઈનું સન્માન કરવું જોઈએ. મને એ વિચાર ગમ્યો. સાહેબના મારા જેવા અન્ય વિદ્યાર્થીઓનો સંપર્ક સાધતાં સાધતાં ૨૦૧૧માં અમે તેમનું સન્માન કર્યું. સાથે વિદ્યાગુરુ શ્રી રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન નામે ટ્રસ્ટ પણ સ્થાપ્યું. પછી સાહેબની ભાવનાને સન્માન આપતાં તેનું નામ બદલીને શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન કર્યું. શરૂઆતમાં ટ્રસ્ટ સાહિત્ય અને શિક્ષણક્ષેત્રે પ્રવૃત્ત હતું. પછી સાવરકુંડલામાં સ્વાસ્થ્ય મોરચે લોકોને નડતા પ્રશ્નો જાણતાં આ હોસ્પિટલ ઊભી કરી.”
૨૦૧૫માં તેના પ્રથમ ચરણનું પૂજ્ય મોરારિબાપુના વરદ્ હસ્તે લોકાર્પણ થયું. રોજ આઠસોથી હજાર દર્દીઓની સારવાર ત્યાં થાય છે. ૨૦૧૮માં હોસ્પિટલના લાભાર્થે બાપુએ સાવરકુંડલામાં રામકથાનો અનુગ્રહ પણ વરસાવ્યો. હરેશભાઈ કહે છે, “એકની સફળતા પાછળ અનેકની મહેનત તથા આશીર્વાદ હોય છે. માણસનું કામ છે કર્મ કરવાનું અને સફળતા મળે કે કેમ એ નસીબ પર છોડી દેવાનું.”
લેકિન મુઝે કુછ નહીં આતા. કભી કપડે બેચે નહીં હૈ. હિંદી ઔર અંગ્રેજી ભી નહીં આતી. “વો સબ મેરે પે છોડ દે.
બસ, ઇમાનદારી સે કામ કર.”
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.


