ઠાકોરજી પર અપાર શ્રદ્ધા તેઓ ધરાવે છે. ધીકતા વેપાર વચ્ચે પણ શ્રીજીસેવાના મામલે નિરંતર પ્રવૃત્ત રહે છે. ઉપરાંત માનવી તરીકે પણ બેહદ મજાના છે
બત્રીસ રૂપિયા મૂડી કહેવાય નહીં. એમાંથી વેપારી સામ્રાજ્ય સર્જવાની વાત સાધારણ કહેવાય નહીં. જો સર્જી શકાય તો પણ તેની સાથે સંસ્કાર, પરિવાર તથા પોતાના કર્મચારીના સુખ-ઉત્કર્ષ વિશે પૂરી કાળજી રાખી શકાય નહીં. આ બધી બાબતોમાં જો સાંગોપાંગ પાર ઊતરી જવાય તો માનવું કે ઠાકોરજીની કૃપાનો કોઈ પાર નથી.
આવી કૃપાના હકદાર થયા છે વીણા ડેવલપર્સ ફેમ હરેશ સંઘવી. માતા વનિતાબહેન અને પિતા નટવરલાલનાં ચાર સંતાનોમાં હરેશભાઈનો ક્રમ બીજો. બીજાં ત્રણ સંતાનો મોટાં બહેન નીલા, અને નાનાં ભાઈ-બહેન હિતેશ તથા ગીતા.
મહુવા તાલુકાના બિલા ગામના વતની સંઘવી પરિવારના ફરજંદ હરેશનું મુંબઈમાં આગમન થાય છે ૧૯૭૭માં. મહુવાની જે. પી. પારેખ હાઈસ્કૂલમાં મેટ્રિક પતવા સાથે પંદરેક વરસની ઉંમરે સફર શરૂ થઈ. મુંબઈમાં તેમણે ઘાટકોપરની સોમૈયા કોલેજમાં એડમિશન લઈને છાપરું મેળવ્યું માટુંગાની કપોળ હોસ્ટેલમાં. હરેશભાઈ જીવનના એ દિવસોની વાતો વહેંચતાં કહે છે, “ગામથી આવ્યો ત્યારે પિતાએ પચાસ રૂપિયા આપ્યા હતા. એમાંથી અઢાર રૂપિયા મહુવાથી મુંબઈની ટ્રેન ટિકિટમાં ખર્ચાયા.”
એવામાં વડાલાના એક સદ્ગૃહસ્થ છગનભાઈ સાથે તેમનો ભેટો થયો. છગનભાઈ જોઈ ના શકે. નવયુવાન હરેશ સમક્ષ તેમણે નોખા પ્રકારના કામનો પ્રસ્તાવ મૂક્યો, “રોજ આવવાનું, ધાર્મિક સાહિત્ય વાંચવાનું. મહિને અઢીસો રૂપિયા આપીશ. બોલ.” આવકની રાહ ચાતકની જેમ નિહાળનારા હરેશ માટે આ તો ઈશ્વરપ્રેરિત માર્ગ હતો. આવકની આવક શરૂ થઈ, સંસ્કાર સિંચાતા ગયા અને શહેરમાં થાળે પડતા જવાયું.
શિક્ષણના મોરચે પણ પ્રગતિ જારી રહી પણ, હરેશભાઈ કહે છે, “બી. કોમ. સુધી ભણ્યો તો ખરો પણ છેલ્લી પરીક્ષામાં પાસ નહીં થયો. હા, મારા નાના ભાઈ હિતેશને, જેનું અકાળે ૨૦૧૨માં અવસાન થયું. કોમર્સ ગ્રેજ્યુએશન પૂરું કરવા મળ્યું એનો મને આનંદ હતો.” ખેર, અભ્યાસના જે મુકામે અટકવાનું થયું ત્યાંથી તેમના માટે નવાં દ્વાર ખુલ્યાં માણેકલાલ મહેતા એન્ડ કંપનીમાં, “ત્યાં આસિસ્ટન્ટ ક્લર્ક તરીકે બોસ સુરેન્દ્રભાઈ મહેતાના હાથ નીચે નાણાકીય આંટીઘૂંટી, શિસ્ત અને દુનિયાદારી શીખ્યો.” હરેશભાઈમાં વેપારી કુનેહનાં બીજ એ નોકરીમાં રોપાયાં.
પોતે કોલેજમાં ભણવા સાથે હરેશભાઈએ પરિવારને મુંબઈ બોલાવીને જવાબદારીઓ પણ શિરે ઉઠાવી લીધી. પરિવાર રહે ભાયંદર અને પોતે રહે હોસ્ટેલમાં, ૧૯૮૦ સુધી. ભણતર અને બેએક નોકરી પછી નસીબ તેમને ખેંચી ગયું એ ક્ષેત્રે જ્યાંથી તેમનો જીવનભરનો માર્ગ કંડારાવાનો હતો, “ત્યારે વસઈના સફળ બિલ્ડર્સમાં લાલજીભાઈ મિસ્ત્રીનું નામ આવતું. તેમને ત્યાં હું કલર્ક તરીકે જોડાયો. ૩૬૪ની નોકરી અને દિવાળીએ રજા.” વિશ્વકર્મા બિલ્ડર્સ નામની એ કંપનીમાં હરેશભાઈએ એવી મહેનત કરી, એવી વિચક્ષણતા દાખવી કે ના પૂછો વાત. ત્યાં જે શીખવા મળ્યું એ અમૂલ્ય હતું.
૧૯૮૭ સુધી ચાલેલી એ નોકરી સાથે, ૧૯૮૭માં રાજુલા તાલુકાના ખાકબાઈ ગામનાં વીણાબહેન સાથે હરેશભાઈએ પ્રભુતામાં પગલાં માંડ્યાં. લગ્ન પછી હનીમૂન પત્યું એ સાથે ૧૯૮૮માં સ્વતંત્ર વેપારનું પ્રકરણ શરૂ થયું. હરેશભાઈએ પ્લોટ્સની લેવેચના કામની શરૂઆત કરી. ગ્રેજ્યુએશન પછી ભાઈ હિતેશ પણ સાથે જોડાયા. ૧૯૮૯માં વસઈમાં મધુવન નામે બિલ્ડિંગ ઊભું કરવાનું પ્રથમ સાહસ ખેડ્યું. જમીનના સોદાની પતાવટમાં હરેશભાઈએ હથોટી મેળવી હતી. એવામાં, ૧૯૮૯માં જ, ખિસ્સામાં પૈસા નહીં છતાં એક પટેલ પાસેથી તેમણે વિશાળ પ્લોટનો, જેની કિંમત છએક કરોડ થતી, સોદો કર્યો. પટેલ પણ હરેશભાઈના આત્મવિશ્વાસથી પ્રભાવિત. કહે, “ધીમે ધીમે પણ પૂરા પૈસા આપજે.” હરેશભાઈનો જવાબ હતો. “દૂધે ધોઈને આપીશ. જબાન છે.”
નિકુંજ ડેવલપર્સ અને પછી સંઘવી એસોસિયેટ્સના નામે જે કામકાજ શરૂ થયું તેને ખૂબ સફળતા મળી. ગ્રાહકોની વિશ્વસનિયતાએ કંપનીને સન્માન પણ ખૂબ અપાવ્યું. ૧૯૯૩માં હરેશભાઈએ નજર ઠેરવી મુંબઈ પર અને ઘર સ્થળાંતરિત કર્યું મલાડ ગોરસવાડીમાં. કંપનીનું નામ પણ નવું થયું: સંઘવી એસોસિયેટ્સ. મહાનગરમાં સ્પર્ધા મોટી, રોકાણ મોટાં અને સફળતા માટે જોઈએ દીર્ઘદૃષ્ટિ પણ અસાધારણ. એ બધાં સાથે હરેશભાઈ પાસે બીજી બે મોટી મૂડી હતી. એક સંસ્કારની અને બીજી અફર નીતિમત્તાની.
“મારાં મમ્મી મરજાદી વૈષ્ણવ. અમારા ઘરમાં ઠાકોરજી સર્વસ્વ. ખોટું કરવાની ભાવના તો ઠીક, એનો વિચાર પણ અમાન્ય. મેં નિયમ કેળવ્યો કે ગ્રાહકને જે વચન આપ્યું તે અક્ષરશ: પાળવાનું.” એનો પુરાવો છે ૩૫ લાખ ચોરસ ફૂટની ૬,૫૦૦ ફ્લેટ્સ સહિતની ડિલિવરી સુધી એક પણ ગ્રાહકના પૈસા હરેશભાઈએ, ગ્રાહકની વિષમ સ્થિતિ હોય તો પણ, ફોરફીટ કર્યા નથી, મતલબ જપ્ત કર્યા નથી. સોદો ફોક કરવાની ગ્રાહકને ફરજ પડે તો, કાયદો દસ ટકા રકમ રાખવાની બિલ્ડરને છૂટ આપે છે છતાં, સોએ સો ટકા રકમ રિફન્ડ કરવાની. ગ્રાહકને જેટલા સ્ક્વેર ફીટ, જે સગવડો આપવાનું વચન આપ્યું હોય એ હરેશભાઈએ કાયમ નિભાવ્યું છે. મુંબઈમાં, મુખ્યત્વે કાંદિવલીમાં તેમની વીણા ડેવલપર્સે અનન્ય ગુડવિલ સર્જી છે. વીણાથી શરૂ થતી કેટલીયે ઇમારતો તેમની કંપનીની ગુણવત્તાનાં વટવાળાં પ્રતીકરૂપે ઉપનગરમાં છે. આ થઈ વેપારની વાત. હવે અધ્યાત્મયાત્રા.
૧૯૯૭થી હરેશભાઈ ભાગવતકથા, રામકથા, ગોપીગીત, ભ્રમરગીત સહિતની ધર્મપ્રવૃત્તિઓ સાથે સંકળાયા. મહુવામાં, કાંદિવલીના મહાવીર નગરમાં તેમણે અનેક કથાઓમાં યોગદાન આપ્યું છે અને સંપૂર્ણ આયોજક તરીકે જવાબદારી ઉઠાવી છે. હરેશભાઈ કહે છે, “વૈષ્ણવ ધર્મ એટલે હરિ, ગુરુ અને વૈષ્ણવ ત્રણેયને પ્રસન્ન કરવા. એ દિશામાં વૈષ્ણવ જન્મારો સાર્થક થાય એ સાચું આયખું.” વેપારનાં પ્રારંભિક દસ વરસ હરેશભાઈ દરેક નાના કામની સફળતા પછી તરત નાથદ્વારા જતા. વરસે પાંત્રીસેક જાત્રા થતી. પછી કથાઓનો દોર શરૂ થયો. ૧૯૯૭, ૨૦૦૩, ૨૦૦૫, ૨૦૦૮, ૨૦૧૦, ૨૦૧૩, ૨૦૧૪… હમણાં સુધી હરેશભાઈએ લગાતાર કથાઓ થકી વૈષ્ણવસેવા કરી છે. એક મોટો વળાંક ૨૦૧૧માં આવ્યો. એની વાત તેમના શબ્દોમાં, “બરસાનામાં માનવ મંદિર નામે સંસ્થા હેઠળ રમેશબાવા અપ્રતિમ ગૌસેવા કરે. ૨૦૧૧માં તેમણે મથુરાથી દિલ્હીની પદયાત્રા યોજી હતી, યમુના મુક્તિકરણ નામે. એમાં મારે જોડાવાનું થયું અને બસ, વિસ્ફારિત નયને તેમની શ્રીજીસેવા, ગૌસેવા જોતો રહ્યો. ત્યારથી હું તેમની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છું.” રમેશબાવાની સંસ્થાની ગૌશાળામાં પંચાવન હજાર ગૌમાતા છે. એમાંથી એકને પણ દોહવામાં આવતી નથી! રોજના લઘુતમ ૭૫ રૂપિયાનો ગાયદીઠ ખર્ચ માંડો તો વાર્ષિક ખર્ચની રકમ પહોંચે દોઢસો કરોડ. સંસ્થામાં વળી હજારથી વધુ નિરાધારોને આધાર અપાયો છે એ અલગ. દાન માટે ક્યાંય રાવ નહીં નાખતી આ સંસ્થાને હરેશભાઈ સહિત અમેરિકાના એક અનામ દાનવીર જેવા લોકો ઉત્સ્ફુર્તપણે સહાય કરીને પુણ્યકાર્ય કરે છે.
ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાની આ સંસ્થાને, ગાયોની સંખ્યાને લીધે, હાલની પોણાબસો એકરની જમીન ઓછી પડી રહી છે. તેથી હવે સરકાર તરફથી જમીન મેળવવાના પ્રયત્નો જારી છે. તેનું સકારાત્મક પરિણામ બહુ જલદી આવવાની આશા છે. હરેશભાઈ કહે, “ઠાકોરજીના દીધાને પરિવાર સાથે માણવા સાથે સમગ્ર સમાજ સાથે વહેંચવામાં સાચી શ્રીજીસેવા છે. જીવનનો આ હેતુ સમજી શકાય તો સમજવું કે માનવફેરો કશાક મૂલ્યનો થયો. આવી સમજણ સૌમાં પ્રસરે એવી આપણે પ્રાર્થના કરવી.”
અમારા ઘરમાં ઠાકોરજી સર્વસ્વ. ખોટું કરવાની ભાવના તો ઠીક, એનો વિચાર પણ અમાન્ય. મેં નિયમ કેળવ્યો કે
ગ્રાહકને જે વચન આપ્યું તે અક્ષરશ: પાળવાનું.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.


