નાનપણથી તેમણે વેપારના પદાર્થપાઠ પિતા પાસે શીખ્યા. ભરયૌવને વિશ્વભ્રમણ કરી વેપારને નવી ઊંચાઈએ પહોંચાડ્યો. આજે તેઓ સમાજનું ઋણ અદા કરવામાં પણ ખાસ્સા પ્રવૃત્ત છે
“આપણને સોંપવામાં આવેલી જવાબદારી જો પૂરી શક્તિ કામે લગાડીને, પ્રામાણિકતા સાથે પાર પાડીએ તો આ દુનિયાની કોઈ તાકાત આપણને સફળતા પામવાથી રોકી શકતી નથી.” આ શબ્દો છે સિત્તેર વર્ષના વડીલ લલિતભાઈ ચીતલિયાના. શ્રીનાથજીબાવામાં પોતાની જાત કરતાં વધારે તેમને વિશ્વાસ છે. આ શ્રદ્ધા અને કશુંક કરી બતાવવાનો અખૂટ ઉત્સાહ તેમના જીવનની દરેક સફળતાના અર્કસમાન છે.
એક તરફ તેઓ આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતી બ્રાન્ડ સ્વારવોસ્કીના સર્જકના અંગત મિત્ર છે. હોંગકોંગ જાય ત્યારે કાયમ એ મિત્રના અંગત મહેમાન તરીકે તેમના ઘરે રોકાય. બીજી તરફ તેઓ ત્રીસેક જેટલી સંસ્થાઓ સાથે સંકળાયેલા રહીને પીડિતો માટે અનેક પ્રકારની સેવા કર્યે જાય છે. લક્ઝરી અને લાગણી બેઉના મામલે લલિતભાઈ એકસરખા સંવેદનશીલ છે અને સરળ પણ.
લલિતભાઈ એટલે માતાપિતા ગિરિજાલક્ષ્મી અને ગંગાદાસનાં ચાર દીકરામાંના એક. સૌથી મોટા દીકરા ચંદ્રકાંત, પછી નગીનભાઈ, પ્રમોદભાઈ અને છેલ્લે લલિત. એક જમાનામાં ગંગાદાસ મ્યાનમાર એટલે પહેલાંના રંગૂન જઈને વસ્યા હતા. ત્યાં તેઓ જામેલો વેપાર પણ ધરાવતા હતા. સન ૧૯૪૦ આસપાસ તેઓ સ્વદેશ પાછા આવ્યા. આવીને વસ્યા મુંબઈના ઉપનગર વિલેપાર્લેમાં.
૧૯૪૯માં લલિતભાઈનો જન્મ વિલેપાર્લામાં થયો. બાળક તરીકે તેઓ ખાસ્સા પ્રવૃત્ત હતા અને રમતગમતમાં વિશેષ રુચિ ધરાવતા હતા. શાળાકીય અભ્યાસ થયો આર. બી. ટી. હાઈસ્કૂલમાં અને ઇન્ટર સાયન્સ સુધીનો અભ્યાસ થયો ચર્ની રોડની વિલ્સન કોલેજમાં. પિતાની છત્રછાયા હેઠળના દિવસોનું સ્મરણ કરતાં લલિતભાઈ જણાવે છે, “ભૂલેશ્વરમાં અમારી ચાંદીના ઘરેણાં અને નંગની દુકાન હતી. વેપારમાં પિતાને બધા દીકરાઓનો સબળ સાથ મળ્યો.” કોલેજના અભ્યાસ પછી લલિતે પિતાને વેપારમાં સાથ આપવા માંડ્યો. પ્રારંભિક તબક્કામાં પિતાએ દીકરાને એક પડકાર ઝીલવાની તક આપી, જેનાથી તેના મનોબળ તથા વેપારી કુનેહ બેઉનું સરસ ઘડતર થયું. એની વાત કરતાં લલિતભાઈ જણાવે છે, “પિતાના વેપારની ઓફિસો વિવિધ શહેરમાં હતી. એક બેંગલોરમાં પણ, જ્યાં બધું ડામાડોળ હતું. પિતાએ નિર્ણય લઈ લીધો હતો કે આપણે એ ઓફિસ બંધ કરી દો. મેં વિનંતી કરી કે મને એક તક આપો તો ખોટ ખાતી ઓફિસને થાળે પાડવાનો પ્રયત્ન કરું.”
પિતાએ તક આપી. લલિતભાઈએ એ શહેરની મુલાકાત લીધી. શી સમસ્યાઓએ વેપારની ગાડી પાટા પરથી ઉતારી દીધી હતી એ બરાબર સમજી લીધા પછી જરૂરી પગલાં ઉઠાવ્યાં. ફટાફટ પરિણામ દેખાવા માંડ્યું. ખોટ ખાતી ઓફિસ નફો રળતી થઈ ગઈ. ફાસ્ટ ફોરવર્ડ કરીને આ મુદ્દે એટલું કહી દઈએ કે એ પછી આજ સુધી કાર્યરત એ ઓફિસ લલિતભાઈના બનેવી અને હવે તેમના ભાણેજ હાર્દિક મથુરિયાના સુકાનમાં બરાબર કાર્યરત છે.
લલિતભાઈને નાની ઉંમરથી સ્વિમિંગનો પણ શોખ. બેએક વખત તેમણે બીજાનો જીવ પણ બચાવ્યો. એકવાર ખંભાતમાં એમના મિત્રના ભાઈને, જેને તરતા આવડે નહીં એને કોઈકે સ્વિમિંગ પૂલમાં ધકેલી દીધો હતો. બીજી વખત એમના મિત્ર હરીશભાઈ વ્યાસ દેવલાલીમાં નદીમાં ફસાયા હતા. ત્યારે પણ લલિતભાઈએ સમયસૂચકતા દર્શાવીને પાણીમાં ઝંપલાવીને મિત્રને ઉગારી લીધા હતા.
ખેર, પિતાના વેપારની વાતનો અનુસંધાન લઈ આગળ વધીએ. એક્સપોર્ટ અને ટ્રેડિંગની એ પેઢીએ લલિતભાઈની આવડતથી સારી પ્રગતિ નોંધાવા માંડી. ૧૯૭૫થી, લગભગ છવીસ વરસની ઉંમરથી, લલિતભાઈએ વિદેશ પ્રવાસો કરવા માંડ્યા. તેના થકી તેમણે નવાં વેપારી જોડાણ કર્યાં અને ટર્નઓવર વધાર્યું. તેમાંથી જ તેમનો સંબંધ સ્વારવોસ્કી, કેટલોગ હાઉસ જેવાં કેટલાંય જાણીતાં નામ અને તેના સ્થાપકો-સંચાલકો સાથે થયો.
અંગત જીવન તરફ વળીએ તો ૧૯૭૫માં તેમનાં લગ્ન થયાં મૂળ વીસનગરનાં અને વિલેપાર્લામાં રહેતા જાગૃતિબહેન સાથે. જાગૃતિબહેનના મામા એ પ્રથમ વેપારી હતા જેમણે કાપડની મૂળજી જેઠા માર્કેટમાં પ્રાઇવેટ લિમિટેડ કંપની ઊભી કરવાનું બહુમાન પ્રાપ્ત કર્યું હતું. આ યુગલને ઈશ્વરે હેમલના રૂપમાં દીકરાની ભેટ આપી. હેમલનો જન્મ ૧૯૭૮માં થયો.
લગ્ન પછી સતત દસ વરસ સુધી લલિતભાઈએ લગ્નજીવન ઓછું માણ્યું અને વેપાર અર્થે વિશ્વભ્રમણ વધુ કર્યું. તેઓ કહે છે, “મેં મારા દીકરાને કદમાં ઊંચા થતા જોયો નથી. લગાતાર પ્રવાસ ખેડવાને લીધે એ આનંદથી હું વંચિત રહી ગયો.” ૧૯૮૫ પછી પણ એ દડમજલ જારી રહી પણ પ્રમાણમાં ધીમી પડી. આગળ જતાં ઇન્ટરનેટનો જમાનો આવ્યા પછી જોકે એમાં ખાસ્સો ફરક પડ્યો.
જીવનભર પુરૂષાર્થ ખેડીને લલિતભાઈએ વેપારના મોરચે આગવા મુકામ સર કર્યા છે. આજે જૈફ વયે પણ તેઓ એટલા જ પ્રવૃત્ત છે. પરોઢિયે ચાર વાગ્યે જાગીને બપોર સુધી બિઝનેસની જવાબદારીને તેઓ ન્યાય આપે છે. એ પછી રાતના દસેક વાગ્યા સુધીનો તેમનો સમય સમર્પિત રહે છે સેવાલક્ષી પ્રવૃત્તિઓને. લલિતભાઈ કહે છે, “પચીસથી પંચાવનની ઉંમર ધનોપાર્જન અને કારકિર્દી ઘડવા માટે હોય છે. પંચાવનથી પાંસઠની ઉંમર પોતે મેળવેલા અનુભવનો લાભ નવી પેઢીને આપીને તેમને ઘડવા માટે હોય છે. પાંસઠ પછીનું જીવન સમાજનું ઋણ ઉતારીને બીજાને મદદરૂપ થવા માટે હોય છે.” આ ઉમદા ફિલસૂફીને તેઓ વફાદારીપૂર્વક અનુસરી રહ્યા છે. તેઓ ગ્લોબલ હ્યુમન રાઇટ્સ પ્રોટેક્શન કાઉન્સિલના ભારતના પ્રમુખ રહી ચૂક્યા છે. યુનોમાં તેમણે આ મોરચે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. જે ઉદ્યોગ સાથે તેઓ સંકળાયેલા છે તેવા જેમ એન્ડ જ્વેલરીના કર્મચારીઓનું કલ્યાણ પણ તેમના હૈયે વસે છે. ચાંદીના તાર બનાવતા કર્મચારીઓના ફિલિગીરી જ્વેલરી એસોસિયેશન વતી તેમણે આ ક્ષેત્રના કર્મચારીઓના પ્રશ્નો રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડ્યા હતા. એ પછી આવેલા નિરાકરણે કેટલાયના જીવનમાં રાહત પ્રસરાવી હતી.
જેમ એન્ડ જ્વેલરી કાઉન્સિલ સહિત લલિતભાઈ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ્સ વગેરે સાથે સંકળાયેલા છે. પાંચ ફૂટ અગિયાર ઇંચનું પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા લલિતભાઈ વિલેપાર્લેમાં રહે છે અને જીવનની પળેપળને સાર્થક કરવાનો બુલંદ જુસ્સો ધરાવે છે. સંતુષ્ટ જીવન માટે તેઓ અંગ્રેજી અક્ષર એચથી શરૂ થતી ચાર બાબતોને મહત્ત્વપૂર્ણ ગણે છેઃ હેડ એટલે મગજ, હાર્ટ એટલે હ્રદય, હેન્ડ એટલે મહેનત અને ઓનેસ્ટી એટલે પ્રામાણિકતા.
ગીતાના કર્મ કર્યે જા, ઈશ્વર ફળ આપશે એ સિદ્ધાંતને તેઓ કાયમ વળગેલા રહ્યા છે. પિતાના વેપારમાં ખભેખભા મિલાવનારા ભાઈઓમાંથી આજે ચંદ્રકાંતભાઈ તથા પ્રમોદભાઈ રહ્યા નથી. નગીનભાઈ તથા લલિતભાઈ પોતપોતાની જવાબદારીઓ નિભાવવા સાથે સમાજ ઉત્કર્ષનાં કાર્યોમાં પણ બને તેટલા પ્રવૃત્ત રહે છે. થાક્યા વિના જેમણે દરેક કાર્યને મનભરીને માણ્યું છે તેવા આ વડીલ છેલ્લે જણાવે છે, “આગળ વધતા રહો, કેમ કે પાછળ કોઈ જઈ શકતું નથી. જીવનની ખરી મજા પણ આગળ વધવામાં સમાયેલી છે.”
પંચાવનથી પાંસઠની ઉંમર પોતે મેળવેલા અનુભવનો લાભ નવી પેઢીને આપીને તેમને ઘડવા માટે હોય છે. પાંસઠ પછીનું જીવન સમાજનું ઋણ ઉતારીને બીજાને મદદરૂપ થવા માટે હોય છે.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.


