સ્વભાવે તેઓ સિદ્ધાંતવાદી અને કાર્યનિષ્ઠામાં અવ્વલ. અમરેલીથી મુંબઈ સુધીની તેમની સફર રોચક રહી છે. સાથે નીતિપૂર્વક કાર્ય કરતા તેઓ આગવી ઉન્નતિના હકદાર બન્યા છે
સાક્ષરોના પરિવારના મોભી ડો. મહેશ વસંતરાય સંઘવીએ મધ્યમવર્ગીય પરિવારમાંથી આવીને આપબળે આગવી સફળતા મેળવી છે. આ ચિકિત્સકને મન જિંદગી એટલે સંસ્કાર, શિસ્ત અને સિદ્ધાંતનો સમન્વય. મૂળ રાજુલાના, સુરેન્દ્રનગરમાં જન્મેલા અને હવે મુંબઈના ઉપનગર ઘાટકોપરમાં રહેનારા આ કપોળ સ્વજનના જીવન પર એક દૃષ્ટિપાત કરીએ. ઘણું જાણવા મળશે.
માબાપ ઊર્મિલાબહેન અને વસંતરાયના ઘરમાં ચાર બાળકો. મહેશ સૌથી મોટું સંતાન, જેનો જન્મ ૧૯૫૬માં થયો. પિતા એન્જિનિયર હતા એટલે સ્વાભાવિક છે કે તેઓ શિક્ષણની મહત્તા સુપેરે સમજતા હતા. અમરેલીમાં તેઓ રહેતા અને પરિવારની સ્થિતિ સાધારણ હતી. છતાં પોતાનાં સંતોનોને જ્ઞાન સાથે વેપારી સૂઝબૂઝથી સજ્જ કરવાના મામલે તેમણે ખાસ્સી કાળજી રાખી. માબાપે આટલું કરવું એ સૌથી અગત્યનું કાર્ય કહેવાય. ઘરની આર્થિક પરિસ્થિતિ સામાન્ય હોવાથી પિતા ખર્ચ કાઢવા માટે ટ્યુશન પણ લે. તેમનાં એક વિદ્યાર્થિની હતાં ઊર્મિલા. બેઉની વચ્ચે પ્રેમનો અંકુર ફૂટ્યાં અને લગ્ન થયાં. તેઓ મુંબઈના બોરીવલીમાં રહેતાં હતાં.
મહેશભાઈનું બાળપણ મજાનું હતું. બહુ તોફાની હતા તેઓ, “મને સૌ ઘાસલેટ કહીને સંબોધે, કારણ ખોટું નહીં ચલાવવાની મને ત્યારથી ટેવ પડી હતી.” તેમણે શાળાકીય અભ્યાસ અમરેલીની કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલમાં પૂર્ણ કર્યો. પછી ભાવનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી અને, ત્યાં નવનિર્માણ આંદોલને ત્યાં તંગદિલી સર્જી એ પછી, લોદ્રા, મહેસાણાની બાલા હનુમાન આયુર્વેદ મહાવિદ્યાલયમાં ભણતાં બીએસએમ પૂરું કર્યું. એ પછી બનારસ હિન્દુ યુનિવર્સિટી અને મુંબઈ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરીને તેમણે અનુક્રમે પીએઆરડી અને આયુર્વેદ સાથે એમ. ડી. કર્યું.
મુંબઈ આવ્યા પહેલાં અને ડૉક્ટર થયા પહેલાં મહેશભાઈએ પોતાની વેપારી કોઠાસૂઝનું સરસ દૃષ્ટાંત અમરેલીમાં પૂરું પાડી દીધું હતું. તેઓ કહે છે, “૧૯૭૫માં મેં પિતા પાસેથી પાંચસો રૂપિયાની મૂડી લઈને સ્ટેશનરીનો વેપાર શરૂ કર્યો હતો. ત્રણેક વરસ વેપાર કર્યો ત્યાં ૧૯૭૮માં પિતા સાથે વૈચારિક મતભેદ થયો. મેં ઘર છોડવાનો નિર્ણય લીધો. ત્યારે મેં પપ્પાને વેપારનો પૂરેપૂરો હિસાબ આપ્યો હતો. ત્રણ વરસમાં બધું મળીને મેં સાડાપંદર લાખ રૂપિયાનો વેપાર કર્યો હતો!”
એમણે સ્થાપેલી એ કંપની હતી મહેશકુમાર વી. સંઘવી (બુકસેલર્સ એન્ડ સ્ટેશનર્સ). એ વેપાર અમરેલીમાં આજે પણ ધમધમે છે. નાના બંધુ ઉમેશભાઈ એ સંભાળે છે અને એજ્યુકેશન એમ્પોરિયમ નામે હવે એ ૬,૫૦૦ ચોરસ ફૂટના શોરૂમ તથા ત્રણેક ગોડાઉનના વિશાળ વેપારમાં પરિવર્તિત થઈ ચૂક્યો છે.
બાળપણથી તેમનામાં દેશપ્રેમ અને પરોપકારના ગુણોનું પણ સિંચન થયું હતું. નાની વયે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા હતા. આજે પણ તેના ચુનંદા કાર્યક્રમોમાં તેઓ હાજરી આપે છે. તેઓ કહે છે, “કોલેજ વખતે મારા વિસ્તારમાં મારી ગણના ભારતીય સંસ્કૃતિના રક્ષકની થતી. મારો કડપ એવો વર્તાય કે ટૂંકા અથવા આછકલાં વસ્ત્રો પહેરતી છોકરીઓ મને જોતાવેંત આઘીપાછી થઈ જતી.”
સ્વભાવે કડક અને નીતિમત્તાના આગ્રહી તરીકે મહેશભાઈની આગવી છાપ સર્જી હતી, “વાણિયાનો દીકરો છતાં હું પટેલોની જેમ હોકી સ્ટિક, સાઇકલ ચેઇન અને ગુપ્તી રાખતો. કોઈને કનડવા નહીં પણ પોતાની સુરક્ષા માટે.” સ્કૂલના દિવસોનો એક કિસ્સો જુઓ, “ભૂગોળનો એક જવાબ શબ્દોમાં લખવાને બદલે મેં ગ્રાફ બનાવીને આપ્યો. શિક્ષિકાને જવાબ સમજાયો નહીં તો મને ધીબેડ્યો અને પાનું ફાડી નાખ્યું. મારા વિરોધ વચ્ચે મામલો સિનિયર શિક્ષક સમક્ષ ગયો. મેં એમની સમક્ષ ફાડી નખાયેલા પાનાને ફરી ગોઠવ્યું. અટપટા પ્રશ્નો જવાબ મેં સરળ અને સચોટ ગ્રાફથી આપ્યો એ જાણીને તેઓ એવા પ્રભાવિત થયા કે મને ભેટી પડ્યા.” બનારસ હિંદુ યુનિવર્સિટીમાં તેમણે આગળ ઓળખ બનાવી હતી. એ વિશે તેઓ કહે છે, “ત્યાંના મારા દ્વિવેદીસાહેબે મને શીખવ્યું કે મગજ ગરમ થાય ત્યારે કેમ શાંત રહેવું અને બાજી કેમ જીતવી.”
૧૯૮૪માં તેમણે સ્વતંત્ર પ્રેક્ટિસ શરૂ કરી. ત્યારે ક્લિનિક નહીં એટલે, “ઘેરઘેર જઈને હું મસા, હરસ, ભગંદરની સારવાર આપું અને ઓપરેશન પણ કરું.” ૧૯૮૬માં છેવટે પોતાની પોલિક્લિનિક શરૂ કરી. પછી મહેશભાઈએ નિરંતર પ્રગતિ સાધી. ૧૯૮૨માં તેમનાં લગ્ન કલ્પનાબહેન સાથે થયાં. શિક્ષણ પ્રત્યેનો મહેશભાઈનો લગાવ એવો કે કોમર્સ ગ્રેજ્યુએટ પત્નીને તેમણે લગ્ન પછી આગળ ભણવાને પ્રોત્સાહિત કરી. કલ્પનાબહેન આયુર્વેદરત્ન થયાં. તેમણે નેચરોપથી તથા જેરેન્ટોલોજી અર્થાત્ વૃદ્ધત્વવિજ્ઞાનમાં ડિપ્લોમા પણ કર્યા. દરમિયાન, દીકરા કુનાલ અને સિદ્ધાર્થના જન્મથી કૌટુંબિક જીવન પણ ભર્યુંભાદર્યું થઈ ગયું. આજે કલ્પનાબહેન અઘાતા ટ્રસ્ટ સાથે સંકળાયેલાં છે અને સંસ્થાની ઘાટકોપર શાખામાં વિનામૂલ્યે સેવા-સારવાર આપે છે. સંસ્થા વડીલોના માનસિક-બૌદ્ધિક સુસ્વાસ્થ માટે નોંધનીય કામ કરે છે.
૧૯૯૫માં મહેશભાઈએ પ્રણેતા તરીકે ભારતના પ્રથમ ડે કેર સેન્ટરની સ્થાપના કરી. જોકે આ નવતર કોન્સેપ્ટ માટે સરકારી પરવાનગી લેતા નાકે દમ આવી ગયો હતો. મહેશભાઈ કહે છે, “ડે કેર આજે જાણીતો કોન્સેપ્ટ પણ એ જમાનામાં મેં એની શરૂઆત કરી હતી. એ માટે મંજૂરી મેળવતાં મને પોણાબે વરસ લાગ્યાં હતાં.” સવારે એડમિશન અને સાંજે ડિસ્ચાર્જ મેળવો, એવી સગવડ ત્યારે નવાઈભરી હતી પણ હવે સર્વપ્રિય થઈ ચૂકી છે.
પ્રદીર્ઘ કારકિર્દીમાં તેમણે અનેક માન-સન્માનો મેળવ્યાં છે. તેઓ કહે છે, “ડોક્ટર તરીકે લાભ એ થયો કે નીતિને વળગી રહીને હું જીવન માણી શક્યો. મેં ક્યારેય ખોટું કર્યું નથી. અન્ય વ્યવસાયમાં હોત તો કદાચ આડુંઅવળું કરવાની ફરજ પડત.” ક્ષારસૂત્ર પદ્ધતિથી બાર કલાકમાં પાઇલ્સનાં ૨૯૦ ઓપરેશન્સ કરવાનો અનોખો વિશ્વ રેકોર્ડ તેમના નામે બોલે છે. દીકરાઓએ પણ પિતાનાં પદચિહ્નો પર ચાલતાં પ્રગતિ સાધી છે. મોટા દીકરા કુનાલે જિનેટિક સાયન્સ સાથે એમ. એસ. કર્યું છે. એ અમેરિકાના કનેક્ટિક્ટમાં રહે છે. તેમનાં પત્ની એકતા એમબીબીએસ છે અને હાલમાં યુએસમાં હોસ્પિટલ મેનેજમેન્ટનું ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યાં છે. નાના દીકરા સિદ્ધાર્થે બારમા પછી યુક્રેનમાં એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કરીને અમેરિકાના ટેક્સાસમાં વસવાટ કર્યો છે. ત્યાંની એક પ્રતિષ્ઠિત કંપનીમાં એ સારા પદે છે. તેમનાં લગ્ન મૂળ સિંધી-પંજાબી જમના સાથે થયાં છે. જમના એલએન્ડટીમાં નોકરી કરે છે.
મહેશભાઈના જીવન પર પિતાના સંસ્કારોનો ખાસ્સો પ્રભાવ રહ્યો છે, “અમારે મતભેદ રહ્યા ક્યારેક પણ મનભેદ ક્યારેય નહોતા. પપ્પા વાસ્તવવાદી, ગાંધીવાદી અને સાધુસમ હતા. તેમણે કૃષ્ણ ભગવાન વિશે ત્રણ પુસ્તકો લખ્યાં હતાં જે દરેક માટે તેમણે પ્રકાશન પહેલાં મારો અભિપ્રાય લીધો હતો.” મોસાળે તેમના વ્યક્તિત્વ ઘડતરમાં ભજવેલી મહત્ત્વની ભૂમિકા વિશે વાત કરતાં મહેશભાઈ કહે છે, “મમ્મી ઉપરાંત નાના-નાનીએ મારા ઘડતરમાં મોટી ભૂમિકા ભજવી. મારા પર મોસાળનું ખૂબ લેણું રહ્યું છે.”
વિસ્તૃત સંઘવી પરિવારની વાત કરીએ તો વડીલબંધુ મહેશભાઈ મુંબઈ રહે છે તો ઉમેશભાઈ અમરેલીમાં. ત્રીજા બંધુ મનોજ અમદાવાદમાં હર્બલ પ્રોડક્ટસના વેપારમાં છે. નાનાં બહેન હેમા અશોકભાઈ ગાંધીને પરણીને બોરીવલી રહે છે. અશોકભાઈ સ્વાતંત્ર્યસૈનિક વિઠ્ઠલદાસ ગાંધીના દીકરા હતા. સ્વબળે આગળ આવેલા, ડોક્ટર રહીને સેવાભાવે પ્રેક્ટિસ કરનારા અને શિસ્તબદ્ધ રીતે જીવન પસાર કરનારા મહેશભાઈ કપોળો માટે પણ સન્માનનીય વ્યક્તિત્વ છે. સમાજમાં આવા ડોક્ટર હોવા એ અભિમાનની વાત છે.
મેં એમની સમક્ષ ફાડી નખાયેલા પાનાને ફરી ગોઠવ્યું. અટપટા પ્રશ્નનો જવાબ મેં સરળ અને સચોટ ગ્રાફથી આપ્યો એ જાણીને તેઓ એવા પ્રભાવિત થયા કે મને ભેટી પડ્યા.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.


