કપોળના એકમાત્ર આઇએએસ અધિકારી છે તેઓ. ગુજરાતના વિકાસમાં તેમનો ફાળો અત્યંત અગત્યનો રહ્યો છે. સેવાનિવૃત્તિ પછી પણ તેઓ જે રીતે લોકસેવા કરી રહ્યા છે તે બાબત પ્રેરક અને વંદનીય છે
“સૌનું કામ કરવું પણ ડરવું કોઈથી નહીં.” જૂજ શબ્દોની આ શિખામણ સ્વાતંત્ર્યસેનાની પિતા કનુભાઈએ પ્રવીણભાઈ લહેરીને ગળથૂથીમાં શીખવી હતી. દીકરાએ એને એવી આત્મસાત્ કરી કે રંગ રહી ગયો. ગુજરાતના મુખ્ય સચિવ તરીકે વરસો સુધી પ્રવીણભાઈએ નિષ્કલંક, નિષ્પક્ષ અને નિઃસ્વાર્થ સેવા આપી છે. કપોળ સમાજના તેઓ એકમાત્ર આઈએએસ અધિકારી, ત્યારે પણ અને આજે પણ. સિદ્ધિ એવી કે ગુજરાતમાં બદલાતા રહેલા મુખ્ય પ્રધાનો વચ્ચે પ્રવીણભાઈનું પદ, સાથે તેમના પ્રત્યે વિવિધ મુખ્ય પ્રધાનોનો વિશ્વાસ અતૂટ રહ્યા. આજે પણ, ૨૦૦૫માં વય વટાવ્યે સેવાનિવૃત્તિ પછી, તેઓ અનેક મહત્ત્વનાં પદો થકી રાજ્યની, તથા સમાજની અને દેશની અપ્રતિમ સેવા કરી રહ્યા છે. શિસ્તબદ્ધતા, કાર્યનિષ્ઠા અને વિચારોની સ્પષ્ટતા જેમને વરી છે તેવા આ વડીલ પાસેથી ઘણું શીખવા જેવું છે.
મૂળ રાજુલાના પ્રવીણભાઈનો જન્મ ૧૯૪૫માં વિજયાલક્ષ્મીની કૂખે થયો. માતાપિતાનાં છ સંતાનોમાં પાંચ દીકરા અને એક દીકરી. પ્રવીણભાઈ સૌથી નાના. બાળપણનાં તેમનાં સંસ્મરણો સ્નિગ્ધ અને સંષર્ઘરહિત છે, “રાજુલામાં ત્યારે શિક્ષણની વ્યવસ્થા ઠીકઠીક. એટલે ત્યાંથી શરૂ કરી આગળના અભ્યાસ માટે મહુવા અને જાફરાબાદ ગયો. પિતાનું સપનું કે હું આઈએએસ અધિકારી બનું. લોકો હાંસી ઉડાડતા. મેટ્રિક પછી હું મુંબઈ આવ્યો.” મુંબઈમાં શરૂઆતમાં અંગ્રેજીના નબળા જ્ઞાનને લીધે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. છતાં મક્કમ મનોબળ સાથે ટકી રહ્યા. મિત્રો-શિક્ષકોની મદદથી અંગ્રેજી પર પ્રભુત્વ મેળવવા પ્રયત્ન કરતા રહ્યા. એકાદ વરસમાં એવા સજ્જ થયા કે વક્તૃત્વમાં ભાગ લઈને ઇનામો જીતવા માંડ્યા. મુંબઈમાં તેમણે સેન્ટ ઝેવિયર્સથી બી. એ., ગવર્નમેન્ટ લો કોલેજથી એલએલબી કર્યું. પ્રખર કાયદાવિદ રામ જેઠમલાણીને ત્યાં ચેમ્બરિંગ અને પછી પોણાબે વરસ પશ્ચિમ રેલવેના ઓડિટ વિભાગમાં નોકરી કરતાં, ૧૯૬૬માં પહેલીવાર તેમણે આઈએએસની પરીક્ષા આપી. તેમાં સફળતા ના મળી તો ૧૯૬૮માં ફરી પ્રયાસ કર્યો. એમાં સફળ થયા અને પિતાના સ્વપ્નને સાકાર કરીને રહ્યા. એ સાથે શરૂ થઈ એક ઝળહળતી કારકિર્દી.
૧૯૬૯માં આઈએએસ અધિકારી તરીકે ગુજરાતમાં તેમની ફાળવણી થઈ. દરમિયાન, મૂળ મહુવાનાં નીલાબહેન સાથે લગ્ન થયે સંસારયાત્રા પણ આરંભાઈ. ૧૯૬૯-૭૧ વચ્ચે મસૂરી-રાજકોટમાં તાલીમ પછી તેમની ૧૯૭૧માં વલસાડ જિલ્લાના આસિસ્ટન્ટ કલેક્ટરપદે નિમણૂક થઈ. પછી તો પદો, જવાબદારીઓ, શહેરો અને કસોટીઓનો લાંબો દોર શરૂ થયો, જે ૨૦૦૫ સુધી ચાલ્યો. પ્રવીણભાઈએ ગાંધીનગર, વડોદરા મહાપાલિકા, જામનગર, બનાસકાંઠા-પાલનપુર, સૌરાષ્ટ્ર સહિતનાં સ્થળોએ સેવા આપી. ગૃહ વિભાગમાં ઉપસચિવ, મહાપાલિકામાં ડેપ્યુટી કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, કુટિર ઉદ્યોગના, ઉચ્ચ શિક્ષણના, માહિતી વિભાગના નિયામક, ગુજરાતના માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ, ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાતના ઉદ્યોગ સચિવ, અમરસિંહ સોલંકીથી નરેન્દ્ર મોદી સુધીના મુખ્ય પ્રધાનોના કાર્યકાળમાં અગ્રસચિવથી લઈ ઉદ્યોગ કમિશનર, મુખ્ય પ્રધાન કાર્યાલયના અધિકારી, પ્રવાસ-ગ્રામીણ વિકાસની જવાબદારી, ૨૦૦૩ પછીના મોદીના કાર્યકાળમાં જીએસએફસી, જીએનએફસી, ગુજરાત આલ્કલીઝ, જીઆઈઆઈસી સહિત સરદાર સરોવર નર્મદા નિગમનું સુકાન, નિવૃત્તિ પછી પણ નર્મદા નિગમના સીએમડી તરીકે ફરજ… ખૂબ લાંબી યાદી છે તેમનાં કાર્યો-પદોની. ઉપરાંત, ૧૯૮૪-૮૫ વચ્ચે વેલ્સ યુનિવર્સિટીથી બ્રિટિશ સ્કોલરશિપ સાથે એમ. એસસી.નો અભ્યાસ અને ૧૯૯૩-૯૭ દરમિયાન કેન્દ્ર સરકારના વસ્ત્ર મંત્રાલય અંતર્ગતની નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેક્નોલોજી (એનઆઈએફટી)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે આ શિક્ષણસંસ્થાને તેજ ગતિએ વિકસાવતાં મુંબઈ સહિત ચેન્નાઈ, કોલકાતા, હૈદરાબાદ, બેંગલોર, ગાંધીનગરમાં તેની શાખાઓની સ્થાપના!
પ્રદીર્ઘ કાર્યકાળમાં મેળવેલી સિદ્ધિઓની યાદી પણ એટલી જ લાંબી. અંબાજી મંદિરના અધ્યક્ષ તરીકે તેમણે તેનાં નવનિર્માણ, ટાઉન પ્લાનિંગનાં બીજ રોપ્યાં. આજે જે મંદિર ત્યાં છે એની બ્લ્યુપ્રિન્ટ તૈયાર થઈ પ્રવીણભાઈના માર્ગદર્શનમાં. માઇક્રો ફાઇનાન્સ શબ્દો કોઈ જાણતું નહીં તે સમયે. ૧૯૭૮-૮૧ વચ્ચે ગુજરાતના લઘુ અને ગૃહઉદ્યોગને ધીરાણ માટે તેમણે વિશ્વસનીય યોજના અમલમાં મૂકી. એ સાથે આ દિશામાં પગરણ કરનાર પહેલું રાજ્ય ગુજરાત બન્યું. ગુજરાતના હસ્તકળાના કસબીઓને રાષ્ટ્રીય તખતે નામના તથા પુરસ્કારો જીતનારા કરતા કરવાના દૂરંદેશીભર્યા કાર્યનો પ્રારંભ પણ તેમના હસ્તક થયો. ૧૯૮૦ના દાયકામાં ગુજરાતમાં દસમા-બારમાની પરીક્ષામાં થતી ગેરરીતિઓ દૂર કરીને સચોટ પરીક્ષા પદ્ધતિ પણ પ્રવીણભાઈના નેજામાં અમલી થઈ. એ દાયકાના મધ્યમાં સૌરાષ્ટ્રના જળસંકટ સામે જંગ છેડી દૂરગામી વ્યવસ્થા કરવા સાથે દેશમાં પહેલીવાર ટ્રેનથી પાણી પહોંચાડવાનું સફળ આયોજન પણ કર્યું. સાથે રાજ્યની ઔદ્યોગિક નીતિનું એ અરસામાં ઘડતર કર્યું, જેનાથી રાજ્યમાં વધતો ચાલેલો મૂડીરોકાણનો પ્રવાહ ક્યારેય અટક્યો નથી. ૧૯૮૮-૯૦ વચ્ચે દુકાળનો સામનો, પોલીસ યુનિયનની તકલીફનું નિવારણ, પંચાયતીરાજના સુધારા, ૧૯૯૭-૨૦૦૧ વચ્ચે બે પ્રચંડ વાવાઝોડાં, દુકાળ, સુરતના ભયાનક પૂર, કચ્છના ધરતીકંપ સામે રાજ્યનું રક્ષણ, ૨૦૦૩-૦૬ વચ્ચે ગુજરાતના અંદાજપત્રને ખાદ્યમાંથી પુરાંત તરફ વાળવું, સેવાનિવૃત્તિ પછી ૨૦૦૫માં નર્મદા નિગમના સીએમડી તરીકે બંધની ઊંચાઈ ૧૨૧.૪૯ મીટરે લઈ જવા સાથે ૧,૪૫૦ મેગા વોટના પાવર પ્લાન્ટની સ્થાપનાના પ્રણેતા થવું…
પ્રશ્ન એ થાય કે પક્ષ અને વિચારોથી જુદા એવા અનેક મુખ્ય પ્રધાનોનો વિશ્વાસ જીતવો પ્રવીણભાઈ માટે કેવી પરીક્ષા રહી હશે? તેઓ કહે છે, “હૈયે પ્રજાનું હિત અને કામમાં અથરશ: વફાદારી હોવાથી હું વિવિધ મુખ્ય પ્રધાનોનો વિશ્વાસ સંપાદિત કરી શક્યો. કબૂલ કે સામાન્યપણે રાજકારણીઓ આઈએએસ અધિકારીઓની સતામણી માટે બદનામ છે પણ, મારા ભાગે અપવાદરૂપ પ્રસંગો બાદ કરતાં એવી સ્થિતિ ક્યારેય સર્જાઈ નથી.” ક્યારેક જો વળી, ભ્રષ્ટાચારના ભાગીદાર બનો અથવા પરિણામ ભોગવો, એવી વિચિત્ર સ્થિતિ પણ સર્જાઈ તો પણ પ્રવીણભાઈ નીતિમાં અડગ રહ્યા, પછી શું? તેમની સત્યનિષ્ઠા દર વખતે જીતી.
પોતે આઈએએસ અધિકારી હોવાથી ૨૦૦૫માં નિવૃત્તિ તત્કાલીન મુખ્ય પ્રધાન મોદીના આગ્રહથી તેમણે ગુજરાતથી આઈએએસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધે તે માટે પણ નોંધપાત્ર સેવા કરી. સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં તેમની સેવા એવી ફળી કે જ્યાં ૧૫ વર્ષમાં ગુજરાતમાંથી માંડ બે-ત્રણ આઈએએસ અધિકારી થયા હતા ત્યાં એ પછીનાં વરસોમાં સંખ્યા અઢીસોને આંબી ગઈ! ૨૦૦૮ પછી તેમણે પારિવારિક સંબંધોનું સન્માન કરતા ઉત્તમલાલ મહેતાના આગ્રહથી ટોરેન્ટ ગ્રુપમાં પણ ત્રણેક વર્ષ સલાહકાર તરીકે સેવા આપી. આજે પ્રવીણભાઈ સદવિચાર પરિવાર, સોમનાથ ટ્રસ્ટ, શ્રી ભાગવત વિદ્યાપીઠ, બી. એમ. ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ, ઉમંગ મૂક-બધીર શાળા, રાજુલા ગૌશાળા, ગુજરાત વિશ્વકોષ જેવી સંસ્થાઓમાં સેવારત છે. મુદ્દે, નિવૃત્તિ નામની છે અને હૈયે ગુજરાતહિત છે, રાષ્ટ્રપ્રીત છે.
પરિવારની વાત કરીએ તો તેમના દીકરા ચિરાગ વેપારમાં વ્યસ્ત છે. દીકરી પ્રતીક્ષા એડ્વોકેટ તરીકે ગુજરાત હાઈ કોર્ટમાં કાર્યરત છે. કપોળના ખમીર વિશે તેઓ જણાવે છે, “વેપાર અને દાનધર્મ બેઉમાં રસ લેતી પ્રજા એટલે કપોળ. સમાજસુધાર અને જ્ઞાતિહિત પણ કપોળના હૈયે વસતી બાબતો છે. છતાં, આપણે એ પણ યાદ રાખવું રહ્યું કે સફળતાનું માપદંડ એકમાત્ર પૈસો નથી. આપણે કપોળ યુવાનોને આર્થિક નહીં પણ જીવનની સફળતાને પ્રાધાન્ય આપતા કરશું તો તેમનાં જીવન વધુ સાર્થક થશે.” એ સાથે વધુ સુખી અને ઉન્નત થશે કપોળ સમાજ.
માઇક્રો ફાઇનાન્સ શબ્દો કોઈ જાણતું નહીં તે સમયે, ૧૯૭૮-૮૧ વચ્ચે ગુજરાતના લઘુ અને ગૃહઉધોગને ધીરાણ માટે તેમણે વિશ્વસનીય યોજના અમલમાં મૂકી.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.


