પિતાના વેપારને તેમણે સાચવ્યો અને વિકસાવ્યો પણ. એમાં સબળ સાથ મળ્યો જીવનસંગિનીનો. આજે તેઓ ઘર, વેપાર તથા શોખ ત્રણેયને સુપેરે ન્યાય આપતા જીવન માણી રહ્યા છે
ભાવનગરની ભૂમિએ મુંબઈને અનેક કપોળશ્રેષ્ઠીઓ આપ્યા છે. એમાંના એક રાજેન્દ્રભાઈ છે. હરકિસનદાસ તથા જયાલક્ષ્મી વોરાનાં આ દીકરાએ પરિવારની પેઢીને ખાસ્સી વિકસાવી છે, આજીવન માબાપની સેવા કરી છે, સંતાનોને પોતાની રીતે કારકિર્દી ઘડવા મોકળું આકાશ આપ્યું છે અને જીવનને સંતોષપૂર્વક માણ્યું છે.
મુંબઈના માટુંગા વિસ્તારમાં ૧૯પરમાં રાજેન્દ્રભાઈનો જન્મ થયો. માબાપને કુલ પાંચ સંતાનો, કમલનયન, ઇન્દિરા, માલતી, અજય, રાજેન્દ્ર અને છેલ્લા ક્રમે તુષાર. પિતાએ વતન ભાવનગરથી ૧૯૬૩ની સાલમાં મુંબઈ સ્થળાંતર કર્યું હતું. તેમણે મુંબઈમાં સૌપ્રથમ તેલની દલાલીમાં કામ કર્યું હતું. મિત્ર બાપાલાલભાઈની ૧૯૪૪માં તેમણે પ્રભુદાસ એન્ડ કંપનીના નામે સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો વેપાર સ્થાપ્યો હતો. આ વેપાર પિતા તથા તેમનાં ફોઈના દીકરા પ્રભુદાસભાઈનું સંયુક્ત સાહસ હતું. દીકરા રાજેન્દ્રને તેમણે શાળાકીય અભ્યાસ માટે માટુંગાની પ્રીમિયર સ્કૂલમાં મૂક્યો હતો. એ પછી ખાલસા કોલેજમાં તેઓ કોમર્સમાં ફર્સ્ટ યર સુધી ભણ્યા. ઘરનો વેપાર હોવાથી તેઓ ભાઈઓની જેમ ૧૯૬૯માં પિતાના વેપારમાં જોડાયા. રાજેન્દ્રભાઈ કહે છે, “ઘરના વેપારમાં કામ કરવાના ઘણા ફાયદા હતા. એક તો તૈયાર ક્ષેત્ર, ઉપરથી સૌનો સાથે અને માર્ગદર્શન મળ્યાં કરતાં. છતાં, ત્રણેક વરસ પછી મને થયું કે બીજું ઘણું થઈ શકે છે. હું પિતાજી પાસે ગયો. મેં પૂછ્યું કે આપણે શા માટે બીજાએ મેન્યુફેક્ચર કરેલી ચીજો વેચીએ છીએ? એની બદલે જાતે ઉત્પાદન કરીએ તો કેવું?” દીકરાની વાતના રણકા તથા આંખોની ચમકને પિતાએ બરાબર પારખી લીધા હશે. તેમણે સંમતિ આપી અને દીકરાએ સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સના ઉત્પાદનમાં ઝંપલાવી દીધું.
ક્રાઉન સર્જિકલ ડ્રેસિંગ મેન્યુફેક્ચરિંગ કંપની, ક્રાઉન સર્જિકલ તથા ક્રાઉન પ્રોસેસિંગ કંપની, એવાં ત્રણ સાહસો રાજેન્દ્રભાઈએ સ્થાપ્યાં. ત્રણેયમાં જુદાં જુદાં પ્રકારનાં સર્જિકલ ઉત્પાદનો બને. વેપાર કપોળના લોહીમાં વણાયેલો છે એટલે રાજેન્દ્રભાઈ માટે આગેકૂચ અઘરી ના બની. વળી પરિવારના વેપારને ત્યાર સુધીમાં ખાસ્સો વરસો થઈ ગયાં હતા. બંધુઓ અજય અને તુષાર પણ ઘરના વેપારમાં હોવાથી સૌ એકમેકનો મજબૂત ટેકો બનતા આગળ વધતા ગયા.
૨૬ વરસની ઉંમરે રાજેન્દ્રભાઈએ મૂળે લોંઠપુરના અને માટુંગામાં રહેતાં મંજુલાબહેન અને પ્રભુદાસ પારેખનાં દીકરી મૃદુલા સાથે સંસાર માંડ્યો. એક યોગાનુયોગ એ હતો કે પતિ-પત્ની બેઉનો જન્મ માટુંગાની એક જ હોસ્પિટલમાં થયો હતો, બે વરસના ફરક સાથે. આ યુગલને ઈશ્વરે દીકરા ઋષાંક અને દીકરી ગુંજન એમ બે બાળકો આપ્યાં. વેપારી પ્રગતિ, લગ્નની સાથોસાથ યુવાનવયે રાજેન્દ્રભાઈ સામજિક મોરચે પણ સક્રીય થઈ ગયા. છેક ૧૯૭૫માં તેઓ કપોળ સોશ્યલ ગ્રુપ સાથે સંકળાયા હતા. માટુંગા સ્થિત હવેલીમાં પણ સભ્ય બન્યા.
રાજેન્દ્રભાઈનું મહત્તમ જીવન કોઈ પણ મોટી મુશ્કેલી વિના પસાર થયું છે. એમ છતાં, અમુક પડકારો તેમણે પણ જોયા છે. દાખલા તરીકે ૧૯૯૫માં ત્રણેય ભાઈઓએ સ્વતંત્ર વેપાર કરવાનો નિર્ણય લીધો. રાજેન્દ્રભાઈ કહે છે, “મનદુઃખ નહોતું પણ ભાઈઓની ઇચ્છા કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધવાની હતી.” ખુશીખુશી પોતપોતાનો માર્ગ કંડારવા ભાઈઓ નીકળી પડ્યા ત્યારે રાજેન્દ્રભાઈના ફાળે પરિવારની પેઢી પ્રભુદાસ એન્ડ કંપની આવી. તેઓ પહેલીવાર એકલા પડ્યા અને વેપાર સાચવવામાં હાથ ઓછા પડવા માંડ્યા. એ સમયે તેમને અડીખમ સાથ મળ્યો જીવનસંગિનીનો. મૃદુલાબહેનના એ વિશિષ્ટ યોગદાનને વર્ણવતાં રાજેન્દ્રભાઈ થોડા ભાવુક થઈને કહે છે, “એક તરફ પેઢી સંભાળવાની અને બીજી તરફ બહારનાં કાય સાચવવાનાં. બેઉ મોરચે કેમ પહોંચી વળાય? મૃદુલાએ મુંબઈની વિવિધ હોસ્પિટલમાં જઈને ટેન્ડર ભરવાનું, ઓર્ડર લેવાનું તેમ જ સરકારી કામોનું ભારણ પોતાના માથે લઈ લીધું. એના સાથ વિના હું ધારી પ્રગતિ સાધી શક્યો ના હોત એ નક્કી હતું.”
પત્નીના સાથને લીધે રાજેન્દ્રભાઈની વેપારમાં તેજ ગતિએ આગળ વધવાની હામ વધી. તેમણે સિંગાપોર, ચીન, તાઇવાનથી સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મગાવીને વેપારને વિસ્તાર્યો. પૂરાં અગિયાર વર્ષ પતિ-પત્નીની જોડીએ રંગ રાખ્યો. એ પછી ૨૦૧૧માં બાળકોના ઉછેર પર લક્ષ આપી શકાય તે માટે મૃદુલાબહેને પૂર્ણ સમય ઘરને આપવા માંડ્યો.
સંતાનોની વાત પર વળીએ તો દીકરા ઋષાંકે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ થયા પછી લંડન ઇન્સ્ટિટ્યુટની સી. એફ. એ.ની પરીક્ષા આપી હતી. તેમ જ ચાર્ટર્ડ ફાઇનાન્સિયલ એનાલિસ્ટની ડિગ્રી મેળવી. હાલમાં એ આઈસીઆઈસીઆઈ વેન્ચર ફંડ્સમાં પ્રેસિડન્ટ તરીકે કાર્યરત છે. ઋષાંકનાં લગ્ન ૨૦૦૬માં થયાં. તેમનાં પત્ની રુચિતા ફ્રીલાન્સ ડાયેટિશિયન તથા ફિઝિયોથેરપિસ્ટ તરીકે કાર્ય કરતાં હતાં. હાલમાં તેઓ ગૃહિણી છે. આ યુગલને સ્તુતિ અને વેદાંત એમ બે સંતાનો છે. દીકરી ગુંજને કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. એ બિઝનેસ પ્લેસમેન્ટના વ્યવસાયમાં છે. પરિવારની નવી પેઢીને ખાનદાની વેપારમાં રસ નથી તે રાજેન્દ્રભાઈને મન ગૌણ મુદ્દો છે, “અમારા અને આજના યુગમાં ખાસ્સો ફરક છે. આજની પેઢી પાસે સાક્ષરતાની તાકાત છે. કોર્પોરેટ ક્ષેત્રમાં સારા પદે રહીને જો સંતાનો પોતાની રીતે આગળ વધતાં હોય તો મારે મન એ આનંદની વાત છે.”
રાજેન્દ્રભાઈના વેપારને આ વર્ષે પંચોતેર વર્ષ પૂરા થયાં. વેપારને સંભાળવા ઉપરાંત રાજેન્દ્રભાઈ નાટકો તથા ફિલ્મો જોવાના શોખને પણ ન્યાય આપતાં જીવનનો આનંદ માણી રહ્યા છે. માબાપને આજીવન સાચવનારા આ વડીલ દેશ-વિદેશના પ્રવાસ પણ નિયમિત ધોરણે કરે છે. આ બધા વચ્ચે પણ, “રવિવારનો સમય પરિવાર માટે ફાળવવાનો મારો વણલખ્યો નિયમ છે. વરસોથી હું આ નિયમને અનુસરી રહ્યો છું.” એવું તેઓ સસ્મિત ઉમેરે છે.
પૌત્ર-પૌત્રીને પણ દાદાના આ નિયમનો સરસ લાભ મળ્યા કરે છે. નવી પેઢી માટે તેઓ કહે છે, “યુવાનોએ બને તેટલું વધુ શિક્ષણ મેળવવાનો પ્રયત્ન કરવો રહ્યો. શિક્ષણ થકી આ વિશ્વનો વિકાસ થયો છે અને થતો રહેવાનો છે.” જરૂરિયાતમંદ કપોળોની મદદ કરવા સદૈવ તત્પર રહેનારા આ વડીલ છેલ્લે કહે છે, “આપણા સમાજની બેન્કનો એક જમાનામાં દબદબો હતો. કપોળ બેન્કને ફરી બેઠી કરવા માટે અને ગુમાવેલી ગરિમા પાછી મેળવવા સૌએ ભેગા મળીને કંઈક કરવું રહ્યું.”
મૃદુલાએ મુંબઈની વિવિધ હોસ્પિટલમાં જઈને ટેન્ડર ભરવાનું, ઓર્ડર લેવાનું તેમ જ સરકારી કામોનું ભારણ પોતાના માથે લઈ લીધું. એના સાથ વિના હું ધારી પ્રગતિ સાધી શક્યો ના હોત એ નક્કી હતું.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.


