આ વડીલને મળ્યા પછી યુવાનોને પણ વધુ મહેનતકશ અને સમાજોપયોગી થવાની ઇચ્છા થાય. જીવનની પળેપળ તેઓ પરોપકારમાં પસાર કરે છે. ૭૫ વર્ષની ઉંમરે કોમ્પ્યુટર શીખ્યાં છે અને મહત્તમ પુસ્તકો લખનારાં લેખિકા તરીકે રેકોર્ડ ધરાવે છે
સાડાઆઠ સદીનું જીવન. સોથી વધુ પુસ્તકોનું લેખન. વળી લેખનકાર્ય શરૂ કર્યું ઉંમરના પાંસઠમા વરસે! વહેલી સવારે દિનચર્યા શરૂ અને છેક રાત સુધી નિરંતર પ્રવૃત્તિ. વાલકેશ્વર જેવા વિસ્તારમાં એકલાં રહીને ખુમારી સાથે જિંદગી માણવી. ઘરની કાર પ્રેમપૂર્વક જતી કરીને હવે બેસ્ટની બસ જેવાં સાર્વજનિક વાહનોમાં ખુશીભેર પ્રયાસ કરવાનો. સમાજસેવામાં એટલા પ્રવૃત્ત રહેવાનું કે પચીસ-ત્રીસ વરસના જુવાનિયા પણ તેમની સ્ફુર્તિ જુએ તો શરમાઈ જાય. અને હા, પુસ્તકો લખવાની શરૂઆત કર્યા પછી, લખાણના પ્રિન્ટિંગથી માંડી ડિઝાઇનિંગ સુધીનાં કામ માટે બીજા પર આશ્રિત નહીં રહેવાના જુસ્સા સાથે કોમ્પ્યુટર શીખવાનું, જૈફ વયે. કોશ કરી શકે આ બધું? રમાબહેન હર્ષદભાઈ શાહ કરી શકે.
“મહેનત, મીઠાશ અને સમાજના સ્વજનોના ઉત્કર્ષ માટે ઉમંગભેર કંઈક કરતા રહેવું, આ બધા સંસ્કાર મને નાનપણમાં મળ્યા,” એક સરસ મજાની સવારે વાતચીત શરૂ કરતાં રમાબહેન સંસ્મરણોનો ખજાનો વહેંચે છે, “ઘાટકોપરની નવરોજ લેનમાં અમે ચાલીમાં રહીએ. હું ૧૪ વરસની હતી ત્યારે મારાં માતાપિતાનું અવસાન થવાથી ભાઈ-બહેનની જવાબદારી પણ મારા માથે હતી. એટલે હું નોકરી કરું, ઘર પણ સંભાળું અને ટ્યુશન્સ પણ લઉં. એ બધાં સાથે મને ખ્યાલ આવતો ગયો કે સંઘર્ષ કોનું નામ છે, સાધારણ માણસની જરૂરિયાતો શી ચીજ છે અને, તકલીફમાં કોઈકને મદદ કરવી એ કેટલી મોટી ખુશી છે.”
મેટ્રિક પછી કોરસપોન્ડન્સ કોર્સથી ભણતાં તેમણે સાક્ષરતા અર્જિત કરી. પછી એક સ્કૂલમાં નોકરી કરતાં તેમની મુલાકાત હર્ષદભાઈ સાથે થઈ અને બેઉએ સંસાર માંડ્યો. પ્રિન્સેસ સ્ટ્રીટમાં હર્ષદભાઈનો સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો બિઝનેસ, ઓનેસ્ટી સાયન્ટિફિક કોર્પોરેશનના નામે. રમાબહેને કંપનીમાં અકાઉન્ટ્સની જવાબદારી સંભાળી લીધી. એ જમાનામાં આખી પ્રિન્સેસ સ્ટ્રીટમાં વેપારમાં પ્રવૃત્ત હોય તેવાં એકમાત્ર મહિલા રમાબહેન હતાં. પતિ-પત્નીની જોડીએ વેપારમાં ઝમકદાર પ્રગતિ સાધી. ખૂબ સુખી થયાં અને ભરપૂર સંપન્નતા પણ મેળવી. રમાબહેને જીવનની અડધી સદી વટાવવા સાથે પોતાના જીવનસાથીને જણાવ્યું,” સાહેબ, ઘણું કમાયા હોં. હવે જરા પુણ્ય કમાઈએ, સેવાનાં કામ કરીએ?” બસ, એ સાથે આ સન્નારીના જીવનની વર્ઝન ટુ શરૂ થઈ.
રમાબહેનને સમાજસેવામાં હવે તો પાંત્રીસ વરસ થઈ ગયાં છે. વિશ્વ લાડ પરિષદનાં પ્રમુખ તરીકે, પોતાના સ્થાપેલા રમા એચ. શાહ ચેરિટી ટ્રસ્ટ વતી, સમસ્ત લાડ મિત્ર દ્વિમાસિક સામયિકના તંત્રી તરીકે, વિશ્વ લાડ સમાજનાં પ્રમુખ તરીકે તેઓ સવારથી રાત સુધી અનેકવિધ સેવાકાર્યો કરતાં રહે છે. સમાજસેવા વિશે તેઓ સરસ દષ્ટિકોણ ધરાવે છે, “સમાજસેવામાં પાયાની શરત છે કે સૌને સાથે રાખવા. વાતાવરણ એવું સર્જવું કે કોઈ વિરોધી બને નહીં. જે કરવું હોય તેની સુસ્પષ્ટ બ્લ્યુપ્રિન્ટ પણ તૈયાર જોઈએ. સાથે, શરૂઆત નાના લક્ષ્ય સાથે કરીને પણ પ્રામાણિકતા, નિષ્ઠા અને ખંતપૂર્વક આગળ વધતા રહીએ તો સેવાક્ષેત્રે અશક્ય પણ શક્ય થઈને રહે.”
વિશ્વ લાડ પરિષદ અંતર્ગત તેમણે અનેક નોંધનીય સેવા આપી છે. જેઠ ધનસુખભાઈ રમાબહેન પૂર્વે આ સંસ્થાનું સંચાલન સંભાળતા હતા. ૨૦૦૦ની સાલ પછી રમાબહેન પરિષદ માટે સતત સેવારત છે. ધનસુખભાઈના કાર્યકાળમાં મલાડમાં જ્ઞાતિની વાડીનું નિર્માણ, લોનાવલા, નાથદ્વારા, પંચગનીમાં પણ જગ્યા લેવા સાથે સગવડોનું નિર્માણ, શિક્ષણથી લઈને સ્વાસ્થ્ય જેવા મોરચે સ્વજનોને સાથે જેવાં કંઈ કેટલાંય કાર્ય થયાં. એ બધાંને આગળ ધપાવવાનું કાર્ય રમાબહેનના પ્રમુખપદ હેઠળ જારી છે. મલાડની વાડીના મામલે ભૂતકાળમાં આવેલા પડકારોનાં નિવારણ પણ રમાબહેનના સુકાનમાં આવ્યાં છે. મલાડની વાડી હોય કે વતન વ્યારામાં હોસ્પિટલ, ઘણાં સુકૃતો માટે રમાબહેને પરિવારના લાખો રૂપિયા દાન આપ્યા છે. કારણ, તેઓ કહે છે, “પરસેવાની કમાણી સારા માર્ગે વાપરવાથી સંપત્તિ લક્ષ્મી બને છે. આવી ભાવના જેટલી પ્રબળ તેટલું આપણું જીવન વધુ સાર્થક ગણાય.”
પોતાના પારિવારિક ટ્રસ્ટમાંથી તો તેઓ લાડ સમાજ બહારના લોકોને પણ મદદરૂપ થાય છે. શિક્ષણાર્થે સેવા આપવાને તેઓ પ્રાધાન્ય આપે છે કેમ કે, “પરિવારમાં એક વ્યક્તિ પણ સુશિક્ષિત થઈ જાય તો એ આખા પરિવારને ઉત્કર્ષમાર્ગે દોરી જઈ શકે છે. એ પછી એને હાથ ફેલાવવાનો વખત આવતો નથી.” આ ભાવનાને ઉજાગર કરતાં તેમણે અત્યાર સુધીમાં અનેક વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ થવા પીઠબળ પૂરું પાડ્યું છે.
રમાબહેને સાહિત્યક્ષેત્રે પણ જૈફ વયે પદાર્પણ કર્યું. એક પછી એક એમ કરતાં કરતાં આજે તેમના નામે ૧૦૮ પુસ્તકો બોલે છે. ૨૦૧૩થી ૨૦૧૮ સુધી લાગલગાટ પાંચ વરસ સુધી ૫ મૂળાક્ષરથી શરૂ થતાં સૌથી વધુ પુસ્તકોનું પ્રકાશન કરવા માટે એમને લિમકા બુક ઑફ રેકોર્ડ્સનો એવોર્ડ એનાયત થયો છે. પુસ્તકના લખાણથી પ્રકાશન સુધીની તમામ જવાબદારી રમાબહેન જાતે નિભાવે છે. વધુમાં, પુસ્તકો વેચવાને બદલે તેઓ સાહિત્યપ્રેમીઓને વિનામૂલ્યે આપે છે. સરસ્વતીની સાધના કરવાની તેમની આ પ્રબળ ભાવના ખરેખર અસાધારણ છે.
રમાબહેને કરેલાં સુકૃતોની એવી અમીટ છાપ સમાજ પર છે કે આબાલવૃદ્ધ સૌ તેમને આદર આપે છે. જરૂર પડ્યે તેમની પાસે માર્ગદર્શન પણ મેળવે છે. હર્ષદભાઈનું બેએક વરસ પૂર્વે અવસાન થયું. એ પહેલાં બેઉ સેવાકાર્યોમાં સહિયારાં ઓતપ્રોત હતાં. આજે આર્થિક સેવાર્થે ધન ખર્ચવાનું આવે ત્યારે રમાબહેનને દિયર દિનેશભાઈનો સહયોગ મળે છે.
રમાબહેનની દિનચર્યા તથા જીવનશૈલીની ઘણી બાબતો અનુકરણીય છે. વહેલી સવારે જાગી જવું, સતત પ્રવૃત્ત રહેવું, મર્યાદિત ભોજન આરોગવું અને ખરા અર્થમાં સ્વાવલંબી રહેવું તેમનો સ્વભાવ છે. આ ઉંમરે પણ તેઓ અકલ્પનીય સ્વસ્થતા અને ચપળતા ધરાવે છે. એનાં રહસ્યો પણ કદાચ જીવનશૈલીમાં સમાયેલાં છે. પ્રશ્ન થાય કે જૈફ વયે કોમ્પ્યુટર શીખવાની તેમને કેમ ઇચ્છા થઈ? રમાબહેન સસ્મિત કહે છે, “દસેક વરસ પહેલાં હું હિસાબ હાથે લખતી. ઘણીવાર થતું કે જમાના પ્રમાણે કોમ્પ્યુટર આવડી જાય તો હિસાબથી માંડીને પુસ્તક પ્રકાશન બધું આસાન થઈ જાય. જોકે પરિવારનાં બાળકો મીઠી મશ્કરી કરતાં કે દાદી રહેવા દો, તમને નહીં આવડે. મેં મુંબઈ યુનિવર્સિટીના ચર્ચગેટ સ્થિત કોમ્પ્યુટર ક્લાસમાં એડમિશન લીધું. બસ, પછી કોમ્પ્યુટર શીખીને રહી.”
પોતાના જીવતેજીવત રમાબહેને પરિવારની મૂડી-મિલકતની પણ એવી સચોટ વ્યવસ્થા કરી દીધી છે કે ભવિષ્યમાં તેમની ગેરહાજરીમાં સ્વજનો વચ્ચે આ મામલે પૂરેપૂરી સ્પષ્ટતા રહે. જીવનની પળેપળ કશુંક ઉપયોગી કાર્ય કરવામાં જવી જોઈએ એવા સિદ્ધાંતને તેઓ અફરપણે અનુસરી રહ્યાં છે.
સેવાના મોરચે યોગદાનના તેમના અનેક અદ્ભુત કિસ્સા છે જે અત્યંત અસરકારક છે. સ્વજનોને મદદ કરવા તેમણે એક ટ્રસ્ટ બનાવ્યું છે. રમાબહેન છેલ્લે કહે છે, “સાક્ષરતાને કારણે આવેલા પરિવારજનોમાં આવેલા આ સુખદ પરિવર્તન માટે મને બેહદ ગર્વ છે!”
કપોળનાં દીકરીએ લાડ સમાજનાં જઈને મેળવેલી આ બધી સિદ્ધિઓ તેમને વિશિષ્ટ બનાવે છે. જેને મળે તેમનામાં પણ સકારાત્મકતાનો સંચાર કરનારાં રમાબહેન માટે છેલ્લી વાત, “યુ આર વંડરફુલ!”
પરસેવાની કમાણી સારા માર્ગે વાપરવાથી સંપત્તિ લક્ષ્મી બને છે. આવી ભાવના જેટલી પ્રબળ તેટલું
આપણું જીવન વધુ સાર્થક ગણાય.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.


