દૃઢ નિશ્ચય, પરિશ્રમ અને લગન વેપારની અનિવાર્ય બાબતો. આ વડીલે ત્રણેયને આત્મસાત્ કરીને દૃષ્ટાંતરૂપ સફળતા મેળવી છે, વ્યાવસાયિક તથા વ્યક્તિગત પણ
મુંબઈમાં ૧૯૪૫માં જન્મેલા શરદભાઈ પારેખનું મૂળ વતન ખુંટવડા. કમાણી કરવા સૌપ્રથમ તેમના પિતા વ્રજલાલ પારેખ મુંબઈ આવેલા. પછી દાદા પ્રભુદાસ રામજી પણ મુંબઈ આવી વસ્યા. દાદાએ મુળજી જેઠા માર્કેટમાં અકાઉન્ટન્ટની નોકરી શરૂ કરી. પુત્ર વ્રજલાલને પણ નોકરી અપાવી. વ્રજલાલભાઈ વાચ્છાભાઈ તરીકે પણ ઓળખાતા. પત્નીનું નામ કમળાબહેન. તેમનાં આઠ સંતાનોમાં પાંચ દીકરા અને ત્રણ દીકરીઓ. દીકરાઓમાં શરદભાઈ સૌથી નાના. ભૂતકાળના સમયને યાદ કરતાં તેઓ કહે છે, “પિતાજીના જીવનમાં એક એવો વળાંક આવ્યો કે એ પારેખ પરિવાર માટે સૌથી મહત્ત્વનો સાબિત થયો.” શું હતો આ વણાંક એ જાણીએ.
બન્યું એવું કે એ જમાનામાં હિસાબ-કિતાબના ચોપડા મૂકવા રોજ રાતે શેઠને ઘરે જવું પડતું. શેઠ ઘરના કોઈ કામ ચીધે તો એ પણ કરવાં પડતાં. વ્રજલાલભાઈ જ્યાં કામ કરે ત્યાંના ચોપડા મૂકવા જવાની જવાબદારી તેમની હતી. એક દિવસ તેઓ ચોપડા મૂકવા શેઠને ઘરે ગયા. એ દિવસે તેમનો નોકર નહોતો આવ્યો. શેઠે વ્રજલાલભાઈ પાસે પાણી મગાવ્યું. તેમણે એ કર્યું તો ખરું, પણ કામ પતાવ્યા બાદ તરત જ દુકાનની ચાવી શેઠને પકડાવીને, નોકરી છોડી દીધી. હવે શું કરવું એ પ્રશ્ન હતો. એ સમયે મેટલનાં, ખાસ કરીને બ્રાસનાં બટન્સ ખૂબ ચાલતાં. વાચ્છાભાઈનું મન એના પર ઠર્યું. શરૂઆતમાં બીજા પાસેથી મગાવીને બટન વેચવા માંડ્યાં. પછી જાતે જામનગરથી માલ મગાવી બટન્સની ફેરી શરૂ કરી. ધંધો ચાલવા લાગ્યો. બટન સપ્લાય કરતા માણસે તેમને પાર્ટનરશિપ ઓફર કરી. વ્રજલાલભાઈએ પછી મશીન મગાવીને નેશનલ બટન નામની કંપની શરૂ કરી. ફેક્ટરી જામવા માંડી પછી પાર્ટનરે તેમને છુટા કર્યા અને તેમણે સ્વતંત્રપણે મેટલની સાથે પ્લાસ્ટિકના બટનનું ઉત્પાદન કરવાનો વિચાર કર્યો. સમય હતો ૧૯૫૦ની આસપાસનો. પ્લાસ્ટિકમાંથી બટનનું ઉત્પાદન કરવાના તુક્કાનું ભવિષ્ય શું હશે એ કોઈ ના જાણે, કારણ ઘણાએ તો પ્લાસ્ટિકનું નામ પણ નહોતું સાંભળ્યું. આઇડિયા ખૂબ ચાલ્યો. જોતજોતામાં માગ વધતાં વ્રજલાલભાઈએ લંડનના વિન્ડસરથી ૯૬ નંગ એક સાથે બને એવું બટન બનાવવાનું મશીન મગાવ્યું. પછી પ્લાસ્ટિકની અનેક નાની-નાની વસ્તુઓ પણ બનાવવા માંડીને પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીમાં પગપેસારો કર્યો. એમાંથી સર્જાઈ નેશનલ પ્લાસ્ટિક જે આગળ જતાં અકલ્પનીય સફળતાને વરી.
વ્રજલાલભાઈના એ સાહસે અનેક વમળ સર્જ્યાં. એવી કમાલ કરી કે પૂછો નહીં વાત. આગળ જતા તેમના સાહસમાં દીકરાઓ જોડાયા. ભેગા મળીને તેમણે કંપનીને રાષ્ટ્રીય બ્રાન્ડ સુધી પહોંચાડી દીધી. શરદભાઈની વાત પર પાછા આવીએ તો તેમણે વિલેપાર્લેની ગોકળીબાઈ સ્કૂલમાં મેટ્રિક અને પોદાર અને એનએમ કોલેજમાંથી ઇન્ટર કોમર્સ સુધીનો અભ્યાસ કર્યો. ૧૯૬૮માં તેઓ વેપારમાં જોડાયા. પરિવારના વેપારને નવા પ્રકરણની ભેટરૂપે તેમણે નિકાસ શરૂ કરી. બટન પછી ક્રોકરી, ઘરવપરાશ, ફર્નિયર જેવી ચીજોનું ઉત્પાદન પણ શરૂ થયું. ૧૯૮૧માં ભાઈઓ છુટા પડ્યા ત્યારે શરદભાઈ અને વામનભાઈએ મળી નીલકમલ નામની કંપની ખરીદીને તેનો વિકાસ કર્યો. આજે આ બ્રાન્ડ હેઠળ હજારો ઉત્પાદનો બજારમાં ટોચ પર છે. કંપનીનું વાર્ષિક ટર્નઓવર રૂપિયા ૨,૦૦૦ કરોડનું છે. શરદભાઈ તેના મેનેજિંગ ડિરેક્ટરની જવાબદારી નિભાવી રહ્યા છે.
ભાઈઓ છુટા પડ્યા, કંપનીઓ જુદી થઈ એટલે ભાઈચારો ઘટ્યો? શરદભાઈ સ્મિત વેરતાં જણાવે છે, “ભાઈઓ બધા એક જ પ્રકારના બિઝનેસમાં. એટલે સ્પર્ધા તો રહેવાની. પણ એ બધું ઓફિસ સુધી જ. ઘરે અમે સૌ ભાઈઓ જ. પિતાજીએ કહ્યું હતું કે સ્પર્ધા થતી રહે અને શ્રેષ્ઠ સદા જીતે, એ જીવન છે. પપ્પાની આ સલાહ અમે આજ સુધી અનુસરીએ છીએ. એટલે અમારો પરિવાર એક છે.”
હાલ જુહૂના નયનબસેરા બંગલામાં રહેતા શરદભાઈના પરિવારમાં તેમનાં પત્ની માયાબહેન છે. તેમનાં લગ્ન ૧૯૭૦માં થયાં. સંતાનોમાં પુત્ર નયન અને પુત્રી ધ્રુવી. પુત્ર નયન પરિવારનો સૌથી પહેલો એન્જિનિયર છે. હવે એ પણ પારિવારિક બિઝનેસમાં છે. રોજ નવી ઊંચાઈઓ સર કરતા પોતાના બિઝનેસની સફળતાનો મંત્ર જણાવતાં શરદભાઈ કહે છે, “વેપાર સારો ચાલતો હોય ત્યારે એનાથી સંતોષાઈને બેસી રહેવામાં મજા નથી. જો નવું વિચારવામાં ન આવે તો પ્રગતિ રૂંધાઈ જાય છે.” તેઓ નવી પેઢીને સલાહ આપતાં જણાવે છે, “આગળ વધવું હોય તો સાહસ જરૂરી છે. ધંધો જામશે એવી પાકી ખાતરી હોય તો બાકીનું કામ દૃઢ નિશ્ચય, પરિશ્રમ, નીતિ અને લગન થકી સિદ્ધ થઈને રહેશે.”
શરદભાઈની દિનચર્યા શરૂ થાય સવારે જુહુના દરિયાકિનારે કલાકેક ટેહલવાથી. આ વિશે શરદભાઈ કહે છે, “હું જો દરિયે જાઉં નહીં તો માયા મને ટિખળ કરતાં કહે કે જાવ દરિયે, બાકી તમને મળવા દરિયો ઘરે આવશે.” એ પછી સવારે અગિયારેક વાગ્યે તેઓ ઓફિસે પહોંચી જાય. સેલ્સ અને સંબંધિત પ્લાનિંગમાં તેમની આગવી હથોટી છે. સાંજ સુધી વેપારી જવાબદારીને ન્યાય આપ્યા પછીનો સમય તેઓ પરિવાર સાથે પસાર કરે છે. વીકએન્ડ તેઓ એમ્બી વેલીમાં વિતાવે છે.
સફળતાની વાત કરતાં તેઓ જણાવે છે, “જેઓ મેદાને પડે છે, પીછેહઠ કરતા નથી અને તક પિછાણીને નિર્ણય લે છે તેઓ સફળ થાય છે. માત્ર વેપાર નહીં, જીવનની દરેક બાબતમાં સફળ થવાનો ઉપાય આ એક જ છે.” માનવતાની વ્યાખ્યા કરતાં તેઓ કહે છે, “માત્ર નાણાં આપીને કોઈને મદદ કરવી મોટી વાત નથી. દાન આપનારે એ વાતની કાળજી લેવી જોઈએ કે તેમણે કરેલી મદદનો યોગ્ય દિશામાં ઉપયોગ થઈ રહ્યો છે.” આ નિયમને અનુસરતાં શરદભાઈ જ્યાં પણ દાન આપે ત્યાં
અંગત રુચિ લઈ ધારી સેવા પૂરી કરવામાં બધી રીતે મદદરૂપ થાય છે.
નવી પેઢી વિશે વાત કરતાં તેમને એક વાતનો અફસોસ એ થાય છે કે આ પેઢી સમાજથી વિખૂટી પડી રહી છે, “યુવાનોને એકતાંતણે બાંધી રાખવા કપોળ સમાજે નક્કર કામ કરવાની જરૂર છે. વેરવિખેર થયેલા યુવાનોને, પરિવારોને એકછત્ર હેઠળ લાવીને આપણે સમાજનો ઉત્કર્ષ સાધી શકીશું.” તેમની આ સચોટ વાત આપણા ઉજળા ભવિષ્ય માટેની દીવાદાંડી છે. તેનો અમલ કરીને આપણે આવો, કપોળોને સર્વોત્કૃષ્ટ સમાજના સ્થાને ખરકાર રાખીએ.
પિતાજીએ કહ્યું હતું કે સ્પર્ધા થતી રહે અને શ્રેષ્ઠ સદા જીતે, એ જીવન છે. પપ્પાની આ સલાહ અમે આજ સુધી અનુસરીએ છીએ. એટલે અમારો પરિવાર એક છે.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.


