ગુજરાતી કવિ દલપતરામનું ઘર જે પોળમાં આવેલું હતું એવી આ પોળમાં આવેલો ચબૂતરો કેટલો જૂનો છે તેનો પાકો ખ્યાલ કોઈને નથી

ગુજરાતી કવિ દલપતરામનું ઘર જે પોળમાં આવેલું હતું એવી આ પોળમાં આવેલો ચબૂતરો કેટલો જૂનો છે તેનો પાકી ખ્યાલ કોઈને નથી. જોકે પોળમાં સાતેક દાયકાથી રહેતા વડીલ જન્મથી આ ચબૂતરાના સાક્ષી છે. આ ચબૂતરાની પહેલાં સરસ રીતે જાળવણી થતી હતી. ચણ-પાણી માટે ભંડોળ ઊભું થતું રહે તેના માટે પણ એક અનોખી વ્યવસ્થાનું સર્જન થયું હતું. એ વ્યવસ્થા મુજબ પોળમાં કોઈના ઘરમાં અવસાન થાય ત્યારે પરિવારજનો ચબૂતરા પાસેની કૂંડીમાં ચણ માટે યથાશક્તિ ફાળો મૂકી જતા હતા.
આજે એવું નથી રહ્યું. આજે ચબૂતરાની સ્થિતિ પોરસાવા જેવી રહી નથી. પહેલાં ચબૂતરાની જાળવણી વરસો સુધી ચીનુભાઈ સારાભાઈ નામના સદ્ગૃહસ્થે ઉઠાવી લીધી હતી. આજે ચબૂતરા લગોલગ ઇમારત બંધાઈ ગઈ છે. તેના લીધે ચબૂતરાનાં પગથિયાં ઢંકાઈ ગયાં છે. થોડા સમય પહેલાં તેને ચૂનો લગાડવામાં આવ્યો હતો ખરો. ચબૂતરામાં બનાવવામાં આવેલી નયનરમ્ય મૂર્તિમાંની કેટલીક તૂટી ગઈ છે.
આ પોળમાં ૪૦૦ વરસથી શ્રી શામળા પાર્શ્વનાથનું દેરાસર પણ છે. તેમાં શામળા પાર્શ્વનાથ, સહસ્ત્રફણા પાર્શ્વનાથ, ચિંતામણી પાર્શ્વનાથ અને પદમપ્રભુના ગભારા છે. દેરાસરમાં જ લાકડામાં નેમિનાથ ભગવાનના લગ્નના દૃશ્યનું અત્યંત સુંદર કોતરકામ કરેલું જોવા મળે છે. તેના સહિત દેરાસરનું આંતરિક કોતરકામ પણ ખૂબ સુંદર છે. તેની એકંદરે સ્થિતિ સાધારણ થઈ હોવા છતાં પૌરાણિક મહત્તાને લીધે ચબૂતરાને યથાવત્ રહેવા દેવાનું સૌએ મુનાસિબ માન્યું છે. દલપતરામના ઘરને લીધે શહેરની હેરિટેજ વોકનો ભાગ બનેલી આ પોળમાં કવિની સુંદર પ્રતિમા જરૂર છે. એટલો જ પ્રભાવ ચબૂતરાનો નથી રહ્યો એ પણ નોંધવું રહ્યું.
કોઈ કહો એ કોયલડીને
ગાયાં કરે ગાયાં કરે…
ન રીસાયાં કરે…
કોઈ કહો એ કોયલડીને ગાયાં કરે…
– દલપતરામ
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.