પથ્થરમાંથી બનાવવામાં આવેલાં સરસ શિલ્પો સાથેના આ ચબૂતરાની નીચે વિશાળ ઓટલો પણ છે. ચણ અને પાણી માટેની આટલી સારી સગવડ બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે
અમદાવાદ મહાપાલિકાના મેયરના હસ્તે જેનું જિર્ણોદ્ધાર પછી અનાવરણ હજી બેએક વરસ પહેલાં જ કરવામાં આવ્યું હતું. એની વિગતો દર્શાવતી મોટી તકતી પણ અહીં મૂકવામાં આવી છે. આદર્શ ચબૂતરા માટે જરૂરી તેવી મોકળાશ, પાસે આવેલું વૃક્ષ અને જિર્ણોદ્ધાર પછી બેહદ મનમોહક લાગતા આ ચબૂતરાને તો અમદાવાદ જનાર દરેક જણે એકવાર જોવો રહ્યો.
નાગર બોડીનો આ ચબૂતરો જોકે મૂળ ચબૂતરો નથી. એક જમાનામાં અહીં લાકડાનો ચબૂતરો હતો. સમયની સાથે એનું લાકડું કોહવાઈ ગયું અને ત્રીસેક વરસ પહેલાં ચબૂતરો પડી ગયો હતો. એ ચબૂતરો સોએક વરસ જૂનો હતો. પોળના પંચ, સ્થાનિક રહેવાસીઓના સહયોગમાં તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જૂનો ચબૂતરો પડી ગયા પછી નવા ચબૂતરાનું નિર્માણ કરવામાં આવ્યું. પથ્થરમાંથી બનાવવામાં આવેલાં સરસ શિલ્પો સાથેના આ ચબૂતરાની નીચે વિશાળ ઓટલો પણ છે. ચણ અને પાણી માટેની આટલી સારી સગવડ બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે.
અહીં ચણ માટે કોઈ બાંધેલી ગોઠવણ નથી છતાં ચબૂતરામાં ચણ નીરવાની જવાબદારી લોકો પોતપોતાની રીતે નિભાવે છે. આસપાસનો પરિસર સ્વચ્છ રહે તે માટે પણ લોકો સતર્ક રહે છે. શહેરની શોભામાં વધારો કરતા આ ચબૂતરાને જોઈને એટલું જ કહેવું રહ્યુંઃ જીવદયાના માર્ગે આવા અનેક ચબૂતરા હોય.
पहले उड़ती फिरती थी, ये हर डाली डाली।
कौन थी ये चिड़िया प्यारी?
क्या नाम है इसका, जरा पूछो भईया?
अरे ये चिड़िया है गौरैया।।
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.