૧૪થી ૧૬ ફેબ્રુઆરીએ આર્ટ ઓફ લિવિંગના બેંગલુરુ આંતરરાષ્ટ્રીય સેન્ટરમાં ૧૦મી આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદનું આયોજન થઈ રહ્યું છે. એમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ ઉપસ્થિત રહેશે. પરિષદમાં રાજકારણ, વેપાર, કલા અને સામાજિક ક્ષેત્રની પ્રભાવશાળી મહિલાઓ તથા ૬૦+ વક્તા અને ૫૦૦+ પ્રતિનિધિઓ ભાગ લેશે.
બે દાયકાના સમયગાળામાં આ પરિષદ ૧૧૫ દેશોના ૪૬૩ વક્તાઓ અને ૬,૦૦૦થી વધુ પ્રતિનિધિઓને એક મંચ પર લાવી છે. આ વરસે મુર્મુ ઉપરાંત કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, કેન્દ્રીય પ્રધાન અન્નપૂર્ણા દેવી, ભારતનાં પૂર્વ વિદેશ અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી, શ્રમ અને રોજગાર મંત્રાલય અને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયનાં રાજ્ય કક્ષાનાં પ્રધાન શોભા કરંદલાજે, નિવૃત્ત કોમનવેલ્થ મહાસચિવ શ્રીમતી પેટ્રિસિયા સ્કોટલેન્ડ, જાપાનનાં ભૂતપૂર્વ વડા પ્રધાનનાં પત્ની અકી એબે, ફિલ્મસર્જક અશ્વિની ઐયર તિવારી, અભિનેત્રી હેમા માલિની, શર્મિલા ટાગોર, સારા અલી ખાન, સોનાક્ષી સિંહા, બિઝનેસ લીડર્સ રાધિકા ગુપ્તા અને કનિકા ટેકરીવાલ વગેરે પણ જોડાશે.

આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદનાં અધ્યક્ષ શ્રી શ્રી રવિશંકરજીનાં બહેન ભાનુમતી નરસિંહન છે. તેઓ ગુરુદેવના તણાવમુક્ત, હિંસામુક્ત વિશ્વના વિઝન માટે કાર્યરત છે. આર્ટ ઓફ લિવિંગના મહિલા કલ્યાણ અને બાળજતન કાર્યક્રમોનું તેઓ નેતૃત્વ કરે છે. આર્ટ ઓફ લિવિંગ ૧૮૦ દેશોમાં સંચાલિત વૈશ્વિક બિન-લાભકારી સંસ્થા છે. ભાનુમતીએ આધ્યાત્મિક ગહનતા અને માનવતાવાદી સેવા માટેની વ્યાપક દ્રષ્ટિ સાથે સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવા શિક્ષણ, પર્યાવરણીય સસ્ટેનેબિલિટી અને મહિલા સશક્તિકરણનાં કાર્યો માટે ચાર દાયકાથી વધુ સમર્પિત કર્યા છે.
પરિષદની થીમ ‘જસ્ટ બી’ છે, જે શ્રી શ્રીના એક કાવ્યથી પ્રેરિત છે. થીમ અંતર્ગત પરિષદમાં નેતૃત્વ, સ્વાન્વેષણ અને સશક્તિકરણ પર ચર્ચા થશે. માત્ર વિચારવિમર્શ પૂરતી સીમિત નહીં રહેતા પરિષદમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ હશે. એમાં આંતરરાષ્ટ્રીય ખાણીપીણી મહોત્સવ અને અંગ્રેજી સંગીતમય પ્રદર્શન ‘સીતા ચરિતમ્’ સામેલ છે. આ સંગીતમય રજૂઆત સીતારામની ગાથાને નવી દૃષ્ટિએ રજૂ કરે છે. એમાં ૫૦૦થી વધુ કલાકારો અને ટેકનિશિયન્સની ટીમ છે.

આ વરસે પરિષદમાં વિશેષ વિભાગ ‘સ્ટાઇલિશ ઇન્સાિડ આઉટ: ફેશન ફોર અ કૉઝ,’ છે. એમાં સબ્યસાચી, રાહુલ મિશ્રા, મનીષ મલ્હોત્રા અને રૉ મેંગો જેવા ભારતીય ડિઝાઇનર્સની ડિઝાઇન્સ રજૂ થશે. એ ડિઝાઇન્સની હરાજી પણ થશે. એમાં ઊભું થનારું ભંડોળ આર્ટ ઓફ લિવિંગ ફ્રી સ્કૂલ્સ માટે વપરાશે. પરિષદમાંથી એકત્રિત થયેલ સમગ્ર ભંડોળને આર્ટ ઓફ લિવિંગની દેશભરમાં કાર્યર્ત ૧૩૦૦થી વધુ શાળાઓમાં બાળકન્યાના શિક્ષણ માટે વપરાશે. આ સ્કૂલ્સમાં એક લાખથી વધુ વિદ્યાર્થીનીઓ શિક્ષણ મેળવી રહી છે. પરિષદમાં સંસ્થાની સ્કૂલ્સના બાવીસ રાજ્યના શિક્ષકો પણ સહભાગી થશે.


