દેશની સૌથી શ્રીમંત ધનિક મહાનગરપાલિકા મુંબઈની છે. હાલમાં બૃહન્મુંબઈ મહાનગરપાલિકા કે બીએમસીએ નાણાકીય વરસ 2025-26 માટે એનું ₹74,427.41 કરોડનું બજેટ રજૂ કર્યું છે. વરસ 2024-25ના ₹65,180.79 કરોડના બજેટની સરખામણીએ આ બજેટમાં 14.19%નો વધારો નોંધાયો છે. નોંધનીય છે કે સતત ત્રીજા વરસે બીએમસીનું બજેટ ચૂંટાયેલા કોર્પોરેટરોને બદલે પ્રશાસકો સમક્ષ રજૂ થયું છે, કારણ સાતમી માર્ચ 2022થી મુંબઈની મહાનગરપાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ નથી. મહાપાલિકાની ચૂંટણી ઘણા સમયથી પ્રસ્તાવિત છે.

બીએમસીના વધારાના કમિશનર અભિજિત બંગાર અને અમિત સૈનીએ આ બજેટ મહાપાલિકા કમિશનર અને રાજ્ય નિયુક્ત પ્રશાસક ભૂષણ ગાગરાણી સમક્ષ મહાપાલિકાના મુખ્યાલયમાં રજૂ કર્યું હતું.
ફોકસ રહ્યું માળખાકીય સુવિધાઓ પરઃ બજેટમાં ₹43,162 કરોડ મૂડીખર્ચ માટે ફાળવવામાં આવ્યા છે. એ દર્શાવે છે કે મહાપાલિકા માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવા પ્રતિબદ્ધ છે. આ રકમની ફાળવણી મુંબઈના ટ્રાન્સપોર્ટ, પાણી પુરવઠા અને કચરા વ્યવસ્થાપન જેવી મહત્વપૂર્ણ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આ વરસે જાહેર ભાગીદારીમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. એ માટે મહાપાલિકાને 2,703 સૂચનો નાગરિકો પાસેથી પ્રાપ્ત થયાં હતાં. ગયા વરસે આ મામલે મહાપાલિકાને 1,181 સૂચનો મળ્યાં હતાં. મહાપાલિકાએ સંચાલનમાં જન ભાગીદારી વધારવા માટે આ વખતે 17 જાન્યુઆરી સુધી ઇમેઈલથી લોકોના પ્રતિભાવ મગાવ્યા હતા.
ઝૂંપડપટ્ટી વિસ્તારના વેપારો પર ટેક્સઃ મહાપાલિકાએ એની આવક માટે નવો સ્ત્રોત ઊભો કરવા હવે એ વેપારો પર કર લાદવાની વિચારણા કરી છે જે ઝૂંપડપટ્ટીઓમાં ધમધમી રહ્યા છે. આ પગલાને કારણે એક અંદાજ મુજબ, મુંબઈ મહાપાલિકાને વધારાની ₹350 કરોડની આવક થશે. આ પગલું અનૌપચારિક આર્થિક પ્રવૃત્તિઓને ઔપચારિક બનાવવાના પ્રયત્નોનો હિસ્સો પણ છે.

સાથે, ભવિષ્યના પડકારો વચ્ચે મહાપાલિકા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને આકાર આપવા નવા પ્રોજેક્ટના વિચાર કરી રહી છે. આવા પ્રોજેક્ટ્સમાં ગોરેગાંવ-મુલુંડ લિન્ક રોડ અને વર્સોવા-દહિસર-ભાયંદર લિન્ક રોડ જેવા મહત્વના પ્રોજેક્ટ્સ સામેલ છે. મુંબઈમાં વાહનોની અવરજવર અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે આ પ્રોજેક્ટ્સ મહત્ત્વના ગણાય છે. પરંતુ આર્થિક રીતે આ પ્રોજેક્ટ્સને કારણે મહાપાલિકા નાણાકીય ભીંસનો સામનો કરી શકે છે. કારણ એ માટે મહાપાલિકાને આગામી ત્રણ-ચાર વરસ સુધી મોટા ભંડોળની જરૂર પડતી રહેવાની છે.
છતાં, બીએમસીનું આ વરસનું બજેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાણાકીય સ્થિરતાનું સંતુલિત આયોજન કરવાનો પ્રયાસ ઝળકાવે છે. બજેટ મુંબઈના ભવિષ્યના વિકાસને દિશા આપવા માટે જાહેર ભાગીદારી, નાણાકીય સજાગતા અને માળખાગત વિકાસ સાથે સંતુલન જાળવવાના પ્રયત્નો તરફ પણ ઇશારો કરે છે.