મુંબઈ મહાનગરપાલિકાએ ગણેશ ઉત્સવ દરમિયાન મંડપ બાંધવા માટે ખાડા ખોદવા બદલ દંડની રકમ 2,000 રૂપિયાથી વધારીને 15,000 રૂપિયા કરી હતી, જેના પર હવે વિવાદ ઊભો થયો છે. બૃહનમુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિએ આ નિર્ણયનો તીવ્ર વિરોધ કર્યો છે, જ્યારે રાજકીય પક્ષોએ પણ પાલિકા પર આ નિર્ણય પાછો ખેંચવાનો દબાણ બનાવ્યો છે.
રાજ્ય સરકારે 10 જુલાઈના રોજ ગણેશોત્સવને રાજ્ય ઉત્સવ જાહેર કર્યા પછી મંડળોને રાહતની અપેક્ષા હતી, પરંતુ મહાપાલિકાએ દંડમાં વધારો કરીને તેમને નિરાશ કર્યા છે. આ મુદ્દે કેબિનેટ મંત્રી મંગલપ્રભાત લોઢાએ જાહેર કર્યું છે કે, “ગણેશોત્સવ એ આપણી સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે. અમે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સાથે ચર્ચા કરી યોગ્ય ઉકેલ લાવીશું.”
દક્ષિણ મુંબઈના સી વોર્ડમાં યોજાયેલા જનતા દરબારમાં આ મુદ્દો ચર્ચાયો હતો. મંત્રી લોઢાએ જણાવ્યું કે, “માનનીય મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસના માર્ગદર્શન હેઠળ અમે લોકોની સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે જનતા દરબાર યોજી રહ્યા છીએ.” આ દરબારમાં કુલ 318 ફરિયાદોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું.


