મુંબઈના પત્રકારોની 53 વર્ષથી કાર્યરત સંસ્થા, મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘના નેજા હેઠળ, અખાત્રીજે એટવે રવિવારે ‘ગુજરાતી પત્રકાર વિશ્વ’ નામના ડિજિટલ સામયિકનો દબદબાભેર શુભારંભ થયો હતો. સાથે, દુનિયામાં કોઈ ભાષામાં ક્યારેય નહીં બન્યું હોય એવું પત્રકાર એન્થમ એટલે પત્રકારગીત પણ કાર્યક્રમમાં લૉન્ચ થયું હતું. મુંબઈના અનેક અગ્રણી નિવૃત્ત અને સક્રિય પત્રકારો સહિત રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. મુંબઈના ગુજરાતી પત્રકારજગતમાં આ મેગેઝિન સાથે એક નવી આશાસ્પદ શરૂઆત થઈ છે.
રવિવાર, 19 એપ્રિલે બોરીવલીના અટલ સ્મૃતિ ભવનમાં ‘ગુજરાતી પત્રકાર વિશ્વ’ અને પત્રકારગીતનું લોકાર્પણ થયું હતું. કાર્યક્રમમાં મુંબઈના ગુજરાતી પત્રકાર સંઘના તમામ પદાદિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.સાથે, વરિષ્ઠ પત્રકારો જનકભાઈ શાહ (ગુજરાતી મિડ-ડેના ભૂતપૂર્વ તંત્રી), ભાલચંદ્રભાઈ જાની (ગુજરાત સમાચાર, મુંબઈના નિવાસી તંત્રી), હીરેન મહેતા (ચિત્રલેખાના તંત્રી) સહિત અનેક પત્રકારોએ પણ ઉપસ્થિત રહીને સંધના કાર્યની સરાહના કરી હતી.
આદ્ય શંકરાચાર્ય પ. પૂ. ત્રિકાળભવંતા સરસ્તવીજી મહારાજ (એકમાત્ર મહિલા શંકરાચાર્ય), બોરીવલી વિધાનસભ્ય સંજય ઉપાધ્યાય, ઉત્તર મુંબઈના ભૂતપૂર્વ સંસદસભ્ય ગોપાલ શેટ્ટી, દહિંસર વિધાનસભ્ય મનીષા ચૌધરી, મુંબઈ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર સંજય ઘાડી, એમસીએ એપેક્સ કાઉન્સિલના સભ્ય ભૂષણ પાટીલ, મુંબઈ મહાનગરપાલિકાનાં નગરસેવકો તેજસ્વી ઘોસાળકર, જિજ્ઞાસા શાહ, જિતેન્દ્ર પટેલ, ભૂતપૂર્વ નગરસેવક શ્રી પ્રવીણ શાહ, જગદીશ ઓઝા વગેરે પણ લોકાર્પણમાં ઉપસ્થિત હતાં. મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘને નવી પહેલ માટે ભરપૂર શુભેચ્છાઓ આપવા સાથે સૌએ પત્રકારોને વાચા આપતા સામયિક સહિત પત્રકારગીતનાં મુક્તકંઠે વખાણ કર્યાં હતાં. એટલું જ નહીં, વિધાનસભ્ય સંજય ઉપાધ્યાયે આ પ્રસંગે પત્રકારો સમક્ષ જાહેરાત કરી હતી કે મુંબઈમાં વસતા જે મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘના જે પત્રકાર સભ્યો પાસે પાસે પોતાનાં ઘર નથી એમને બોરીવલીમાં ઘર અપાવવા તેઓ સંનિષ્ઠ પ્રયાસ કરશે. તેઓએ ઉમેર્યું હતું, “સમગ્ર મુંબઈમાં બોરીવલીમાં સૌથી વધુ પત્રકારો વસે છે. એમાં હજી ગુજરાતી પત્રકારો વધશે તો મને બેહદ આનંદ થશે.” કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ આ જાહેરાતને તાળીઓથી વધાવી લીધી હતી.
નોંધનીય છે કે પત્રકારોના આ કમાલના સામયિક પર, ગુજરાતી પત્રકારત્વના આદ્યપિતા નર્મદનું આંખો ઠારતું મુખપૃષ્ઠ છે. 128 પાનાંનું ડિજિટલ માસિક ‘ગુજરાતી પત્રકાર વિશ્વ’ વૈવિધ્યસભર વાંચન, ગુણવત્તાસભર ભાષા અને વિષયોનો રસથાળ ધરાવે છે. ગુજરાત સમાચારના કટારલેખક અને જન્મભૂમિની ‘યાત્રાભૂમિ’ પૂર્તિના સંપાદક, વરિષ્ઠ પત્રકાર અને નાટ્યલેખક સંજય વિનયચંદ્ર શાહ ‘ગુજરાતી પત્રકાર વિશ્વ’ના તંત્રી છે. તેમના અને સંઘપ્રમુખ કુનેશ દવે (ગુજરાત સમાચાર, મુંબઈના પોલિટિકલ રિપોર્ટર)ના પ્રયાસોથી આ અદભુત ડિજિટલ માસિક શક્ય થયું છે. સંઘના તમામ પદાધિકારીઓના સબળ સાથથી અને જાહેરખબરદાતાઓના સહયોગથી ગુજરાતી પત્રકારત્વને કદાચ એવું પહેલવહેલું માસિક મળ્યું છે જેમાં પત્રકારો માટે, પત્રકારોની કલમથી જાતજાતની સામગ્રી પીરસાશે.
આ સાથે તમામ ગુજરાતીઓ સુધી ગુજરાતી પત્રકાર વિશ્વ સહેલાઈથી પહોંચાડવા મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘે વ્હોટ્સએપ પર ચેનલ પણ શરૂ કરી છે. કોઈપણ વ્યક્તિ ચેનલ સર્ચ કરીને ‘ગુજરાતી પત્રકાર વિશ્વ’ (Gujarati Patrakar Vishwa) માણી શકે છે.
વિશ્વના પ્રથમ પત્રકારગીત, ‘તું પત્રકાર છે…’ની યુટ્યુબ લિન્કઃ
વધુ માહિતી માટે સંપર્કઃ સંજય શાહ, તંત્રી, ગુજરાતી પત્રકાર વિશ્વ અને ઉપપ્રમુખ, મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘઃ 98210 66266. ઇમેઇલઃ mgpsangh@gmail.com
Subscribe Deshwale on YouTube

