સુરત, ગુજરાતનું ઝળહળતું શહેર, હીરા, કાપડ અને સ્વાદિષ્ટ ખોરાક માટે જાણીતું આ શહેર એટલે બસ એક અનોખું શહેર. અહીંયાના લોકો સુરતીલાલા તરીકે ઓળખાય. આખું અઠવાડિયું તનતોડ મહેનત કરે અને રવિવાર એટલે બસ મજાનો દિવસ. ખાઓ પીઓ અને મોજ કરો. આ મોજીલી પ્રજાનું એક અત્યંત માનીતું પીણું પણ છે. નામ છે સોસ્યો. અને હા આમ તો આ પીણાનું મૂળ નામ સોસિયો. જે લેટિન શબ્દ સોસિયસ’ પરથી આવ્યું, જેનો અર્થ થાય છે સામાજિક અથવા મિત્રોની વચ્ચે પીવાતું પીણું. પરંતુ સુરતને હુરત બોલનારા હુરતીઓએ એમની સ્થાનિક બોલચાલમાં સોસિઓને ‘સોસ્યો’ કહેતા. આ વાતને ધ્યાનમાં રાખતા કંપનીએ 1953માં, આ પીણાનું નામ બદલીને ‘સોસ્યો’ રાખ્યું, અને આ નામ ગુજરાતના ઘરે ઘરે લોકપ્રિય બન્યું.
ગુજરાતનું પ્રથમ સ્વદેશી કોલ્ડ ડ્રિંક, જે લગભગ એક સદીથી લોકોના દિલમાં સ્થાન જમાવી રહ્યું છે. સોસ્યો એ ફક્ત એક પીણું નથી, પરંતુ સુરતની સંસ્કૃતિ, ગૌરવ અને ઉદ્યમશીલતાનું પ્રતિનિધિત્વ કરે છે. સોસ્યો એ મીઠા, ફ્રૂટી સ્વાદ સાથેનું કાર્બોનેટેડ પીણું છે. તે મુખ્યત્વે દ્રાક્ષ અને સફરજનના રસનું મિશ્રણ હોય છે. તેની ખાસ વાત એ છે કે તેમાં કેટલીક સંયોજકો જર્મની અને ઇટાલી જેવી યુરોપિયન દેશોમાંથી આયાત કરવામાં આવે છે, જેથી તેની ગુણવત્તા જળવાય રહે.
સોસ્યોની શરૂઆત: સ્વદેશી આંદોલનની નીપજ
સોસ્યોની શરૂઆતની કહાણી 1923થી શરૂ થાય છે, જ્યારે ભારત સ્વાતંત્ર્ય સંગ્રામના ઉગ્ર યુગમાંથી પસાર થઈ રહ્યું હતું. મહાત્મા ગાંધીજીના સ્વદેશી આંદોલનથી પ્રેરાઈને, સુરતના ઉદ્યમી અબ્બાસ રહીમ હજૂરીએ વિદેશી પીણાંનો સ્વદેશી વિકલ્પ બનાવવાનો નિર્ણય કર્યો. તે સમયે, તેઓ બ્રિટિશ પીણું વિમટો (Vimto)નું બોટલિંગ કરતા હતા. પરંતુ 1927માં, તેમના ભાઈ મોહસીન અબ્દુલ રહીમ હજૂરીએ ભારતીય પીણું વ્હિસ્કી નો રજૂ કર્યું, જે નોન-આલ્કોહોલિક હોવા છતાં રમ અને સોડાના મિશ્રણ જેવો સ્વાદ આપતું હતું. આ નામ એટલા માટે રાખવામાં આવ્યું કારણ કે તે આલ્કોહોલ જેવો સ્વાદ ધરાવતું હતું, પરંતુ તે સંપૂર્ણ નોન-આલ્કોહોલિક હતું. આ પીણું સુરતના સલાબતપુરામાં હજૂરી એન્ડ સન્સના કારખાનામાં લખોટીવાળી સોડાની બોટલોમાં ભરવામાં આવતું હતું. આ મિશ્રણ એટલું સંતુલિત છે કે તે નોન-આલ્કોહોલિક હોવા છતાં પ્રીમિયમ પીણાનો અનુભવ આપે છે. ગુજરાતીઓમાં સોસ્યો પીવાની એક ખાસ રીત છે.
હજૂરી એન્ડ સન્સ: એક પરિવારનો વારસો
હજૂરી એન્ડ સન્સની સ્થાપના 1923માં થઈ હતી. અબ્બાસ રહીમ હજૂરીના અવસાન બાદ, તેમના ભાઈ મોહસીન અબ્દુલ રહીમ હજૂરીએ કંપનીની જવાબદારી સંભાળી. 1970 અને 1980ના દાયકામાં, આગામી પેઢીએ આ વ્યવસાયને નવી ઊંચાઈઓ પર લઈ ગઈ. આજે, અલીઅસગર હજૂરીના નેતૃત્વ હેઠળ કંપનીએ આધુનિક ટેકનોલોજી અને માર્કેટિંગ વ્યૂહરચનાઓ અપનાવી છે. હજૂરી એન્ડ સન્સ ગુણવત્તા, નવીનતા અને ગ્રાહક સંતોષ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેના કારણે સોસ્યો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં લોકપ્રિય બન્યું છે.
લોકપ્રિયતા અને વૈશ્વિક વિસ્તરણ
સોસ્યોની લોકપ્રિયતા ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સુધી સીમિત નથી. તેનું વેચાણ દર વર્ષે લગભગ પાંચ કરોડ બોટલો સુધી પહોંચે છે, જેમાંથી મોટો હિસ્સો સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં થાય છે. આ ઉપરાંત, સોસ્યો યુએઈ, દક્ષિણ આફ્રિકા, ન્યૂ ઝીલેન્ડ, યુકે અને અમેરિકામાં નિકાસ થાય છે. નિકાસ કરાતી બોટલો પર ‘મેડ ઇન ઇન્ડિયા’ લખેલું છે અને તેની ડિઝાઇનમાં ત્રિરંગો સમાવિષ્ટ હોય છે, જે ભારતીય ગૌરવને દર્શાવે છે. એના રેટ્રો ફીલ અને સ્વાદને કારણે આજે પણ અનેક પરિવારોમાં આ પીણું ખાસ પ્રસંગે પીવામાં આવે છે – જેમ કે લગ્ન પ્રસંગો, ઉપવાસી ભોજનમાં, કે મહેમાનગતિ વખતે.
આધુનિક વિકાસ અને ભાગીદારી
જાન્યુઆરી 2023માં, રિલાયન્સ રિટેલે સોસ્યો હજૂરી બેવરેજીસમાં 50% હિસ્સો ખરીદ્યો, જેનાથી કંપનીનું વિતરણ નેટવર્ક અને બજાર પહોંચ વધુ મજબૂત થયું. આ ભાગીદારીએ સોસ્યોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં વધુ લોકપ્રિય બનાવવામાં મદદ કરી છે. કંપની હવે નવા ફ્લેવર્સ અને પેકેજિંગની શોધમાં છે, જેથી નવી પેઢીના ગ્રાહકોને આકર્ષી શકાય. સોસ્યો ગુજરાતી સંસ્કૃતિનો અભિન્ન ભાગ બની ગયું છે. ઉત્સવો, લગ્નો કે સામાજિક મેળાવડામાં સોસ્યોની બોટલ હંમેશા જોવા મળે છે. તેનો સ્વાદ અને સ્વદેશી ગૌરવ લોકોને એકબીજા સાથે જોડે છે. ગુજરાતીઓ માટે સોસ્યો ફક્ત પીણું નથી, પરંતુ તેમની ઓળખ અને વારસાનું પ્રતીક છે.
હજૂરી સોસ્યો એક સદીથી વધુ સમયથી ગુજરાતના લોકોના દિલમાં સ્થાન ધરાવે છે અને હવે વૈશ્વિક સ્તરે પણ પોતાનું નામ બનાવી રહ્યું છે. રિલાયન્સ રિટેલ સાથેની ભાગીદારી અને આધુનિક નવીનતાઓ સાથે, સોસ્યો આગામી પેઢીઓ માટે પણ લોકપ્રિય રહેશે. આજે પણ, જ્યારે સુરતમાં ઠંડા પીણાં મંગાવવાની વાત હોય તો સૌપ્રથમ સોસ્યો જ યાદ આવે. સુરત જવાના હોવ તો આને માણવાનું ચૂકતા નહીં.


