કુર્લામાં મહારાણા પ્રતાપ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)ને સ્વિમિંગ પૂલ બનાવવા માટે કાપી નાખવામાં આવી રહી હોવાનો આદિત્ય ઠાકરે દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા બાદ, કેબિનેટ પ્રધાન મંગલપ્રભાત લોઢાએ પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. લોઢાએ જણાવ્યું હતું, “ત્યાં સ્વિમિંગ પૂલ નહીં, શિવાજી યુગનું પરંપરાગત રમતો માટે મેદાન બને છે. આ મુદ્દે તેમણે સામો સવાલ કર્યો હતો કે શું આદિત્ય ઠાકરેનો ખરેખર હેતુ તે વિસ્તારમાં રહેતા રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓનાં અનધિકૃત ઝૂંપડાં બચાવવાનો છે?”
કુર્લા આઈટીઆઈ પરિસરમાં છેલ્લા બે મહિનાથી ‘પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોળકર’ નામનું પરંપરાગત મરાઠી રમતગમતનું મેદાન બનાવવામાં આવી રહ્યું છે. ૧૩ ઓગસ્ટે અહિલ્યાબાઈની પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય સ્વદેશી અને પરંપરાગત રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. આઈટીઆઈ વિદ્યાર્થીઓને ખલેલ પહોંચાડ્યા વિના અન્ય ખેલાડીઓ પ્રવેશ કરી શકે તે માટે પાછળ એક વોકવે અને ગેટ બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે.
લોઢાએ સવાલ કર્યો હતો, “આદિત્ય ઠાકરેને ડર હશે કે આ ફૂટપાથ આઈટીઆઈની બહાર ઊગી નીકળેલાં રોહિંગ્યા-બાંગ્લાદેશીઓનાં અનધિકૃત ઝૂંપડાં અવરોધશે. મુંબઈમાં સૌપ્રથમ પરંપરાગત મરાઠા રમતગમતના મેદાનને આવકારવાને બદલે આ ઝૂંપડાં બચાવવા માટે શાને પ્રયાસ થઈ રહ્યો છે?” જોવાનું એ રહે છે કે આના પ્રત્યુત્તરમાં ઠાકરે શું કહે છે.


