મુંબઈમાં ગણેશોત્સવના દિવસો નજીક આવી રહ્યા છે. આ દરમ્યાન ભક્તોને દર્શન અને અવરજવરમાં સરળતા રહે તે માટે મેટ્રો અને લોકલ ટ્રેનોની સેવા મોડી રાત સુધી ચાલુ રાખવાની માંગ ઉપનગરીય પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાએ રેલવે અને મેટ્રો વહીવટીતંત્ર સમક્ષ રજૂ કરી છે.
ગ્રાન્ટ રોડ ખાતે ડી ડિવિઝન મ્યુનિસિપલ ઓફિસમાં યોજાયેલા જનતા દરબારમાં તેમણે જણાવ્યું હતું કે, “ગણેશોત્સવ એ માત્ર ધાર્મિક નહીં પણ સંસ્કૃતિક ઉત્સવ છે. સમગ્ર મહારાષ્ટ્રમાંથી હજારો ભક્તો દર્શન માટે મુંબઈ આવે છે. આવી સ્થિતિમાં, ભક્તોને અવરજવર માટે મેટ્રો અને લોકલ ટ્રેનની મોડી રાત સુધી સેવા મળી રહે તે જરૂરી છે.”
મંત્રીએ કહ્યું કે આ અંગે રેલવે અને મેટ્રો સાથે પત્રવ્યવહાર શરૂ થઈ ગયો છે. જનતા દરબારથી મળેલી માગણીઓ આ મુદ્દાને વધુ મજબૂતીથી આગળ ધપાવશે.
જનતા દરબાર દરમિયાન નાગરિકોએ અનેક પ્રશ્નો રજૂ કર્યા હતા, જેમાં મુખ્યત્વે મ્હાડા સંબંધિત પુનર્વસન, સમારકામ અને ટ્રાન્ઝિટ કેમ્પની સુવિધાઓ અંગેની ફરિયાદો સામેલ હતી.
લોઢાએ લોકોને આશ્વાસન આપ્યું કે, “જ્યાં સુધી વિકાલ્પિક રહેવાનું આયોજન ન થાય ત્યાં સુધી રહેવાસીઓની ઈમારતો ખાલી કરાવવાની કાર્યવાહી નહીં થાય.” તેમણે જલ્દી જ મ્હાડાના વાઇસ ચેરમેન અને સીઈઓ સંજીવ જયસ્વાલ સાથે બેઠક કરીને યોગ્ય સૂચનાઓ આપવાની પણ જાહેરાત કરી.
જનતા દરબારનો ઉદ્દેશ નાગરિકોની સમસ્યાઓને સીધી રીતે સાંભળી તાત્કાલિક ઉકેલ લાવવાનો છે. અગાઉના દરબારોમાં પણ લોકોની મોટી સંખ્યાએ પોતાની ફરિયાદો રજૂ કરી હતી અને કેટલીકનો સ્થળ પર જ ઉકેલ પણ આવ્યો છે.
અંતે, લોઢાએ નાગરિકોને વિનંતી કરી કે તેઓ આવી દરબારોમાં સક્રિયપણે ભાગ લઇ પોતાની સમસ્યાઓ સીધા શાસન સુધી પહોંચાડે અને સરકારી યોજનાઓનો લાભ લે.


