છબિઓને જોતાં તરત ખ્યાલ આવી જ જાય કે તેને આસપાસના રહેવાસીઓએ ત્યજીને અહીં રામભરોસે મૂકી દીધી હશે
મુરલીધરની ખડકીમાં સાવ સાદા લોખંડના પાઇપ ઉપર પતરાના પ્લેટફોર્મ ઉપર ચબૂતરાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભલે ઐતિહાસિક દૃષ્ટિએ તેની કોઈ મહત્તા જણાતી ના હોય પણ અહીં પંખીઓની સેવા થાય છે એ સરાહનીય બાબત છે.

આ ખડકીમાં આશરે પચ્ચીસ જેટલાં ઘરો છે. તેમાંનાં મહત્તમ ઘર રાણા અને પંચાલ લોકોનાં છે. બાકીના ઘરોમાં વિવિધ કોમના લોકો વસે છે. મુરલીધરની ખડકીની અંદર વિશ્વનાથ મહાદેવનું મંદિર પણ છે. આ મંદિરમાં ભગવાનની નિત્યપૂજા કરવાની સેવા અહીંના રહેવાસીઓ સંભાળે છે.
અહીં ચબૂતરાની પાસે એક ઘટાદાર પીપળો છે. આશરે દોઢસો વરસ જૂના આ પીપળાની ફરતે ઓટલો પણ છે. પીપળાના થડ પાસે પંખીઓને પાણી પાવા માટેનું કૂંડું છે. જાળવણીના અભાવે જોકે પીપળા નીચેનો ઓટલો પણ ભાંગીતૂટી અવસ્થામાં છે. ઓટલા પર ભગવાનની એવી છબિઓ પડી રહે છે. આ છબિઓને જોતાં તરત ખ્યાલ આવી જ જાય કે તેને આસપાસના રહેવાસીઓએ ત્યજીને અહીં રામભરોસે મૂકી દીધી હશે.
પીપળો અને ચબૂતરો બેઉ અહીં એવી રીતે ઉપેક્ષાનાં મૂક સાક્ષી બન્યા છે જાણે બેઉનું કોઈ અસ્તિત્વ જ નથી. તેમની વધુમાં વધુ ઉપયોગિતા આસપાસ વાહનો ઊભાં રાખવા પૂરતી રહી ગઈ છે. વૃક્ષની છાયામાં સર્જાતો ચબૂતરો કાયમ વિશેષ મહત્તા ધરાવનારો સાબિત થઈ શકે છે. આપણે આ વાતને ધ્યાનમાં રાખીને આ ચબૂતરાને નવેસરથી કાર્યાન્વિત કરવાનો છે.
मंदिर से, तीर्थ से, यात्रा से, हर पग से, हर सांस से कुछ मिलेगा, अवश्य मिलेगा…
पर उतना ही जितने का तूं है अपने भीतर से दानी।
સંદર્ભ:
કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.

